હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તેહરાન યુનિવર્સિટી પર હુમલો: ઈરાનનું અમેરિકાને અલ્ટીમેટમ: ૩૦ માર્ચ સુધીમાં હુમલાની નિંદા કરો નહીંતર ઈઝરાયલી શૈક્ષણિક સંસ્થાઓ પર વળતો પ્રહાર
મિડલ ઈસ્ટના યુદ્ધમાં હવે શૈક્ષણિક સંસ્થાઓ નિશાને: આઈ.આર.જી.સી.ની વ્હાઈટ હાઉસને ખુલ્લી ચેતવણી: તો પશ્ચિમ એશિયામાં કાર્યરત તમામ અમેરિકન યુનિવર્સિટીઓ અને ઈઝરાયલની તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઈરાન 'કાયદેસરના સૈન્ય લક્ષ્ય' (લેજિટિમેટ મિલિટરી ટાર્ગેટ્સ) ગણશે

તેહરાન/વોશિંગ્ટન: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું સંઘર્ષ હવે અત્યંત ખતરનાક અને ભયાનક વળાંક લઈ રહ્યું છે. મિડલ ઈસ્ટમાં અત્યાર સુધી સૈન્ય મથકો અને વ્યૂહાત્મક સ્થાનો સુધી મર્યાદિત રહેલી કાર્યવાહી હવે શૈક્ષણિક સંસ્થાઓ અને બૌદ્ધિક કેન્દ્રો સુધી પહોંચી ગઈ છે.
તાજેતરમાં તેહરાન સ્થિત પ્રતિષ્ઠિત 'ઈરાન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી' પર થયેલા બોમ્બ વિસ્ફોટો બાદ ઈરાનના શક્તિશાળી સૈન્ય સંગઠન 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (આઈ.આર.જી.સી.) એ અમેરિકા અને ઈઝરાયલને આકરી ચેતવણી આપી છે.
ઈરાની સૈન્ય સંગઠન આઈ.આર.જી.સી. દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, જો અમેરિકા તેની પોતાની અને ઈઝરાયલની યુનિવર્સિટીઓને સુરક્ષિત રાખવા માંગતું હોય, તો તેણે તેહરાનની યુનિવર્સિટી પર થયેલા હુમલાની સાર્વજનિક અને સત્તાવાર રીતે નિંદા કરવી પડશે. ઈરાને આ માટે ૩૦મી માર્ચ, તેહરાન સમય મુજબ બપોરે ૧૨ વાગ્યા સુધીની આખરી મુદત (ડેડલાઈન) આપી છે. એક્સ (ટ્વિટર) સહિતના ડિજિટલ પ્લેટફોર્મ પર આ નિવેદન વાયરલ થતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે.
ઈરાને ગંભીર આક્ષેપ કર્યો છે કે ઈઝરાયલ જાણીજોઈને ઈરાનના વૈજ્ઞાનિક અને બૌદ્ધિક માળખાને તોડવા માટે શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવી રહ્યું છે.
આઈ.આર.જી.સી.એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો નિર્ધારિત સમય મર્યાદામાં અમેરિકા તરફથી નિંદાનું નિવેદન નહીં આવે, તો પશ્ચિમ એશિયામાં કાર્યરત તમામ અમેરિકન યુનિવર્સિટીઓ અને ઈઝરાયલની તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઈરાન 'કાયદેસરના સૈન્ય લક્ષ્ય' (લેજિટિમેટ મિલિટરી ટાર્ગેટ્સ) ગણશે. આ ચેતવણી બાદ પશ્ચિમ એશિયામાં રહેતા હજારો વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફની સુરક્ષા સામે મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.
બીજી તરફ, ઈઝરાયલી સંરક્ષણ દળોએ ૨૭મી માર્ચે તેહરાન પર કરેલા હુમલાની પુષ્ટિ કરી છે, પરંતુ તેમનો દાવો છે કે તેમણે માત્ર ઈરાની શાસન સાથે સંકળાયેલા વ્યૂહાત્મક અને લશ્કરી માળખાને જ નિશાન બનાવ્યા હતા.
ઈરાને આ દાવાને ધરાર નકારી કાઢતા જણાવ્યું છે કે આ હુમલાઓ પાછળનો હેતુ ઈરાનના શૈક્ષણિક પાયાને નબળો પાડવાનો છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટમાં સર્જાયેલી આ તંગદિલીએ વૈશ્વિક સ્તરે ચિંતા જન્માવી છે.
હવે આખા વિશ્વની નજર ૩૦મી માર્ચના રોજ વ્હાઈટ હાઉસના પ્રતિસાદ પર ટકેલી છે, જે નક્કી કરશે કે આ યુદ્ધ આગામી દિવસોમાં કેવું સ્વરૂપ ધારણ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
