<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

પાકિસ્તાન ધર્મસંકટમાં: સાઉદી અરેબિયા સાથેનો સંરક્ષણ કરાર ગળાની ફાંસ બન્યો, ઈરાન સાથેના સંબંધો પર તોળાતું જોખમ

વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે મધ્યસ્થી બનવા નીકળેલું ઈસ્લામાબાદ પોતે જ પ્રાદેશિક જંગમાં ફસાવાની ભીતિમાં: આર્થિક રોકાણની લાલચમાં કરેલો 'મ્યુચ્યુઅલ ડિફેન્સ પેક્ટ' હવે પાકિસ્તાની સેના માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે.

ઈસ્લામાબાદ:પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે પાકિસ્તાન અત્યારે અત્યંત ગંભીર રાજદ્વારી કટોકટીનો સામનો કરી રહ્યું છે. એક તરફ પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિદૂત બનીને મધ્યસ્થી કરવાની ઓફર કરી રહ્યું છે, તો બીજી તરફ સાઉદી અરેબિયા સાથેના તેના સંરક્ષણ કરારો તેના માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. સપ્ટેમ્બર 2025માં કરવામાં આવેલા આ કરાર મુજબ, સાઉદી અરેબિયા પરનો કોઈપણ હુમલો પાકિસ્તાન પરનો હુમલો માનવામાં આવશે. હવે જ્યારે ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને સાઉદી ધરતી પર હુમલા થઈ રહ્યા છે, ત્યારે પાકિસ્તાનને ડર છે કે તેણે ઈરાન વિરુદ્ધ જંગના મેદાનમાં ઉતરવું પડશે, જે તેના પડોશી દેશ સાથેના સંબંધોને હંમેશ માટે બગાડી શકે છે.

પાકિસ્તાની સત્તાવાર વર્તુળોમાં અત્યારે ભારે બેચેની જોવા મળી રહી છે, કારણ કે જે આર્થિક લાભની આશાએ સાઉદી અરેબિયા સાથે આ 'સંરક્ષણ કવચ' તૈયાર કરવામાં આવ્યું હતું, તે ઠગારું નીવડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનને અપેક્ષિત એવું કોઈ મોટું સાઉદી રોકાણ મળ્યું નથી, પરંતુ સામે પક્ષે પ્રાદેશિક સંઘર્ષમાં હોમાઈ જવાનું જોખમ અનેકગણું વધી ગયું છે. પાકિસ્તાન અત્યારે એવી સ્થિતિમાં છે કે જ્યાં તે ન તો સાઉદી અરેબિયાને નારાજ કરી શકે તેમ છે કે ન તો ઈરાન સાથે સીધી દુશ્મની વહોરી શકે તેમ છે. આ આર્થિક અને સૈન્ય મજબૂરીએ પાકિસ્તાની વિદેશ નીતિને લકવાગ્રસ્ત કરી દીધી હોય તેવું જણાય છે.

આ ભયાનક તણાવને ઓછો કરવા માટે પાકિસ્તાન હવે સક્રિયપણે અમેરિકા અને ઈરાન વચ્ચે સેતુ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાને ઈરાનને અમેરિકાનો 15 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ પહોંચાડ્યો છે અને તેહરાન સાથેના વ્યાવહારિક સંબંધો જાળવી રાખવા માટે મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે. પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે આ સંદર્ભે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સીધી વાતચીત કરી છે, જ્યારે વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈરાની નેતૃત્વને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. પાકિસ્તાન ઈચ્છે છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચેની ખાઈ પુરાય, તો પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાય અને તેને કોઈ પક્ષ પસંદ કરવાની ફરજ ન પડે.

વધતી જતી જટિલતાઓને જોતા, પાકિસ્તાન આજે ઈસ્લામાબાદમાં સાઉદી અરેબિયા, તુર્કી અને ઈજિપ્તના વિદેશ મંત્રીઓની એક મહત્વપૂર્ણ ચાર દેશીય બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા પ્રાદેશિક અસ્થિરતાને રોકવાનો અને કોઈ મધ્યમ માર્ગ શોધવાનો છે. પાકિસ્તાને સ્પષ્ટ કર્યું છે કે જો બંને પક્ષો સહમત થાય, તો તે યુએસ-ઈરાન વાટાઘાટો માટે યજમાન બનવા તૈયાર છે. જોકે, નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી સાઉદી-પાકિસ્તાન સંરક્ષણ કરાર અમલમાં છે, ત્યાં સુધી પાકિસ્તાન માટે તટસ્થ રહેવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે

(12:52 AM IST)