<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

હાફૂસનો સ્વાદ સાત સમંદર પાર: અમેરિકા-ઈરાન યુદ્ધના તણાવ વચ્ચે નવી મુંબઈથી 1200 કિલો કેરીનું પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ

મોંઘી મુસાફરી અને કુદરતી આફત છતાં વિદેશીઓમાં હાફૂસનો ભારે ક્રેઝ, અમેરિકન નિકાસકારોએ ભારતની મંડીઓમાં જમાવ્યા ધામા: દેવગઢ હાફૂસના ભાવ 90,000 પ્રતિ ક્વિન્ટલને પાર પહોંચ્યા, રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વના સંકટ વચ્ચે નિકાસ ભાડામાં 50 ટકાનો તોતિંગ વધારો છતાં માંગમાં જબરદસ્ત ઉછાળો

નવી મુંબઈ: વૈશ્વિક રાજનીતિમાં ચાલી રહેલા અમેરિકા-ઈરાન યુદ્ધના તણાવ અને આર્થિક અનિશ્ચિતતાની વચ્ચે પણ ભારતીય હાફૂસ કેરીએ વિશ્વ બજારમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. નવી મુંબઈની એપીએમસી (APMC) માર્કેટમાંથી આ સીઝનનું પ્રથમ 1,200 કિલો હાફૂસ કેરીનું શિપમેન્ટ સફળતાપૂર્વક અમેરિકા માટે એરલિફ્ટ કરવામાં આવ્યું છે. આ વર્ષે લણણીમાં વિલંબ અને પ્રતિકૂળ હવામાનને કારણે પાકને 80 ટકા જેટલું મોટું નુકસાન થયું હોવા છતાં, વિદેશી બજારોમાં હાફૂસની માંગમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. અમેરિકન નિકાસકારો છેલ્લા 20 દિવસથી નવી મુંબઈમાં કેમ્પિંગ કરીને શ્રેષ્ઠ ગુણવત્તાની કેરી મેળવવા માટે તત્પર દેખાઈ રહ્યા છે.

ચાલુ વર્ષે હાફૂસ કેરીના ભાવમાં ગત વર્ષ કરતા બમણો વધારો જોવા મળી રહ્યો છે, જે સામાન્ય ગ્રાહકો માટે ચિંતાનો વિષય છે. ગત શુક્રવારે માર્કેટમાં આવેલી કુલ 2,956 ક્વિન્ટલ કેરીમાં દેવગઢ હાફૂસનો મહત્તમ ભાવ રૂ. 90,000 પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચ્યો હતો, જ્યારે રત્નાગીરી હાફૂસનો સરેરાશ ભાવ રૂ. 65,000 રહ્યો હતો. પાકની અછત અને વધતા ભાવો છતાં અમેરિકા ઉપરાંત સિંગાપોર અને લંડન જેવા દેશોમાંથી પણ ઓર્ડરનો ધોધ વછૂટ્યો છે. ખાસ કરીને અમેરિકા મોકલવામાં આવતી કેરીઓ માટે અત્યંત કડક 'રેડિયેશન ટ્રીટમેન્ટ' કરવામાં આવે છે, જ્યારે અન્ય દેશો માટે 'હોટ વોટર ટ્રીટમેન્ટ' જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી નિકાસની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.

નિકાસકારો માટે અત્યારે સૌથી મોટો પડકાર વધતું જતું નૂર ભાડું (Freight charges) છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે ઈંધણના ભાવમાં ભલે 10 ટકાનો વધારો થયો હોય, પરંતુ શિપિંગ કંપનીઓએ કેરીના નિકાસ ભાડામાં સીધો 50 ટકાનો વધારો ઝીંકી દીધો છે. ગત વર્ષે જે ભાડું રૂ. 350 પ્રતિ કિલોગ્રામ હતું, તે આ વર્ષે વધીને રૂ. 650 પર પહોંચી ગયું છે. આટલા ઊંચા ખર્ચ હોવા છતાં, વિશ્વના 60થી વધુ દેશોમાં હાફૂસની લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે નિકાસ પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. એશિયાથી લઈને આફ્રિકા સુધીના દેશો ભારતીય કેરીના સ્વાદના દીવાના બન્યા છે.

આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો ભારત માટે કેરીની નિકાસ વિદેશી હૂંડિયામણ કમાવવાનું મોટું સાધન સાબિત થઈ રહી છે. વર્ષ 2025-26ના અત્યાર સુધીના સમયગાળામાં ભારત 30,948 મેટ્રિક ટન કેરીની નિકાસ કરીને અંદાજે 52.10 મિલિયન ડોલરની કમાણી કરી ચૂક્યું છે. જેમાં સૌથી મોટો હિસ્સો આરબ દેશો અને યુનાઈટેડ કિંગડમનો રહ્યો છે. અમેરિકામાં પણ ગયા વર્ષે 2,182 મેટ્રિક ટનથી વધુ કેરી મોકલવામાં આવી હતી. આ વર્ષે ભલે શરૂઆત ધીમી રહી હોય, પણ કેરીનું આગમન વધતા હવે નિકાસના બીજા શિપમેન્ટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે ભારતીય ખેડૂતો અને વેપારીઓ માટે આશાનું કિરણ છે.

(12:48 PM IST)