<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

પાકિસ્તાનના પૂર્વ સૈન્ય વડા જનરલ કમર જાવેદ બાજવાનું નિધન: રાવલપિંડીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

બાથરૂમમાં લપસી પડ્યા બાદ માથાની ગંભીર ઈજા જીવલેણ સાબિત થઈ: છ વર્ષ સુધી પાકિસ્તાની સત્તાના સુકાની રહેલા બાજવાએ 65 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી, લશ્કરી હોસ્પિટલમાં એક મહિનાની જંગ બાદ હાર્યા

રાવલપિંડી: પાકિસ્તાનના સૌથી શક્તિશાળી સૈન્ય વડાઓમાંથી એક ગણાતા જનરલ કમર જાવેદ બાજવાનું 65 વર્ષની વયે દુખદ અવસાન થયું છે. શનિવારે રાવલપિંડીની આર્મી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેઓ છેલ્લા એક મહિનાથી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. ફેબ્રુઆરી 2026 માં તેમના નિવાસસ્થાને બાથરૂમમાં અચાનક લપસી જવાથી તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ આકસ્મિક દુર્ઘટના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ માથામાં થયેલું આંતરિક રક્તસ્ત્રાવ તેમની મૃત્યુનું મુખ્ય કારણ બન્યું હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે.

ઘટના બાદ તરત જ લશ્કરી તબીબોની એક સ્પેશિયલ ટીમે જનરલ બાજવાની જટિલ સર્જરી કરી હતી. સર્જરી બાદ તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જોકે, શરૂઆતના તબક્કે ડોક્ટરોએ સર્જરી સફળ રહી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ઉંમર અને ઈજાની ગંભીરતાને કારણે તેમની તબિયતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો હતો. પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ અને સરકારના પ્રતિનિધિઓ સતત હોસ્પિટલના સંપર્કમાં હતા, પરંતુ તમામ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નથી.

જનરલ બાજવા પાકિસ્તાની સૈન્ય ઈતિહાસમાં એક વિવાદાસ્પદ છતાં અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે. તેમણે વર્ષ 2016 થી 2022 સુધી પાકિસ્તાની સેનાના વડા તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાને અનેક આંતરિક અને બાહ્ય પડકારોનો સામનો કર્યો હતો. નિવૃત્તિ બાદ પણ પાકિસ્તાની રાજનીતિ અને સંરક્ષણ બાબતોમાં તેમનો પડઘો પડતો હતો. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા પાકિસ્તાની સૈન્ય છાવણીઓમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે અને રાવલપિંડીમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે.

રાવલપિંડીની સૈન્ય હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે શનિવારે સવારે તેમની સ્થિતિ વધુ બગડી હતી અને મલ્ટિ-ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું અવસાન થયું છે. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં તેમને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે વિદાય આપવામાં આવશે. પાકિસ્તાનના વર્તમાન સૈન્ય નેતૃત્વ અને રાજકીય નેતાઓએ બાજવાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, જે પાકિસ્તાન માટે એક મોટા યુગનો અંત ગણાય છે.

(12:52 AM IST)