<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

ભાડૂઆતો સાવધાન! પત્ની કે પરિવારના નામે મકાન પર કબજો રાખવો હવે ભારે પડશે, દિલ્હી હાઈકોર્ટે ‘કાનૂની રમત’ રમનારાઓને આપ્યો જોરદાર ફટકો

“હું ત્યાં નથી રહેતો, પત્નીએ તાળું માર્યું છે” તેવી દલીલો હવે નહીં ચાલે: જસ્ટિસ નીના બંસલનો ઐતિહાસિક ચુકાદો, મકાનમાલિકના હકો હડપવાના પ્રયાસ બદલ ભાડૂઆતને કડક ઠપકો

નવી દિલ્હી: દેશભરમાં મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચે ચાલતા વિવાદોમાં દિલ્હી હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ભાડૂઆતો અવારનવાર ઘર ખાલી ન કરવા માટે જે કાનૂની છટકબારીઓ શોધતા હોય છે, તેના પર કોર્ટે કાયમી તાળું મારી દીધું છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો ભાડૂઆતનો પરિવાર મકાનમાં રહેતો હોય, તો તેને ભાડૂઆતનો જ કબજો માનવામાં આવશે અને તે પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં.
 
શું હતો સમગ્ર મામલો?
આ કેસની વિગતો મુજબ, એક મકાનમાલિકે પોતાની મિલકત ખાલી કરાવવા માટે કાયદાકીય લડત શરૂ કરી હતી. સામા પક્ષે ભાડૂઆતે એવી અજીબ દલીલ કરી હતી કે:
•    પોતે ત્યાં નથી રહેતો: ભાડૂઆતે દાવો કર્યો કે તે પોતે હવે તે ઘરમાં રહેતો નથી, તેથી તેને ખાલી કરાવવાનો આદેશ આપી શકાય નહીં.
•    પત્નીનો કબજો: તેણે દલીલ કરી કે તેની પત્ની (જે તેનાથી અલગ રહે છે) એ મકાનને તાળું મારી દીધું છે અને કબજો લીધો છે.
•    તાળું મારી પિતાના ઘરે: તપાસમાં બહાર આવ્યું કે પત્ની પણ ત્યાં રહેતી નહોતી, પરંતુ મકાનને તાળું મારીને પોતાના પિતાના ઘરે જતી રહી હતી.
 
હાઈકોર્ટનો ભાડૂઆતને કડક ઠપકો
જસ્ટિસ નીના બંસલે ભાડૂઆતની આ ચાલબાજીને પકડી પાડી હતી અને તેની અપીલ ફગાવતા અત્યંત કડક શબ્દોમાં જણાવ્યું હતું કે:
"જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સાથે ભાડે રહે છે, ત્યારે પરિવારના કોઈપણ સભ્યની હાજરી એ ભાડૂઆતનો જ કબજો ગણાશે. ભાડૂઆત એવું કહીને છટકી ન શકે કે તે હવે ત્યાં રહેતો નથી. આ કાનૂની પ્રક્રિયાનો સદંતર દુરુપયોગ છે અને તેનો એકમાત્ર ઈરાદો મકાનમાલિકના અધિકારો હડપવાનો છે."
 
મકાનમાલિકો માટે મોટી રાહત
કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે પત્ની એ ભાડૂઆતના પરિવારના સભ્ય તરીકે જ ઘરમાં રહેવા આવી હતી, તેથી તેને ‘સ્વતંત્ર ભાડૂઆત’ તરીકેના કોઈ અધિકારો આપી શકાય નહીં. આ ચુકાદાથી એવા લાખો મકાનમાલિકોને રાહત મળી છે જેમના મકાનો ભાડૂઆતોના પરિવારજનોએ ‘લોક’ કરીને દબાવી રાખ્યા છે.
કોર્ટે નીચલી અદાલતના મકાન ખાલી કરાવવાના આદેશને માન્ય રાખ્યો છે અને ભાડૂઆતને મિલકત તુરંત ખાલી કરવા તાકીદ કરી છે.

(9:50 PM IST)