<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ ન વધ્યા? પીએમ મોદીએ જેવરના મંચ પરથી ખોલ્યું ભારતની ‘ઉર્જા સુરક્ષા’નું મોટું રહસ્ય

વૈશ્વિક યુદ્ધ અને ક્રૂડ ઓઈલના સંકટ વચ્ચે પીએમ મોદીનો માસ્ટર સ્ટ્રોક: ઇથેનોલ બ્લેન્ડિંગ અને રેલવે વીજળીકરણ દ્વારા અબજો લિટર ઇંધણની બચત કરી સામાન્ય જનતાને ભાવવધારાના ડામમાંથી ઉગારી, 1.5 લાખ કરોડનું વિદેશી હૂંડિયામણ બચાવી દેશે આત્મનિર્ભરતા તરફ ભરી મક્કમ હરણફાળ

જેવર: વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના પુરવઠામાં સર્જાયેલા મોટા વિક્ષેપ અને આસમાને પહોંચતા ભાવો વચ્ચે ભારતીય ગ્રાહકો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. નોઈડા ખાતે જેવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક શક્તિશાળી સંબોધનમાં ભારતની ઉર્જા રણનીતિનું રહસ્ય ખોલ્યું હતું. પીએમ મોદીએ ગર્વ સાથે જણાવ્યું કે કેવી રીતે સરકારે અગમચેતી વાપરીને ઈંધણના ભાવોને કાબૂમાં રાખ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે 'હોર્મુઝ સામુદ્રધુની' જેવો મહત્વનો દરિયાઈ માર્ગ પ્રભાવિત થયો હોવા છતાં, ભારતની 'ઇથેનોલ મિશ્રણ' (Ethanol Blending) ની સફળ નીતિએ દેશને આર્થિક આંચકાથી બચાવી લીધો છે.

વડાપ્રધાને આંકડાકીય વિગતો આપતા સમજાવ્યું કે જો દેશે ઇથેનોલ મિશ્રણની નીતિ અપનાવી ન હોત, તો ભારતે દર વર્ષે વધારાના 45 મિલિયન બેરલ એટલે કે લગભગ 7 અબજ લિટર ક્રૂડ ઓઈલની આયાત કરવી પડી હોત. છેલ્લા એક દાયકામાં ભારતે ઇથેનોલ મિશ્રણનો દર 1% થી વધારીને 20% (E20) સુધી પહોંચાડી દીધો છે. સૌથી ગર્વની વાત એ છે કે ભારતે 2025 ની નિર્ધારિત સમય મર્યાદા પહેલા જ આ 20% મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે. આ માસ્ટર ફોર્મ્યુલાને કારણે દેશના અંદાજે ₹1.5 લાખ કરોડ જેટલું કિંમતી વિદેશી હૂંડિયામણ બચ્યું છે, જે હવે સીધું જ દેશના વિકાસ કાર્યોમાં વપરાઈ રહ્યું છે.

માત્ર પેટ્રોલ જ નહીં, પરંતુ ડીઝલના વપરાશમાં પણ સરકારે ધરખમ કાપ મૂકવામાં સફળતા મેળવી છે. પીએમ મોદીએ ખુલાસો કર્યો કે ભારતીય રેલવેના 100% વીજળીકરણને કારણે વાર્ષિક 1.8 અબજ લિટર ડીઝલની સીધી બચત થઈ રહી છે. આ ઉપરાંત, દેશના વિવિધ મહાનગરોમાં મેટ્રો નેટવર્કના અભૂતપૂર્વ વિસ્તરણને કારણે ખાનગી વાહનોનો વપરાશ ઘટ્યો છે, જેની સીધી અસર ઇંધણના બચાવ પર પડી છે. પરિવહન ક્ષેત્રે થયેલા આ આધુનિકીકરણે ભારતને વૈશ્વિક તેલ બજારના ઉતાર-ચઢાવ સામે એક મજબૂત કવચ પૂરું પાડ્યું છે.

પીએમ મોદીએ દેશવાસીઓને ખાતરી આપી હતી કે ભારત અત્યારે વાર્ષિક 20 અબજ લિટર ઇથેનોલનું ઉત્પાદન કરી રહ્યું છે, જેમાંથી 10 અબજ લિટર સીધું જ પેટ્રોલમાં ભેળવવામાં આવે છે. તેમણે મક્કમપણે જણાવ્યું કે ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની આયાત પ્રભાવિત થઈ હોય, પરંતુ ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલની સરળ ઉપલબ્ધતાને કારણે હાલમાં ભાવમાં વધારો કરવાની કોઈ જરૂરિયાત જણાતી નથી. સરકારની આ સક્રિયતા અને દૂરંદેશી નીતિઓને કારણે જ વિશ્વભરમાં મોંઘવારીનો માર હોવા છતાં ભારતમાં ઇંધણના ભાવ સ્થિર રહ્યા છે, જે મધ્યમ વર્ગ માટે મોટી જીત સમાન છે.

(11:46 AM IST)