<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

મહારાષ્ટ્ર સરકારનો જનતાલક્ષી નિર્ણય: હવે 500 ચોરસ ફૂટ સુધીના રહેણાંક અતિક્રમણો થઈ જશે કાયદેસર, લાખો પરિવારોને મળશે હક્કનું ઘર

રાજ્યભરમાં 2011 સુધીના દબાણોને નિયમિત કરવાની જાહેરાત: 1500 ફૂટ સુધીના મકાનો માટે ચૂકવવો પડશે નજીવો ચાર્જ, જાણો કયા વિસ્તારોને આ યોજનામાં નથી મળ્યો લાભ

મુંબઈ:મહારાષ્ટ્ર સરકારે રાજ્યના લાખો જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને મોટી રાહત આપતા એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે. મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું છે કે, રાજ્યમાં ૧લી જાન્યુઆરી ૨૦૧૧ સુધીમાં કરવામાં આવેલા ૫૦૦ ચોરસ ફૂટ સુધીના રહેણાંક અતિક્રમણોને (Encroachments) કોઈ પણ ચાર્જ વગર સંપૂર્ણપણે કાયદેસર કરવામાં આવશે. આ નિર્ણયથી એવા પરિવારોને કાયમી સ્થિરતા મળશે જેઓ વર્ષોથી અનિશ્ચિતતાના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા.
જોકે, આ યોજનામાં એક મહત્વનો વળાંક એ છે કે મુંબઈ શહેર અને ઉપનગરોને આ નવા નિયમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ સિવાય સમગ્ર મહારાષ્ટ્રમાં આ નીતિ લાગુ કરવામાં આવશે. જે લોકોના મકાનો ૫૦૦ થી ૧૫૦૦ ચોરસ ફૂટ સુધીના છે, તેમને પણ સરકાર તરફથી રાહત મળી છે, પરંતુ તેમણે બજાર કિંમતના અમુક ટકા રકમ ચૂકવવી પડશે.
 
નવી નીતિના મુખ્ય મુદ્દાઓ અને શરતો:
•    નિઃશુલ્ક નિયમિતકરણ: ૫૦૦ ચોરસ ફૂટ સુધીના રહેણાંક બાંધકામ માટે કોઈ પણ રકમ ચૂકવવાની રહેશે નહીં.
•    ૫૦૦ થી ૧૫૦૦ ફૂટ: આ વિસ્તાર માટે બજાર કિંમતના ૧૦ ટકા રકમ ‘ઓક્યુપન્સી પ્રાઈસ’ તરીકે ભરીને મકાન કાયદેસર કરાવી શકાશે.
•    વધારાનું બાંધકામ: જો કોઈ મકાન ૧૫૦૦ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં હશે, તો વધારાના હિસ્સાને તોડી પાડવામાં આવશે.
•    કોમર્શિયલ ઉપયોગ: જો મકાનનો અમુક ભાગ ધંધાકીય હેતુ માટે વપરાતો હોય, તો બજાર કિંમતના ૨૫ ટકા રકમ વસૂલવામાં આવશે.
 
કયા દબાણો કાયદેસર નહીં થાય?
સરકારે પર્યાવરણ અને જાહેર સુવિધાઓની સુરક્ષા માટે અમુક કડક બાકાત રાખ્યા છે. નીચે મુજબની જમીન પર થયેલા દબાણોને કોઈ પણ સંજોગોમાં નિયમિત કરવામાં આવશે નહીં:
1.    નદીના પટ, નાળાં અને જાહેર રસ્તાઓ પર થયેલા બાંધકામ.
2.    ગૌચરની જમીન, વન વિભાગની જમીન અને સ્મશાન.
3.    મેદાનો, શાળાઓ કે હોસ્પિટલ માટે અનામત રાખવામાં આવેલી જગ્યાઓ.
આ નિર્ણયથી ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રહેતા લાખો લોકોને માલિકી હક્ક મળશે, જેનાથી તેઓ ભવિષ્યમાં હોમ લોન કે અન્ય સરકારી યોજનાઓનો લાભ સરળતાથી લઈ શકશે.

(8:31 PM IST)