<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

કુર્દીસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર ભયાનક ડ્રોન હુમલો: ઈરાન અને અમેરિકા સામસામે, યુદ્ધના નવા મોરચાની આશંકા

નેચિરવાન બર્ઝાનીના નિવાસસ્થાનને નિશાન બનાવી કરાયેલા હુમલા બાદ પશ્ચિમ એશિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, ઈરાને હુમલાને અમેરિકા-ઈઝરાયેલનું કાવતરું ગણાવ્યું તો વોશિંગ્ટને ઈરાન સમર્થિત સંગઠનો પર ફોડ્યું ઠીકરું, તેલના વૈશ્વિક પરિવહન પર સંકટના વાદળો

દોહોક: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની જ્વાળાઓ હવે કુર્દીસ્તાન સુધી પહોંચી ગઈ છે. ઇરાકના અર્ધ-સ્વાયત્ત ઉત્તરીય કુર્દિશ પ્રદેશના રાષ્ટ્રપતિ નેચિરવાન બર્ઝાનીના દોહોક સ્થિત નિવાસસ્થાન પર મોડી રાત્રે એક શક્તિશાળી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રાષ્ટ્રપતિ ભવનની મિલકતને વ્યાપક નુકસાન થયું છે, જોકે સદનસીબે હુમલા સમયે નિવાસસ્થાન ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી ગરમાવો વધારી દીધો છે.

આ હુમલા બાદ ઈરાક અને અમેરિકા વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. અમેરિકાએ દાવો કર્યો છે કે આ હુમલો ઈરાન દ્વારા સમર્થિત લશ્કરી જૂથોએ કર્યો છે, જે પ્રદેશમાં અસ્થિરતા ફેલાવવા માંગે છે. બીજી તરફ, ઈરાને આ આરોપોને સદંતર ફગાવી દેતા વળતો પ્રહાર કર્યો છે. ઈરાની રાજ્ય મીડિયા 'પ્રેસ ટીવી' અનુસાર, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ હુમલાને અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા રચવામાં આવેલું એક જઘન્ય કાવતરું ગણાવ્યું છે. ઈરાનનો આરોપ છે કે આ એક પૂર્વયોજિત હત્યાનો પ્રયાસ હતો જેનો હેતુ ઈરાનને બદનામ કરવાનો અને કુર્દીસ્તાનમાં તણાવ ઊભો કરવાનો છે.

હુમલાની ગંભીરતાને જોતા ઈરાકી વડા પ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ રાષ્ટ્રપતિ બર્ઝાની સાથે ટેલિફોનિક વાતચીત કરી આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે આને દેશની સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવતા જાહેર કર્યું છે કે સંઘીય અને કુર્દિશ સરકારોની એક સંયુક્ત ઉચ્ચ સ્તરીય સુરક્ષા ટીમ આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરશે. કુર્દિશ નાયબ વડા પ્રધાન કુબાદ તલાબાનીએ પણ ચેતવણી આપી છે કે રાજ્યના નિયંત્રણ બહારના સશસ્ત્ર જૂથો હવે દેશની સુરક્ષા અને સ્થિરતા માટે સૌથી મોટો ખતરો બની રહ્યા છે, જેમને ડામી દેવા અનિવાર્ય છે.

ઉલ્લેખનીય છે કે આ હુમલાના થોડા સમય પહેલા જ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કુર્દીસ્તાનના વડા પ્રધાન મસરૂર બર્ઝાની સાથે મહત્વની ચર્ચા કરી હતી. આ વાતચીતમાં અમેરિકાએ વૈશ્વિક બજારોમાં તેલના સુરક્ષિત પરિવહન માટે કુર્દીસ્તાનના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નિષ્ણાતો માની રહ્યા છે કે કુર્દીસ્તાન દ્વારા તેલ પુરવઠામાં આપવામાં આવતો સહયોગ ઈરાન અને તેના સહયોગી જૂથોને ખટકી રહ્યો છે, જેના કારણે આ પ્રકારના હુમલાઓ દ્વારા દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પશ્ચિમ એશિયાની આ બદલાતી પરિસ્થિતિ હવે વૈશ્વિક ઉર્જા બજાર અને સુરક્ષા વ્યવસ્થા માટે ચિંતાનો વિષય બની છે.

(1:14 PM IST)