News of Saturday, 28th March 2026
મહાબળેશ્વરમાં અંધારપટ: પચીસ લાખનું લાઈટ બિલ બાકી હોવાથી તંત્રએ પાડી દીધી સ્વિચ, પ્રવાસીઓ અને સ્થાનિકો અંધારામાં અથડાયા
વેણ્ણા લેકનું પમ્પિંગ સ્ટેશન ઠપ્પ થતા પાણી માટે મચ્યો પોકાર: હિલ-સ્ટેશનની મુખ્ય બજારોમાં બે દિવસ સુધી લાઈટો ગુલ, આખરે ₹14 લાખ ભર્યા બાદ વીજપુરવઠો થયો પૂર્વવત્

મહાબળેશ્વર: મહારાષ્ટ્રના લોકપ્રિય હિલ-સ્ટેશન મહાબળેશ્વરમાં વેકેશન માણવા ગયેલા પર્યટકો અને સ્થાનિક રહીશોએ છેલ્લા બે દિવસથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મહાબળેશ્વર હિલ મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા વીજળીનું પચીસ લાખ રૂપિયાનું બિલ ભરવામાં બેદરકારી દાખવતા, મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (MSEDCL) એ લાલ આંખ કરી છે અને શહેરની મુખ્ય બજારો તથા જાહેર સ્થળોનો વીજપુરવઠો કાપી નાખ્યો હતો.
આ કડક કાર્યવાહીને કારણે મંગળવાર અને બુધવારની આખી રાત શહેર અંધારામાં ડૂબેલું રહ્યું હતું. સ્ટ્રીટલાઈટો બંધ થઈ જવાથી રસ્તાઓ પર અંધારપટ છવાઈ ગયો હતો, જેના કારણે ખાસ કરીને પર્યટકોમાં ગભરાટ અને અસંતોષ જોવા મળ્યો હતો.
વીજળી જતાં પાણીની તંગીનો બેવડો ફટકો
વીજપુરવઠો ૨૪ કલાક સુધી ખોરવાયેલો રહેતા તેની માઠી અસર જળ વિતરણ વ્યવસ્થા પર પડી હતી.
• પમ્પિંગ સ્ટેશન બંધ: વેણ્ણા લેક ખાતે આવેલું વોટર પમ્પિંગ સ્ટેશન વીજળી વગર બંધ પડી ગયું હતું.
• પાણીની તંગી: પમ્પિંગ અટકી પડતા ગુરુવારે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો પહોંચી શક્યો નહોતો, જેના કારણે હોટલો અને ઘરોમાં પાણીની ભારે તંગી સર્જાઈ હતી.
આખરે સમાધાન થયું
પરિસ્થિતિ વણસતા મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું હતું. બુધવારે સાંજે પાલિકા દ્વારા બાકી લેણાં પેટે ૧૪ લાખ રૂપિયાની અંશતઃ ચુકવણી કરવામાં આવી હતી. આ પેમેન્ટ બાદ વીજ કંપનીએ નમતું જોખ્યું હતું અને વીજપુરવઠો ફરી શરૂ કર્યો હતો. જોકે, બે દિવસ સુધી પર્યટન સ્થળની જે છબી ખરડાઈ તેને લઈને સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઉનાળાની સીઝન શરૂ થઈ રહી છે અને મોટી સંખ્યામાં લોકો ઠંડક માટે મહાબળેશ્વર ઉમટી રહ્યા છે, ત્યારે તંત્રની આવી બેદરકારી પર્યટન ઉદ્યોગને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
