<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટમાં ૧૦૧૦ આવાસો સહિત રૂ. ૭૫૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ - "ઈઝ ઓફ લિવિંગ" અને "અર્ન વેલ, લિવ વેલ"ના મંત્ર સાથે આગળ વધી રહેલા રાજકોટના આયોજનબદ્ધ વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર"

ભવિષ્યના રાજકોટ માટે રૂ. ૫૪૩ કરોડના ૪૦ નવા પ્રોજેક્ટ્સનો પાયો નખાયો : રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા ૧૫ જ દિવસમાં રૂ. ૧૧૦૦ કરોડથી વધુના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો : માર્ગ, ડ્રેનેજ અને રોશનીના કામોથી શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવી ગતિ

રાજકોટ:રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ મહાનગરપાલિકાના રૂ. ૭૫૧.૨૦ કરોડના ૪૫ જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ શહેરને ધરી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૧૧૯.૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત EWS-II પ્રકારના આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી ૧૦૧૦ પરિવારોને આધુનિક સુવિધાસભર "ઘરના ઘર" પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત, રૂ. ૯.૭૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) અને નવા વ્હીકલ ટેસ્ટ ટ્રેકનું પણ લોકાર્પણ કરીને નાગરિકો માટે સરકારી સેવાઓ વધુ સુલભ બનાવવામાં આવી છે.

વિકાસ અને નાણાકીય પ્રબંધનમાં ગુજરાત અગ્રેસર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, "ઈઝ ઓફ લિવિંગ" અને "અર્ન વેલ, લિવ વેલ"ના મંત્ર સાથે આગળ વધી રહેલા રાજકોટના આયોજનબદ્ધ વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે વિકાસ કાર્યો માટે ગુજરાતનું નાણાકીય પ્રબંધન સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે અને સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત આયોજનોને ત્વરિત મંજૂરી આપવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાના સંકલ્પમાં સામાન્ય માણસની ભાગીદારી અનિવાર્ય છે, અને તે માટે જ 'વાઈબ્રન્ટ ગુજરાત સમિટ'ને હવે પ્રાદેશિક સ્તરે લઈ જવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું અમલીકરણ:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનપ્રતિનિધિ તરીકેના શાસનકાળના ૮૯૩૧ દિવસ પૂર્ણ કર્યા છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીની આ ઐતિહાસિક યાત્રાની શરૂઆત રાજકોટની ધરતી પરથી જ થઈ હતી. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પાસે પોતાનું ઘર હોય, અને ગુજરાત સરકાર આ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં કરાયેલા ઘટાડાનો ઉલ્લેખ કરી તેમણે જનહિતલક્ષી નિર્ણયોની સરાહના કરી હતી.

ઐતિહાસિક રેકોર્ડ અને સમાન નાગરિક સંહિતા:
રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા ૧૫ જ દિવસમાં રૂ. ૧૧૦૦ કરોડથી વધુના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સમાન નાગરિક સંહિતા (UCC) બિલ વિધાનસભામાં પસાર કરીને ગુજરાત દેશમાં આ કાયદો લાવનારું બીજું રાજ્ય બન્યું છે, જે જનતાના હિતમાં લેવાયેલો એક ક્રાંતિકારી નિર્ણય છે. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રસ્તા, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓ સાથે રાજકોટ ટૂંક સમયમાં મોડેલ સિટી તરીકે ઉભરી આવશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારીના કામો:
સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં થઈ રહેલા સર્વાંગી વિકાસની પ્રશંસા કરી હતી. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્વાગત પ્રવચનમાં વિગતો આપતા જણાવ્યું હતું કે આજના પ્રસંગે રૂ. ૧૬૧ કરોડના રોડના કામો તેમજ સૌરાષ્ટ્રના સૌથી મોટા વોટર ફિલ્ટર પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સાંસદો રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ તેમજ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

(9:02 PM IST)