<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ખાખી વર્દીની લાલચમાં લોહીના સંબંધો લજવાયા: પોલીસ પુત્રીએ જ પિતાના મિલ્કશેકમાં ઝેર ભેળવી કરી હત્યા

નોકરી મેળવવાના કારસામાં હેડ કોન્સ્ટેબલ પિતાને મોતને ઘાટ ઉતારી 'કરુણાપૂર્ણ નિમણૂક' મેળવી, બ્રેકઅપ બાદ પૂર્વ પ્રેમીએ ગુપ્ત રેકોર્ડિંગ અને વીડિયો પુરાવા રજૂ કરતા ચંદ્રપુરના સનસનાટીભર્યા હત્યાકાંડ પરથી પડદો ઊંચકાયો

ચંદ્રપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાંથી માનવતાને શર્મસાર કરતો એક હચમચાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક તાલીમાર્થી મહિલા પોલીસ અધિકારીએ ખાખી વર્દી મેળવવાની લાલચમાં પોતાના જ પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ૨૨ વર્ષીય આર્ય બલ્લાવર પર આરોપ છે કે તેણે પોલીસ વિભાગમાં 'કરુણાપૂર્ણ નિમણૂક' (વારસા હક) હેઠળ નોકરી મેળવવા માટે તેના પિતા અને હેડ કોન્સ્ટેબલ જયંત બલ્લાવરના મિલ્કશેકમાં ઝેર ભેળવ્યું હતું. વર્ષ ૨૦૨૩માં બનેલી આ ઘટનાને તે સમયે ફૂડ પોઇઝનિંગ માનીને કેસ બંધ કરી દેવાયો હતો, પરંતુ તાજેતરમાં આર્યના પૂર્વ પ્રેમી આશિષ શેડમાકે સાથે થયેલા બ્રેકઅપ બાદ આ પાપી કાવતરાના પુરાવા પોલીસ અધિક્ષક (SP) સમક્ષ રજૂ કરાતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આર્ય અને આશિષ વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો, જેનો તેમના પરિવારો વિરોધ કરતા હતા. આશિષે પણ તેના પિતાના અવસાન બાદ પોલીસમાં નોકરી મેળવી હતી, જે જોઈને આર્યને પણ પોલીસ બનવાની ઘેલછા જાગી હતી. આશિષ અને તેના મિત્રોએ અંદાજે ₹૫,૦૦૦માં ઝેરની વ્યવસ્થા કરી આપી હતી, જે આર્યએ પિતાને મિલ્કશેકમાં આપી દીધું હતું. પિતાના અવસાન બાદ આર્યએ તેમની જગ્યાએ પોલીસ દળમાં નિમણૂક મેળવી લીધી અને બંને પ્રેમીઓએ સાથે તાલીમ પણ લીધી. જોકે, આશિષ બાદમાં એક ગંભીર ગુનામાં ફસાતા તેને બરતરફ કરવામાં આવ્યો હતો, જેના કારણે બંને વચ્ચે તકરાર વધી અને આર્યએ સંબંધ તોડી નાખ્યો હતો.

સંબંધ તૂટતા ઉશ્કેરાયેલા આશિષે આર્યને પાઠ ભણાવવા માટે હત્યાના તમામ પુરાવા, ફોન રેકોર્ડિંગ અને વીડિયો એસપી મુમ્માકા સુદર્શનને સોંપી દીધા હતા. આ ગંભીર પુરાવાઓના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આર્ય બલ્લાવર, આશિષ શેડમાકે અને તેમના સહયોગી ચૈતન્ય ઉર્ફે મોન્ટી ગેડમની ધરપકડ કરી છે. રામનગર પોલીસ સ્ટેશનમાં હત્યા, ગુનાહિત કાવતરું અને પુરાવાનો નાશ કરવા બદલ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે દીકરીએ પિતાની જગ્યાએ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી લીધી હતી, તે જ હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે.

(1:30 PM IST)