<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા: અમેરિકાએ 3,500થી વધુ સૈનિકો સાથે દરિયાઈ સીમામાં ઉતાર્યું ‘USS ત્રિપોલી’ યુદ્ધ જહાજ

ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં 10 અમેરિકી સૈનિકો ઘાયલ થતા ટ્રમ્પ પ્રશાસન લાલઘૂમ: સ્ટીલ્થ ફાઈટર જેટ્સ અને 11,000થી વધુ ટાર્ગેટ પર હુમલા સાથે ઓપરેશન ‘એપિક ફ્યુરી’ તેજ, હોર્મુઝ સામુદ્રધુની બંધ થતા વૈશ્વિક સપ્લાય ચેઈન અને તેલના બજારમાં મચી શકે છે મોટી તબાહી

તેહરાન: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે વિનાશક વળાંક પર પહોંચ્યો છે. ઈરાન સાથે વધતા જતા તણાવને પગલે અમેરિકાએ આ પ્રદેશમાં પોતાની લશ્કરી શક્તિમાં ધરખમ વધારો કરતા 3,500થી વધુ વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ પુષ્ટિ કરી છે કે લગભગ 2,500 મરીન કમાન્ડો સાથેનું અત્યાધુનિક યુદ્ધ જહાજ 'USS ત્રિપોલી' તેના નિર્ધારિત ઓપરેશનલ ઝોનમાં પહોંચી ગયું છે. આ યુદ્ધ જહાજ F-35 સ્ટીલ્થ ફાઈટર જેટ્સ અને ઓસ્પ્રે જેવા ઘાતક વિમાનોના સંચાલન માટે જાણીતું છે, જે ઈરાની છાવણીઓમાં ગભરાટ ફેલાવવા માટે પૂરતું છે.

અમેરિકા દ્વારા ૨૮ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવેલા 'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ અત્યાર સુધીમાં ઈરાની મથકો અને તેના સમર્થિત જૂથોના ૧૧,૦૦૦થી વધુ લક્ષ્યો પર વિનાશક હુમલા કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ઈરાને સાઉદી અરેબિયામાં આવેલા પ્રિન્સ સુલતાન એર બેઝને નિશાન બનાવી બેલિસ્ટિક મિસાઈલો અને આત્મઘાતી ડ્રોન છોડ્યા હતા. આ ભીષણ હુમલામાં અમેરિકાના ઓછામાં ઓછા ૧૦ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હુમલા બાદ અમેરિકી સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ બદલાતી પરિસ્થિતિનો જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ છે.

આ યુદ્ધમાં યમનના હુતી બળવાખોરોએ પણ ઝંપલાવતા સંઘર્ષની જટિલતા વધી છે. હુતી જૂથે ઇઝરાયેલ તરફ સતત મિસાઇલો છોડવાનો દાવો કર્યો છે, જેના કારણે બાબ-અલ-મંડેબ અને સુએઝ કેનાલ જેવા વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. હોર્મુઝ સામુદ્રધુની વર્ચ્યુઅલી બંધ થઈ જવાથી ભારત સહિતના તેલ આયાત કરતા દેશો માટે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. આ યુદ્ધની સીધી અસર હવે માત્ર રણમેદાન પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે વૈશ્વિક વેપાર અને હવાઈ માર્ગો પર પણ માઠી અસર પહોંચાડી રહી છે, જેના કારણે વિશ્વના અનેક દેશો હવે વૈકલ્પિક રૂટ શોધવા મજબૂર બન્યા છે.

રાજદ્વારી મોરચે પણ હાલમાં મડાગાંઠ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકી રાજદૂત સ્ટીવ વિટકોફ દ્વારા રજૂ કરવામાં આવેલા યુદ્ધવિરામના પ્રસ્તાવને ઈરાને સાફ નકારી કાઢ્યો છે. અમેરિકાની શરત હતી કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને તાત્કાલિક રોકે અને સમુદ્રી માર્ગો ખુલ્લા કરે, પરંતુ તેના બદલામાં ઈરાને આર્થિક વળતર અને તેની સાર્વભૌમત્વને માન્યતા આપવાની અડી મૂકી છે. બંને પક્ષો પોતાની જીદ પર અડગ હોવાથી શાંતિની આશા ધૂંધળી બની રહી છે. જો આ તણાવ આગામી દિવસોમાં ઓછો નહીં થાય, તો પશ્ચિમ એશિયામાં એક મોટું સશસ્ત્ર યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે જેની અસર સમગ્ર વિશ્વ પર પડશે.

(12:09 PM IST)