હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આકાશમાં ઇન્ડિગોનો દબદબો: નવી મુંબઈ એરપોર્ટથી ૩૦ નવા રૂટની ગર્જના, ભાવનગર સહિત ગુજરાતના શહેરોમાં ફ્લાઇટ્સનો ધમધમાટ
મુંબઈથી સાપ્તાહિક ૪૦૦થી વધુ ઉડાન સાથે કનેક્ટિવિટીનો નવો અધ્યાય શરૂ, ગુજરાતના ૬ મુખ્ય શહેરો હવે સીધા જોડાઈ જશે, ૨૯ માર્ચથી ભાવનગર માટે દિવસમાં બે વાર ફ્લાઇટની સુવિધા અને જામનગર માટે પણ એપ્રિલથી પાંખો વિંઝશે એરલાઇન

મુંબઇ : ભારતની અગ્રણી એરલાઇન ઇન્ડિગોએ દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટી છલાંગ લગાવતા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ૩૦થી વધુ નવા રૂટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ૨૯ માર્ચથી ૨૩ એપ્રિલ દરમિયાન તબક્કાવાર રીતે શરૂ થનારા આ વિસ્તરણમાં એરલાઇને ગુજરાત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેના ભાગરૂપે, આજથી જ ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરી દેવામાં આવી છે. ઇન્ડિગોના આ સાહસિક પગલાથી હવે નવી મુંબઈ માત્ર એક વૈકલ્પિક એરપોર્ટ જ નહીં, પરંતુ દેશના મેટ્રો અને ટાયર-૨ શહેરોને જોડતું એક શક્તિશાળી હબ બની જશે, જેનાથી મુસાફરોને વધુ વિકલ્પો અને આધુનિક સુવિધાઓ મળશે.
એરલાઇન દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર, નવી મુંબઈ હવે દેશના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણના છેવાડાના શહેરો સાથે સીધું સંપર્ક સાધશે. આ નેટવર્કમાં અયોધ્યા, રાજકોટ, વારાણસી, શ્રીનગર, આગ્રા અને કોલકાતા જેવા મહત્વના શહેરોનો સમાવેશ થાય છે. આ વિસ્તરણ બાદ ઇન્ડિગો નવી મુંબઈ એરપોર્ટ પરથી દર અઠવાડિયે ૪૦૦થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. ખાસ કરીને ગુજરાતના વેપારી અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ કુલ છ સ્થળોએ સાપ્તાહિક ૧,૪૦૦થી વધુ ઉડાન ભરવાનું આયોજન છે, જે રાજ્યના આર્થિક વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
ભાવનગરના મુસાફરો માટે સારા સમાચાર આપતા એરલાઇને જણાવ્યું છે કે, ૨૯ માર્ચથી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દિવસમાં બે વાર સીધી ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. આ રૂટ પર નાના શહેરોની જરૂરિયાતને પહોંચી વળવા માટે ખાસ ATR એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, આગામી ૨૩ એપ્રિલથી જામનગર માટે પણ સીધી હવાઈ મુસાફરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઇન્ડિગોના વિશાળ કાફલામાં હાલ ૪૦૦થી વધુ વિમાનો સામેલ છે, જે દૈનિક ૨,૨૦૦થી વધુ ઉડાન ભરી રહ્યા છે. વર્ષ ૨૦૨૫માં ૧૨૪ મિલિયન મુસાફરોનું પરિવહન કરીને એરલાઇને પોતાની મજબૂત પકડ સાબિત કરી દીધી છે.
જોકે, એક તરફ એરલાઇન આકાશમાં પોતાનું નેટવર્ક વિસ્તારી રહી છે, બીજી તરફ શેરબજારમાં તેની હોલ્ડિંગ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડના રોકાણકારોમાં ચિંતા જોવા મળી છે. નવા ફ્લાઇટ રૂટની સત્તાવાર જાહેરાત પહેલા શુક્રવારે કંપનીના શેરમાં ૪.૪૮%નો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા એક મહિનાના ડેટા પર નજર કરીએ તો સ્ટોકમાં ૯.૨૫%નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. બજારના વિશ્લેષકો આ સ્થિતિને વૈશ્વિક ઈંધણના ભાવ અને વધતા સ્પર્ધાત્મક દબાણ સાથે જોડી રહ્યા છે. તેમ છતાં, કંપનીનું આક્રમક વિસ્તરણ આગામી સમયમાં મુસાફરો માટે ફાયદાકારક અને કંપની માટે આર્થિક રીતે સધ્ધર બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
