હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈષ્ણોદેવીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતા યાત્રા પર અસ્થાયી બ્રેક: કટરામાં હજારો શ્રદ્ધાળુઓ અટવાયા, જાણો ક્યારે ફરી ખુલશે માતાના દ્વાર
ચૈત્ર નવરાત્રીના પાવન પર્વે ત્રિકુટા પર્વત પર જનમેદની ફાટી નીકળી: 45,000થી વધુ લોકોની હાજરીથી સુરક્ષા વ્યવસ્થા જોખમાતા શ્રાઈન બોર્ડનો આકરો નિર્ણય, રવિવાર સવારથી નવા રજીસ્ટ્રેશન અને RFID કાર્ડ મળવાના શરૂ થશે

કટરા: ચૈત્ર નવરાત્રીના પવિત્ર દિવસોમાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવાની ખેવના રાખતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભક્તોની ભારે ભીડને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે કટરા બેઝ કેમ્પથી ભવન સુધીની યાત્રાને અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. શનિવાર સાંજ સુધીમાં અચાનક 45,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડતા પાયાની સુવિધાઓ અને સુરક્ષા જાળવવી મુશ્કેલ બની હતી. ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે શ્રાઈન બોર્ડે તાત્કાલિક અસરથી નવા રજીસ્ટ્રેશન અને યાત્રા સ્લિપ આપવાનું બંધ કરી દીધું છે, જેના કારણે કટરામાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
વહીવટીતંત્ર દ્વારા કટરા પહોંચેલા ભક્તોને હાલ પૂરતું હોટલ અથવા ધર્મશાળાઓમાં જ રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. ભીડનું દબાણ ઘટાડવા માટે પોલીસ અને શ્રાઈન બોર્ડના કર્મચારીઓ લાઉડસ્પીકર દ્વારા સતત જાહેરાતો કરી રહ્યા છે કે કોઈએ ઉતાવળમાં ભવન તરફ આગળ વધવું નહીં. ભક્તોની સલામતી એ પ્રથમ પ્રાથમિકતા હોવાનું જણાવતા અધિકારીઓએ કહ્યું કે, રસ્તાઓ પર ક્ષમતા કરતા વધુ ભીડ થવાથી ગભરાટ ફેલાવવાની શક્યતા રહે છે, જે રોકવા માટે આ 'બ્રેક' અનિવાર્ય હતી. હાલમાં સમગ્ર બેઝ કેમ્પને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને દરેક એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જોકે, નિરાશ થયેલા ભક્તો માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર, આ સ્થગિતતા લાંબો સમય ચાલશે નહીં અને રવિવાર સવારે 4 વાગ્યાથી યાત્રા ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. રવિવારે સવારથી જ નવા RFID કાર્ડ આપવાની પ્રક્રિયા પણ પુનઃ શરૂ થશે, જેથી અટવાયેલા ભક્તો ક્રમશઃ આગળ વધી શકશે. બોર્ડે ખાતરી આપી છે કે જે ભક્તો પાસે પહેલેથી સ્લિપ છે તેમને પ્રાથમિકતા આપીને સુરક્ષિત રીતે દર્શન કરાવવામાં આવશે. સિસ્ટમને વધુ સુવ્યવસ્થિત કરવા માટે વધારાના સ્ટાફને પણ તૈનાત કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ચૈત્ર નવરાત્રી દરમિયાન વૈષ્ણોદેવીમાં દર વર્ષે વિક્રમી ભીડ નોંધાય છે. આ વર્ષે 19 માર્ચથી શરૂ થયેલા મેળામાં અત્યાર સુધીમાં લાખો લોકો હાજરી આપી ચૂક્યા છે. અગાઉ 21 માર્ચના રોજ પણ 39,000 લોકો એકઠા થતા યાત્રા રોકવી પડી હતી, જે 23 માર્ચે ફરી શરૂ થઈ હતી. હાલમાં ત્રિકુટાની ટેકરીઓ "જય માતા દી" ના નાદથી ગુંજી રહી છે, પરંતુ વહીવટીતંત્ર માટે આ અસીમ શ્રદ્ધા વચ્ચે વ્યવસ્થા જાળવવી એ મોટા પડકાર સમાન બની ગઈ છે. શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ સત્તાવાર જાહેરાત પછી જ પોતાની હોટલમાંથી બહાર નીકળે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
