હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરહદ પારથી ‘આર્થિક આતંકવાદ’નું નવું ષડયંત્ર: ડ્રગ્સ અને હથિયારો બાદ હવે ISI એ પંજાબમાં ઠાલવ્યું નકલી ચલણનું કન્સાઇનમેન્ટ
ભારતીય અર્થતંત્રને પાયમાલ કરવા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની ખતરનાક ચાલ; નોટબંધીના વર્ષો બાદ ફરી એકવાર ભારતીય સરહદમાં નકલી નોટોનો મોટો જથ્થો ડ્રોન કે અન્ય માધ્યમથી ઘુસાડવામાં આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં

અમૃતસર: પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. અત્યાર સુધી સરહદ પારથી માત્ર હેરોઈન અને ઘાતક હથિયારો મોકલતું પાકિસ્તાન હવે ભારતના અર્થતંત્રને નિશાન બનાવવાના ફિરાકમાં છે. અમૃતસરના ઘરિંડા સેક્ટર પાસે સીમા સુરક્ષા દળ (BSF) એ સર્ચ ઓપરેશન દરમિયાન 2.5 લાખ રૂપિયાનું નકલી ભારતીય ચલણ જપ્ત કર્યું છે. સુરક્ષા એજન્સીઓ માટે આ બાબત ચિંતાનો વિષય એટલે છે કારણ કે વર્ષ 2018 માં થયેલી નોટબંધી પછી આ પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાને આટલી મોટી માત્રામાં નકલી નોટો ભારતીય ક્ષેત્રમાં મોકલી હોય.
ગુપ્તચર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની એજન્સી ISI હવે 'આર્થિક આતંકવાદ' ફેલાવવાની તૈયારી કરી રહી છે. પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદો પર હાઈ-ટેક પ્રિન્ટિંગ મશીનો દ્વારા નકલી ભારતીય ચલણ છાપવામાં આવી રહ્યું હોવાના અહેવાલ છે. આ નકલી નોટો એટલી હદે અસલી જેવી દેખાય છે કે સામાન્ય નાગરિક માટે તેને ઓળખવી મુશ્કેલ બની શકે છે. ISI નો મુખ્ય હેતુ આ નકલી નાણાંને ભારતીય બજારમાં ફરતા કરીને દેશની આર્થિક સ્થિરતાને નુકસાન પહોંચાડવાનો અને આતંકી ગતિવિધિઓ માટે ફંડિંગ પૂરું પાડવાનો છે.
ગુરુવારે રાત્રે હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં મળેલી આ સફળતા બાદ સુરક્ષા એજન્સીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક વિગતવાર અહેવાલ સુપરત કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન હવે ડ્રગ્સ અને હથિયારોની સાથે નકલી ચલણને જોડીને એક નવો મોરચો ખોલી રહ્યું છે. અગાઉ ISI દ્વારા પંજાબમાં IED, RDX અને RPG જેવા વિસ્ફોટકો મોકલવામાં આવ્યા હતા, પરંતુ હવે અચાનક નકલી નોટોનું મળવું એ સંકેત આપે છે કે પાકિસ્તાન ભારતના આંતરિક સુરક્ષા માળખાને અંદરથી પોલું કરવા માંગે છે.
હાલમાં અમૃતસર અને આસપાસના સરહદી વિસ્તારોમાં BSF અને સ્થાનિક પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે જગ્યાએથી આ જથ્થો મળી આવ્યો છે ત્યાં વધુ તપાસ કરવામાં આવી રહી છે કે શું અગાઉ પણ આવું કોઈ ચલણ ભારતીય બજાર સુધી પહોંચ્યું છે કે કેમ. આ ઘટના બાદ બેંકો અને નાણાકીય સંસ્થાઓને પણ સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. પાકિસ્તાનની આ હરકત સામે ભારત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પુરાવાઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
