હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કુકરદાના જંગલોમાં મધરાતે કુદરતનું તાંડવ: ભીષણ આગમાં વનરાજી ભડભડ સળગી, ગ્રામજનો અને વનવિભાગની રાતભરની જહેમત
છોટાઉદેપુરના નસવાડી પંથકમાં અચાનક ફાટી નીકળેલી જ્વાળાઓએ વન્યજીવોના જીવ અધ્ધર કર્યા: આધુનિક બ્લોઅર મશીન અને લાકડીઓ સાથે જંગલ બચાવવા મેદાને પડ્યા આદિવાસી યુવાનો, અસામાજિક તત્વોની કરતૂત હોવાની આશંકા વચ્ચે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ

નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા હેઠળ આવતા કુકરદા ગામના ડુંગરાળ જંગલોમાં ગત મધરાતે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જંગલના ત્રણથી ચાર અલગ-અલગ છેડે લાગેલી આ આગને કારણે અમૂલ્ય વન સંપદા અને નિર્દોષ વન્યજીવો પર મોટું જોખમ ઊભું થયું હતું. અંધારી રાતે ડુંગરા પર ઉઠેલી અગનજ્વાળાઓ જોઈને સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક આદિવાસી ગ્રામજનોની સમયસૂચકતાને કારણે એક મોટી પર્યાવરણીય હોનારત ટળી છે અને હજારો વૃક્ષો બચી ગયા છે.
ઘટનાની વિગતો મુજબ, રાત્રિના સમયે જ્યારે આખું ગામ નિદ્રાધીન હતું ત્યારે કુકરદાના ડુંગરા પર અચાનક લાલચોળ જ્વાળાઓ દેખાવા લાગી હતી. આ ગંભીર સ્થિતિ જોઈને ગામના સરપંચ અંબાલાલ ડુંગરા ભીલ અને ૨૦થી વધુ સાહસિક યુવાનો જીવના જોખમે લાકડીઓ અને પ્રાથમિક સાધનો લઈને જંગલ તરફ દોડી ગયા હતા. ડુંગરાળ અને પથરાળ વિસ્તાર હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરતી હતી. ગ્રામજનોએ તાત્કાલિક નસવાડી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓનો કાફલો ‘જનરેટર એર ગન’ જેવા આધુનિક બ્લોઅર મશીનો સાથે યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
મધરાતે ૩ વાગ્યાથી શરૂ થયેલી આગ બુઝાવવાની કામગીરી વહેલી સવાર સુધી અવિરત ચાલી હતી. વન વિભાગના કર્મચારીઓ અને ગ્રામીણ યુવાનોએ ખભેખભા મિલાવીને આગને આગળ વધતી અટકાવવા ભારે જહેમત ઉઠાવી હતી. કલાકોની મહેનત બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. આ જંગલી આગમાં અનેક પક્ષીઓના માળાઓ અને નાના સરિસૃપોના જીવ જોખમાયા હતા, પરંતુ સમયસરની કામગીરીને કારણે મોટું નુકસાન થતું અટકાવી શકાયું છે. વન વિભાગે હાલમાં સમગ્ર વિસ્તારમાં શાંતિ હોવાનું જણાવ્યું છે, પરંતુ તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે.
સ્થાનિક રહીશોમાં આ આગને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, નસવાડીના સુરક્ષિત જંગલોમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ પાછળ કેટલાક નશાખોર અને અસામાજિક તત્વોનો હાથ હોય છે, જેઓ જાણીજોઈને વન સંપત્તિને નુકસાન પહોંચાડે છે. આ ઘટનાને પગલે સ્થાનિક વન મંડળીઓને પણ અગ્નિશમનના આધુનિક સાધનો પૂરા પાડવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ વખતે ત્વરિત પગલાં ભરી શકાય. વન વિભાગ હવે આ આગ પાછળના જવાબદાર તત્વોને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
