હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રોફેસરની નોકરી છોડી બની મધ્યપ્રદેશની પ્રથમ મહિલા IPS, જેમના નામથી ડાકુઓ થરથર ધ્રૂજતા
૧૯૭૬માં UPSC પાસ કરી ઇતિહાસ રચનારી 'લેડી સિંઘમ'ની શૌર્યગાથા: શિવપુરીના જંગલોમાં ખતરનાક ડાકુ દેવી સિંહનો સફાયો કરી દેશની બીજી મહિલા જિલ્લા પોલીસ પ્રમુખ બનવાનું મેળવ્યું બહુમાન

ભોપાલ: મધ્યપ્રદેશના પોલીસ ઇતિહાસમાં આશા ગોપાલનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. ૧૪ સપ્ટેમ્બર ૧૯૫૨ના રોજ જન્મેલા આશાજીએ પ્રોફેસર જેવી સુરક્ષિત નોકરીનો ત્યાગ કરીને ખાખી વર્દી પહેરવાનું સાહસ કર્યું હતું. ૧૯૭૬માં UPSCની કઠિન પરીક્ષા પાસ કરી તેઓ મધ્યપ્રદેશ કેડરના પ્રથમ મહિલા IPS અધિકારી બન્યા. તે સમયે આખા દેશમાં માત્ર ૧૬ મહિલા પોલીસ અધિકારીઓ હતી, જેમાંથી આશા ગોપાલ એક હતા. કિરણ બેદી બાદ સ્વતંત્ર રીતે જિલ્લાનું નેતૃત્વ કરનાર તેઓ બીજા મહિલા અધિકારી બન્યા અને ગુનેગારો માટે કાળ સાબિત થયા.
તેમનું સૌથી પરાક્રમી કાર્ય શિવપુરીમાં ડાકુ દેવી સિંહના ગેંગનો સફાયો કરવાનું હતું. ભયાનક ડાકુઓના ગઢ ગણાતા આ વિસ્તારમાં તેમણે પોતે મોરચો સંભાળ્યો હતો. એક બાતમીના આધારે આશા ગોપાલે ૧૦૦ જવાનોની ટીમ સાથે શેરડીના ખેતરોમાં છુપાયેલા ડાકુઓને ઘેરી લીધા હતા. ડાકુઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારનો વળતો જવાબ આપીને તેમણે ગેંગ લીડર દેવી સિંહને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આ અદમ્ય સાહસ બદલ તેમને ૧૯૮૪માં પ્રતિષ્ઠિત 'રાષ્ટ્રપતિ પોલીસ મેડલ'થી નવાજવામાં આવ્યા હતા.
૨૪ વર્ષની તેજસ્વી કારકિર્દી દરમિયાન તેઓ જબલપુર સહિત અનેક શહેરોમાં એસપી તરીકે રહ્યા, જ્યાં તેમના ડરથી ગુનેગારો શહેર છોડીને ભાગી જતા હતા. વ્યક્તિગત જીવનમાં તેમણે એક જર્મન પોલીસ અધિકારી સાથે લગ્ન કર્યા અને આઈજી (IG) ના પદ પરથી નિવૃત્ત થયા. આજે પણ એમપી પોલીસમાં તેમની બહાદુરીના કિસ્સાઓ નવી પેઢીની દીકરીઓને પોલીસ દળમાં જોડાવા માટે પ્રેરણા આપે છે. જનતામાં તેમનો વિશ્વાસ એટલો હતો કે જ્યારે પણ તેમની બદલી થતી, ત્યારે લોકો તેમને રોકવા માટે રસ્તા પર ઉતરી આવતા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
