<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

WhatsApp માં AI નો ધડાકો: હવે તમારે ટાઈપ કરવાની જરૂર નથી : સ્માર્ટ આસિસ્ટન્ટ પોતે જ લખશે તમારા મેસેજ!

મેટા એ વોટ્સએપ ચેટિંગને બનાવ્યું હાઈટેક: અગાઉની વાતચીત સમજીને AI સૂચવશે સચોટ જવાબો અને પ્રોફેશનલ મેસેજ લખવામાં પણ કરશે મદદ

કેલિફોર્નિયા:  દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp હવે તમારા સ્માર્ટફોન પર એક સામાન્ય મેસેન્જર નહીં, પણ એક શક્તિશાળી AI રાઈટર બની જશે. મેટા કંપનીએ તાજેતરમાં તેની 'AI રાઈટિંગ આસિસ્ટન્ટ' સુવિધાને મોટું અપગ્રેડ આપ્યું છે. અત્યાર સુધી આ ફીચર માત્ર લખેલા મેસેજને સુધારવામાં મદદ કરતું હતું, પરંતુ હવે તે તમારી જૂની ચેટના સંદર્ભને સમજીને સ્માર્ટ રિપ્લાય પણ તૈયાર કરી શકશે. એટલે કે, જો તમારે કોઈને જવાબ આપવો હોય તો AI પોતે જ તમને શ્રેષ્ઠ શબ્દો સૂચવશે, જે તમારી વાતચીતને વધુ પ્રભાવશાળી બનાવશે.

આ ફીચરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. યુઝર્સે માત્ર ચેટ બોક્સમાં જઈને ટેક્સ્ટ બોક્સ પર ટેપ કરવાનું રહેશે, જ્યાં સ્ટીકર સેક્શનમાં 'પેન્સિલ અને સ્પાર્કલ' વાળું નવું AI આઇકન જોવા મળશે. આ સુવિધા ખાસ કરીને ઓફિસના કામકાજ કે પ્રોફેશનલ મેસેજ લખવા માટે વરદાન સાબિત થશે. જો તમે તમારા બોસને ફોર્મલ રિપ્લાય આપવા માંગતા હોવ અથવા કોઈ મહત્વની વાતને ગંભીરતાથી રજૂ કરવા માંગતા હોવ, તો AI તમારા શબ્દોને મઠારીને તેને વધુ સચોટ બનાવશે. કંપનીએ દાવો કર્યો છે કે આટલી એડવાન્સ ટેકનોલોજી છતાં તમારી પર્સનલ ચેટની ગોપનીયતા (Privacy) સંપૂર્ણ સુરક્ષિત રહેશે.

AI સિવાય WhatsApp એ સ્ટોરેજ મેનેજમેન્ટમાં પણ મોટી રાહત આપી છે. હવે યુઝર્સ 'વન-ટેપ' સુવિધા દ્વારા આખી ચેટ ડિલીટ કર્યા વગર માત્ર મોટી મીડિયા ફાઈલોને ઓળખીને દૂર કરી શકશે. આ ઉપરાંત, ઇમોજી ટાઈપ કરતા જ તેની સાથે સુસંગત સ્ટીકરો સૂચવતું નવું ફીચર પણ ઉમેરવામાં આવ્યું છે, જે ચેટિંગને વધુ મજેદાર બનાવશે. હાલમાં અમેરિકા જેવા દેશોમાં રોલઆઉટ થયા બાદ, હવે ખૂબ જ ટૂંક સમયમાં ભારતના કરોડો યુઝર્સ માટે પણ આ 'સ્માર્ટ ચેટિંગ' નો નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે.

(10:17 PM IST)