હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પના ‘યુદ્ધ’ના નિર્ણય સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટ્યો: અમેરિકા અને યુરોપની ગલીઓમાં લાખો લોકો ઉતર્યા
ઈરાન સાથે સંભવિત યુદ્ધના ભણકારે ‘નો કિંગ્સ’ રેલીએ પકડી રફ્તાર: મિનેસોટાથી લઈ ઓસ્ટ્રેલિયા સુધી ડોનાલ્ડ ટ્રમ્પના વિદેશ નીતિના પગલાં સામે સવાલો ઉઠ્યા, લોકશાહી બચાવવા અને શાંતિ સ્થાપવા 90 લાખથી વધુ લોકો જોડાય તેવી પ્રબળ શક્યતા

મિનેસોટા: વિશ્વની મહાસત્તા અમેરિકા હાલમાં ભીષણ આંતરિક વિરોધનો સામનો કરી રહ્યું છે. ઈરાન સાથે વધતા તણાવ અને સંભવિત યુદ્ધની સ્થિતિને પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપમાં વિરોધ પ્રદર્શનો તેજ બન્યા છે. શનિવારે આયોજિત "નો કિંગ્સ" રેલીમાં લાખો લોકોએ રસ્તા પર ઉતરીને ટ્રમ્પ પ્રશાસનના યુદ્ધખોર વલણની આકરી ટીકા કરી હતી. મિનેસોટા આ આંદોલનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે, જ્યાં સેન્ટ પોલની ગલીઓમાં હજારો લોકોએ ખભેથી ખભા મિલાવીને યુદ્ધ સામે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.
પ્રદર્શનકારીઓમાં ટ્રમ્પ પ્રત્યેનો રોષ એટલી હદે જોવા મળ્યો હતો કે અનેક જગ્યાએ અમેરિકન ધ્વજને ઊંધો લહેરાવવામાં આવ્યો હતો, જે ઐતિહાસિક રીતે દેશ પર આવેલા મોટા સંકટનું પ્રતિક માનવામાં આવે છે. આયોજકોના મતે, આ આંદોલન અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી શકે છે. અગાઉ જૂન અને ઓક્ટોબરમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા, પરંતુ આ વખતે આંકડો 90 લાખને પાર કરી જશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. અમેરિકાના તમામ 50 રાજ્યોમાં 3,100થી વધુ નાના-મોટા કાર્યક્રમો નોંધાયા છે, જે દર્શાવે છે કે જનતા હવે યુદ્ધના બદલે શાંતિ ઈચ્છી રહી છે.
બીજી તરફ, વ્હાઇટ હાઉસ અને રિપબ્લિકન પાર્ટીએ આ પ્રદર્શનોને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને આ રેલીઓને ડાબેરી સંગઠનો દ્વારા પ્રેરિત ગણાવી હતી અને દાવો કર્યો હતો કે આ માત્ર પબ્લિસિટી સ્ટંટ છે. નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીએ પણ આ પ્રદર્શનોને "અમેરિકા વિરોધી" ગણાવ્યા છે. સરકારનું માનવું છે કે આ વિરોધ પ્રદર્શનો ડાબેરીઓની વિકૃત કલ્પનાઓનું પરિણામ છે, જોકે જમીની સ્તર પર લોકોની ભીડ કંઈક અલગ જ વાર્તા કહી રહી છે.
આ આંદોલન હવે માત્ર અમેરિકા પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ યુરોપ, લેટિન અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સુધી તેની અસર જોવા મળી રહી છે. જૂથના સહ-કાર્યકારી નિર્દેશક એઝરા લેવિને જણાવ્યું હતું કે એક ડઝનથી વધુ દેશોમાં આ પ્રકારની રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બંધારણીય રાજાશાહી ધરાવતા દેશોમાં, આ વિરોધ પ્રદર્શનોને "કોઈ જુલમી નહીં" (નો ટાયરન્ટ) એવું નામ આપીને સરમુખત્યારશાહી સામે લડત આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ વૈશ્વિક જનઆંદોલન ટ્રમ્પ સરકારની વિદેશ નીતિમાં ફેરફાર લાવવા માટે કેટલું દબાણ ઊભું કરે છે તે જોવું રસપ્રદ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
