હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન સત્તાયુદ્ધના ઉંબરે: રાષ્ટ્રપતિ અને સૈન્ય વડા વચ્ચેના વિવાદે દેશને વિનાશના આરે ધકેલ્યો
અર્થતંત્ર વેન્ટિલેટર પર હોવાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનની ગંભીર ચેતવણી છતાં IRGC ચીફ અહમદ વાહિદી યુદ્ધ લંબાવવા મક્કમ: એટીએમ ખાલી, ઓનલાઇન બેંકિંગ ઠપ્પ અને ફુગાવો 115 ટકાને પાર પહોંચતા જનતામાં ભભૂકતો રોષ

તેહરાન: પશ્ચિમ એશિયાના યુદ્ધના મેદાનમાં ઈરાન અત્યારે બેવડા મોરચે લડી રહ્યું છે. એકતરફ ઇઝરાયેલ અને અમેરિકા સામેનું બાહ્ય યુદ્ધ છે, તો બીજી તરફ દેશના શાસનતંત્રમાં રાષ્ટ્રપતિ અને સૈન્ય વચ્ચે આંતરિક જંગ છેડાયો છે. ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન અને કટ્ટરપંથી વિચારધારા ધરાવતા IRGC ચીફ અહમદ વાહિદી વચ્ચે યુદ્ધ રોકવા બાબતે ગંભીર મતભેદો સપાટી પર આવ્યા છે. મધ્યમમાર્ગી ગણાતા રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી ત્રણ અઠવાડિયામાં યુદ્ધવિરામ નહીં થાય, તો ઈરાનનું અર્થતંત્ર સંપૂર્ણપણે તૂટી પડશે. આ વિવાદ એટલો વકર્યો છે કે રાષ્ટ્રપતિએ સૈન્યને હુમલા રોકવા સૂચના આપી હોવા છતાં, સૈન્ય વડાએ આદેશોને નેવે મૂકીને આક્રમણ ચાલુ રાખ્યું છે.
'ઈરાન ઈન્ટરનેશનલ' અને ઇઝરાયેલી મીડિયાના અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિએ પડોશી દેશો પર થઈ રહેલા મિસાઈલ હુમલાઓ બદલ વીડિયો સંદેશ દ્વારા માફી માંગી છે, જે ઈરાનના ઇતિહાસમાં અત્યંત દુર્લભ ઘટના છે. પેઝેશ્કિયાને સરકારને સંપૂર્ણ વહીવટી સત્તા આપવાની માંગ કરી છે જેથી આર્થિક કટોકટી ઉકેલી શકાય, પરંતુ IRGC ચીફ અહમદ વાહિદીએ આ માંગને ફગાવી દેતા વળતો પ્રહાર કર્યો છે. વાહિદીના મતે, યુદ્ધ પહેલા જરૂરી આર્થિક સુધારા કરવામાં સરકાર નિષ્ફળ રહી છે, તેથી વર્તમાન આર્થિક પાયમાલી માટે સૈન્ય નહીં પણ સરકાર જ જવાબદાર છે. આ ખેંચતાણને કારણે ઈરાની શાસક પક્ષમાં ભંગાણના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
ઈરાનના સામાન્ય નાગરિકો અત્યારે યુદ્ધ કરતા ભૂખમરા અને આર્થિક તંગીથી વધુ પરેશાન છે. દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો ફુગાવો ૧૧૫ ટકા જેટલી આસમાનને આંબતી સપાટીએ પહોંચી ગયો છે. મોટાભાગના શહેરોમાં એટીએમ મશીનોમાં રોકડ ખૂટી પડી છે અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ વારંવાર બંધ થઈ રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે સરકારી કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યા નથી, જેના કારણે મધ્યમ વર્ગની હાલત અત્યંત કફોડી બની છે. આર્થિક અરાજકતાને કારણે લોકોમાં શાસન વિરુદ્ધનો અસંતોષ સતત વધી રહ્યો છે, જે ગમે ત્યારે જનવિદ્રોહમાં ફેરવાઈ શકે છે.
વર્તમાન પરિસ્થિતિ જોતા ઈરાન માટે આવનારા દિવસો અત્યંત નિર્ણાયક સાબિત થશે. એક તરફ સૈન્ય અમેરિકા અને ઇઝરાયેલને પાઠ ભણાવવા કટ્ટરતા પર અડી ગયું છે, જ્યારે બીજી તરફ રાષ્ટ્રપતિ દેશને આર્થિક રીતે દેવાળું ફૂંકતા બચાવવા માટે સમાધાનના માર્ગો શોધી રહ્યા છે. જો સરકાર અને સૈન્ય વચ્ચે આ તિરાડ વધુ ઊંડી થશે, તો ઈરાનમાં મોટા રાજકીય પરિવર્તનો અથવા તો લશ્કરી બળવો થવાની શક્યતા નકારી શકાતી નથી. વિશ્વભરના મુત્સદ્દીઓ અત્યારે તેહરાનની આ હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે, કારણ કે ઈરાનનું પતન સમગ્ર મધ્ય પૂર્વના સમીકરણો બદલી નાખશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
