<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

જયપુરમાં ગેસ કટોકટીનો હાહાકાર: એક જ શહેર અને બે અલગ ભાવ, LPG પંપ પર લિટરદીઠ રૂ.૨૯ની ખુલ્લેઆમ લૂંટ

રાજધાનીમાં ઓટો LPGની ભયંકર અછત વચ્ચે ખાનગી કંપનીઓએ 'આપત્તિમાં તક' શોધી ભાવ રૂ.૧૦૦ને પાર પહોંચાડ્યા, સરકારી પંપો પર સ્ટોક ખતમ થતા હજારો ઓટો ચાલકોની આજીવિકા સંકટમાં અને પંપો પર કિમી લાંબી કતારો


જયપુર:  રાજસ્થાનની રાજધાની જયપુરમાં હાલમાં ઓટો LPG ગેસની સર્જાયેલી તીવ્ર અછતે વાહનચાલકો અને ખાસ કરીને મધ્યમ વર્ગના રિક્ષા ચાલકોની કમર તોડી નાખી છે. શહેરમાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે સરકારી અને ખાનગી ગેસ પંપો વચ્ચેના ભાવમાં લિટરદીઠ રૂ.૨૯ જેવો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જ્યાં ઇન્ડિયન ઓઇલના સત્તાવાર પંપ પર ગેસનો ભાવ રૂ.૭૦.૯૬ પ્રતિ લિટર છે, ત્યાં ખાનગી કંપનીઓ મનસ્વી રીતે રૂ.૯૯.૯૫ એટલે કે અંદાજે રૂ.૧૦૦ વસૂલી રહી છે. વહીવટી તંત્રની ચૂપકીદી અને દેખરેખના અભાવે સામાન્ય જનતા છેતરાઈ રહી છે અને કાળાબજારિયાઓ આ સંકટનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે માનસરોવર, સાંગાનેર અને સીકર રોડ પર સ્થિત મોટાભાગના LPG પંપો પર 'નો સ્ટોક'ના બોર્ડ ઝૂલી રહ્યા છે. ગેસ પુરાવવા માટે આવતા વાહનચાલકોને બે-ત્રણ દિવસ પછી આવવા માટે કહીને રવાના કરી દેવામાં આવે છે, જેના કારણે હજારો વાહનો રસ્તાની બાજુમાં શોભાના ગાંઠિયા બનીને ઊભા રહી ગયા છે. જે પંપો પર ગેસ ઉપલબ્ધ છે ત્યાં વહેલી સવારથી જ કિલોમીટરો લાંબી કતારો જોવા મળે છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી પણ ગેસ મળશે જ તેની કોઈ ગેરંટી ન હોવાથી વાહનચાલકોમાં ભારે રોષ અને ગભરાટ જોવા મળી રહ્યો છે. પુરવઠો ખોરવાઈ જવાને કારણે પરિવહન સેવા પર પણ માઠી અસર પડી છે.

છેલ્લા એક જ મહિનામાં LPGના ભાવ રૂ.૫૮થી સીધા રૂ.૧૦૦ સુધી પહોંચી જવું એ આર્થિક લૂંટ સમાન હોવાનું લોકો માની રહ્યા છે. ઓટો ચાલકોની આજીવિકા સંપૂર્ણપણે ગેસ પર નિર્ભર હોવાથી મોંઘા ભાવનો ગેસ પુરાવવો તેમને પરવડે તેમ નથી અને જો ગેસ ન પુરાવે તો ઘરે ચૂલો સળગવો મુશ્કેલ બની જાય છે. ઘણી જગ્યાએ ગેસની અછતનો લાભ ઉઠાવીને નફાખોરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. સરકાર અને સબંધિત વિભાગ આ ગંભીર પરિસ્થિતિથી અજાણ હોવાનું રટણ કરી રહ્યા છે, જે જનતા માટે વધુ ચિંતાનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગશે અને આ ભાવવધારા તથા અછત પર લગામ કસશે.રૂ.

(1:24 PM IST)