<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

બસ્તરમાં નક્સલવાદનો સૂર્યાસ્ત: ૩૧ માર્ચની ડેડલાઇન પહેલા માઓવાદીઓ પસ્ત: પણ જમીન નીચે છુપાયેલું 'IED' નું જાળું હજુ પણ ઘાતક

૨૫ વર્ષમાં ૧,૨૭૭ વિસ્ફોટો અને ૪૪૩ જવાનોની શહાદત બાદ નક્સલમુક્ત ભારતનું સપનું સાકાર થવાની આરે: ૨૦૨૫માં રેકોર્ડબ્રેક ૮૬૦ વિસ્ફોટકો જપ્ત કરી સુરક્ષા દળોએ લાલ આતંકના ગઢનો ખાત્મો કર્યો

  બસ્તર :ભારત સરકાર દ્વારા નિર્ધારિત  સમયમર્યાદા પહેલા બસ્તરમાંથી નક્સલવાદ તેના અંતિમ ચરણમાં છે. દાયકાઓ સુધી રક્તપાત જોનાર આ વિસ્તારમાં માઓવાદીઓ હવે નબળા પડ્યા છે, પરંતુ તેમનું સૌથી ઘાતક શસ્ત્ર IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) સુરક્ષા દળો માટે હજુ પણ ભૂગર્ભીય પડકાર છે. આંકડા મુજબ, ૨૦૦૧થી અત્યાર સુધીમાં ૧,૨૭૭ આઈઈડી વિસ્ફોટોમાં ૪૪૩ સૈનિકો શહીદ થયા છે અને ૯૧૫ જવાનો ઘાયલ થયા છે. જોકે, ૨૦૨૬માં અત્યાર સુધી એક પણ જવાન આ વિસ્ફોટોનો શિકાર બન્યો નથી, જે સુરક્ષા દળોની વધતી જાગૃતિ અને ચોકસાઈ દર્શાવે છે.

નક્સલી હિંસામાં માત્ર સૈનિકો જ નહીં, પણ ૧૫૮ નિર્દોષ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. નક્સલવાદીઓએ સુરક્ષા દળોને રોકવા માટે બસ્તરની ધરતીમાં હજારો કિલો વિસ્ફોટકો દાટ્યા છે. ગત ૨૬ વર્ષોના ડેટા પર નજર કરીએ તો, ફોર્સે કુલ ૪,૫૮૦ આઈઈડી જપ્ત કર્યા છે, જેમાં ૨૦૨૫માં સૌથી વધુ ૮૬૦ જીવંત બોમ્બ શોધી કાઢીને નષ્ટ કરવામાં આવ્યા હતા. કરેગુટ્ટા જેવા દુર્ગમ વિસ્તારોમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશને માઓવાદીઓની કમર તોડી નાખી છે, જેના કારણે હવે તેઓ સંગઠિત હુમલા કરવાને બદલે માત્ર છૂટાછવાયા વિસ્ફોટકો પર નિર્ભર બન્યા છે.

નક્સલમુક્ત ભારત મેળવવાના આ મિશનમાં હવે સરકાર 'IED મુક્ત ગામ' અભિયાન શરૂ કરવા જઈ રહી છે. જંગલો અને ગામડાઓના રસ્તાઓ પરથી જમીનમાં દટાયેલા વિસ્ફોટકોને હટાવવા માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. માઓવાદનો ભૌતિક સફાયો થઈ રહ્યો છે, પરંતુ આ અદ્રશ્ય મૃત્યુના જાળાને સાફ કરવું એ સૌથી મોટી પ્રાથમિકતા છે. બસ્તરની માટી હવે સૈનિકોના લોહીથી નહીં, પણ વિકાસના રંગોથી રંગાય તે માટે સુરક્ષા એજન્સીઓ અંતિમ લડાઈ લડી રહી છે.

(10:41 PM IST)