હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેવર એરપોર્ટના મંચ પરથી પીએમ મોદીનો વિપક્ષ પર પ્રચંડ પ્રહાર: ‘વૈશ્વિક યુદ્ધના સંકટમાં દેશને ડરાવવાનું બંધ કરો’
મધ્ય પૂર્વના જંગ વચ્ચે ભારતની મજબૂતીનો હુંકાર અને અંધશ્રદ્ધાની રાજનીતિનો અંત: કોંગ્રેસ અને સપાએ દાયકાઓ સુધી જે પ્રોજેક્ટને ફાઈલોમાં દબાવી રાખ્યો તેને ભાજપે નિર્ધારિત સમયમાં સાકાર કરી બતાવ્યો, એવિએશન સેક્ટરમાં ભારતની હરણફાળથી હવે સામાન્ય માનવી પણ વિમાનમાં ઉડશે

જેવર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એશિયાના સૌથી મોટા એરપોર્ટ્સમાં સ્થાન પામનાર જેવર એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરીને દેશના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. આ ઐતિહાસિક અવસરે આયોજિત વિશાળ જનસભાને સંબોધતા પીએમ મોદી અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા અને તેમણે વિપક્ષી પાર્ટીઓની નકારાત્મક રાજનીતિ પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જ્યારે વિશ્વ ખાદ્ય સામગ્રી અને ઈંધણના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતમાં કેટલાક લોકો રાજકીય સ્વાર્થ ખાતર ભય ફેલાવવાનું કામ કરી રહ્યા છે. તેમણે વિપક્ષને દેશના હિતમાં વિચારવા અને નુકસાનકારક નિવેદનબાજીથી દૂર રહેવાની કડક ચેતવણી આપી હતી.
નોઈડા અને જેવરના વિકાસના ઈતિહાસને વાગોળતા પીએમ મોદીએ અગાઉની સરકારોની અંધશ્રદ્ધા પર કટાક્ષ કરતા કહ્યું કે અગાઉના મુખ્યમંત્રીઓ પોતાની ખુરશી જતી રહેવાના ડરથી નોઈડા આવતા ડરતા હતા. આ માનસિકતાને કારણે નોઈડાનો વિકાસ દાયકાઓ સુધી રુંધાયેલો રહ્યો હતો. તેમણે ખુલાસો કર્યો કે જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે તેમને પણ નોઈડા ન જવા માટે ડરાવવામાં આવ્યો હતો, પરંતુ તેમણે અંધશ્રદ્ધાને બદલે વિકાસને પ્રાધાન્ય આપ્યું. આજે ભાજપ અને એનડીએ સરકારની ડબલ એન્જિન કાર્યસંસ્કૃતિને પ્રતાપે જ નોઈડા અને જેવર ઉત્તર પ્રદેશના જ નહીં પણ સમગ્ર ભારતના વિકાસનું શક્તિશાળી એન્જિન બનીને ઉભરી રહ્યું છે.
કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા પીએમ મોદીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે જેવર એરપોર્ટનો પ્રસ્તાવ અટલ બિહારી વાજપેયીની સરકારમાં વર્ષ 2003માં જ મંજૂર થઈ ગયો હતો. જોકે, ત્યારબાદ 2004 થી 2014 સુધી કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ સરકારે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને ફાઈલોના ઢગલા નીચે દબાવી રાખ્યો હતો. એટલું જ નહીં, કેન્દ્રમાં ભાજપ સરકાર બન્યા બાદ પણ ઉત્તર પ્રદેશની તત્કાલીન સપા સરકારે આ પ્રોજેક્ટમાં રોડા નાખવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવી ત્યારે જ આ એરપોર્ટનો પાયો નખાયો અને આજે તે સમયમર્યાદામાં તૈયાર થઈને કાર્યરત પણ થઈ ગયું છે, જે ભાજપની મક્કમ ઈચ્છાશક્તિનો પુરાવો છે.
ભારતના એવિએશન સેક્ટરની સિદ્ધિઓ ગણાવતા પીએમ મોદીએ જણાવ્યું કે વર્ષ 2014 પહેલા દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા, જેની સંખ્યા આજે વધીને 160 થી વધુ થઈ ગઈ છે. અગાઉની સરકારો માનતી હતી કે હવાઈ મુસાફરી માત્ર અમીરો માટે જ છે, પરંતુ 'ઉડાન' જેવી યોજનાઓ દ્વારા આજે સામાન્ય ભારતીયનું પ્લેનમાં બેસવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. તેમણે જાહેરાત કરી કે દેશમાં હજુ 100 નવા એરપોર્ટ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેવર એરપોર્ટ તેના વિશાળ કાર્ગો ટર્મિનલ દ્વારા ઉત્તર ભારતના ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો માટે નિકાસના નવા દ્વારા ખોલશે, જે પ્રાદેશિક અર્થતંત્રને એક નવી ઊંચાઈ પર લઈ જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
