હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટેક્સટાઈલ કિંગ અને સાહસિક પાઈલટ વિજયપત સિંઘાનિયાનું નિધન: રેમન્ડ સામ્રાજ્યના સર્જકે 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
મુંબઈના ચંદનવાડી ખાતે આજે રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર: ઉદ્યોગ જગતની સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં વિશ્વ રેકોર્ડ સ્થાપનાર પદ્મ ભૂષણ સિંઘાનિયાના નિધનથી શોકનું મોજું, ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર પિતાના અવસાનની ભાવુક પોસ્ટ શેર કરી શ્રદ્ધાંજલિ આપી

મુંબઈ: ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગના પર્યાય ગણાતા અને રેમન્ડ ગ્રુપને વૈશ્વિક ઓળખ અપાવનાર પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું શનિવારે સાંજે આર્થિક રાજધાની મુંબઈમાં દુઃખદ અવસાન થયું છે. 87 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લેતા ભારતીય ઉદ્યોગ જગતે એક દીર્ઘદ્રષ્ટા નેતા ગુમાવ્યો છે. તેમના પુત્ર અને રેમન્ડ ગ્રુપના વર્તમાન ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ સમાચાર શેર કર્યા હતા. રવિવારે બપોરે મુંબઈના રૂપારેલ માર્ગ સ્થિત એલ.ડી. હવેલી ખાતે અંતિમ સંસ્કાર સભા યોજાયા બાદ બપોરે 3.00 વાગ્યે ચંદનવાડી સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
વિજયપત સિંઘાનિયા માત્ર એક કુશળ ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ અદભૂત સાહસિક પાઈલટ પણ હતા. વર્ષ 1980 થી 2000 સુધીના બે દાયકાના તેમના નેતૃત્વમાં રેમન્ડ કંપની ભારતની સૌથી વિશ્વસનીય અને અગ્રણી ફેબ્રિક બ્રાન્ડ તરીકે ઉભરી આવી હતી. વ્યાપારિક સૂઝબૂઝ ઉપરાંત, તેઓ ઉડ્ડયન ક્ષેત્રે તેમના અવિશ્વસનીય વિશ્વ રેકોર્ડ માટે જાણીતા છે. વર્ષ 2005માં તેમણે ગરમ હવાના ફુગ્ગા (Hot Air Balloon) માં 21,000 મીટરથી વધુની ઊંચાઈએ પહોંચીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જેણે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું હતું.
ભારત સરકારે ઉદ્યોગ અને સાહસિક રમતોમાં તેમના અતુલ્ય યોગદાન બદલ તેમને 'પદ્મ ભૂષણ' થી સન્માનિત કર્યા હતા. ઉડ્ડયન પ્રત્યેના તેમના અતૂટ પ્રેમને કારણે ભારતીય વાયુસેનાએ તેમને 1994માં 'એર કોમોડોર'ના માનદ પદથી નવાજ્યા હતા. તેમણે માત્ર વ્યવસાયમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય એર રેસમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરીને અનેક મેડલ્સ જીત્યા હતા. વિજયપત સિંઘાનિયા એવા પાઈલટ હતા જેમણે લંડનથી ભારત સુધીનું એકલવાયું ઉડાન ભરીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
વ્યક્તિગત જીવનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પુત્ર ગૌતમ સિંઘાનિયા સાથેના કાનૂની વિવાદોને કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા, જોકે બાદમાં પિતા-પુત્ર વચ્ચે સમાધાન થયું હોવાના અહેવાલો પણ સાંપડ્યા હતા. તેમણે પોતાનો સંપૂર્ણ 37 ટકા હિસ્સો પુત્રને ટ્રાન્સફર કરીને નિવૃત્તિ સ્વીકારી હતી. આજે તેમના નિધન પર દેશભરના ઉદ્યોગપતિઓ, નેતાઓ અને સામાન્ય લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. રેમન્ડ સામ્રાજ્યને શૂન્યમાંથી સર્જન કરનાર આ મહાનાયકની વિદાયથી ઉદ્યોગ જગતમાં એક ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
