હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધુરંધર-2 ની ૧૦૦૦ કરોડની કમાણી સામે લ્યારીમાં બગાવતના સૂર: 'અડધી કમાણી અમને આપો તો જ રસ્તા બનશે'
રણવીર સિંહની ફિલ્મની અધધ કમાણી વચ્ચે પાકિસ્તાનના કુખ્યાત લ્યારી વિસ્તારના રહેવાસીઓએ કરી ₹૫૦૦ કરોડની માંગ, આદિત્ય ધરની ફિલ્મ વાસ્તવિક જીવન પર આધારિત હોવાનો દાવો કરી સોશિયલ મીડિયા પર 'ભાઈ પૈસા આપો' ના વીડિયો વાયરલ

લ્યારી:બોલીવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અભિનીત અને આદિત્ય ધર નિર્દેશિત ફિલ્મ "ધુરંધર: ધ રિવેન્જ" હાલ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી રહી છે. માત્ર ૧૦ દિવસમાં ભારતમાં ₹૭૧૫ કરોડ અને વિશ્વભરમાં ₹૧,૧૨૮.૯૯ કરોડનું કલેક્શન મેળવનારી આ ફિલ્મ હવે એક નવા વિવાદમાં સપડાઈ છે. પાકિસ્તાનના કરાચી સ્થિત કુખ્યાત આતંકવાદી ગઢ ગણાતા લ્યારી વિસ્તારના લોકોએ ફિલ્મની સફળતામાં હિસ્સો માંગ્યો છે. આ વિસ્તારના લોકોનો દાવો છે કે ફિલ્મની વાર્તા તેમના વાસ્તવિક જીવન, સંઘર્ષ અને ત્યાંની ઘટનાઓ પર આધારિત છે, તેથી ફિલ્મની કમાણીનો અડધો હિસ્સો તેમને મળવો જોઈએ.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહેલા ચોંકાવનારા વીડિયોમાં લ્યારીના સ્થાનિક રહેવાસીઓ ફિલ્મના નિર્માતાઓ સામે પોતાની વ્યથા ઠાલવતા જોવા મળી રહ્યા છે. એક વીડિયોમાં એક વ્યક્તિ પત્રકાર સાથે વાત કરતા કહી રહ્યો છે કે, "જો તમે અમારી વાર્તા પરથી ૧૦૦૦ કરોડ કમાઈ રહ્યા છો, તો તેમાંથી ૫૦૦ કરોડ લ્યારીના ગરીબ લોકોને આપી દો અને બાકીના ૫૦૦ કરોડ તમારી પાસે રાખો." સ્થાનિકોનું કહેવું છે કે જો ફિલ્મની અડધી કમાણી તેમને મળે તો વર્ષોથી ખખડધજ હાલતમાં રહેલા તેમના રસ્તાઓ અને પાયાની સુવિધાઓનું કામ થઈ શકે તેમ છે.
લ્યારીના અન્ય એક રહેવાસીએ ભાવુક અપીલ કરતા જણાવ્યું હતું કે, ભારતના લોકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જો સહાય કરે તો જ અમારું ભાગ્ય બદલાઈ શકે તેમ છે. તેમણે સીધો જ નિર્દેશક આદિત્ય ધરને સંદેશ આપતા કહ્યું હતું કે, "ભાઈ, અમને કંઈક આપો." લ્યારી વિસ્તાર જે એક સમયે ગુંડાતત્વો અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે જાણીતો હતો, ત્યાંના લોકો હવે આ ફિલ્મને પોતાની ઓળખ સાથે જોડી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના અવાજને ન્યાય મળે તેવી આશા રાખી રહ્યા છે. આ અનોખી માંગે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડી દીધી છે.
ફિલ્મ "ધુરંધર" ફ્રેન્ચાઇઝીની સફળતા પાછળનું મુખ્ય કારણ તેની વાસ્તવિક સ્ક્રિપ્ટ અને દિલધડક એક્શન સીન્સ માનવામાં આવે છે. જોકે, નિર્માતાઓ તરફથી હજુ સુધી લ્યારીના રહેવાસીઓની આ માંગ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો અને ફિલ્મના વિષયવસ્તુને જોતા આ મામલો વધુ ગંભીર બની રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી આ ફિલ્મ તેના 'રિયલ લાઈફ' પાત્રોની આ આર્થિક માંગણી પ્રત્યે કેવો અભિગમ અપનાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
