<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

કેનેડા જવું હવે બનશે આસાન: સુપર વિઝાના નિયમોમાં ઐતિહાસિક છૂટછાટ, માતા-પિતા અને દાદા-દાદીને સાથે રાખવાનું સ્વપ્ન થશે સાકાર

કેનેડિયન સરકારના ૩૧ માર્ચથી અમલી બનનારા નવા નિયમોમાં આવકની મર્યાદામાં મોટી રાહત, સ્પોન્સરની ઓછી આવક હવે અવરોધ નહીં બને, વડીલોની કમાણી પણ ફાઇલમાં ઉમેરી શકાશે અને બે વર્ષના આર્થિક પુરાવા રજૂ કરવાની મળશે પૂરતી તક

રાજકોટ: કેનેડામાં સ્થાયી થયેલા લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. કેનેડિયન સરકારે 'પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ સુપર વિઝા' (PGP) ના નિયમોમાં ધરખમ ફેરફારોની જાહેરાત કરી છે, જેનાથી હવે માતા-પિતા કે દાદા-દાદીને કેનેડા બોલાવવા અત્યંત સરળ બની જશે. નવા નિયમો મુજબ, જે PR ધારકો કે નાગરિકો અગાઉ ઓછી આવકને કારણે પોતાના પરિવારને સ્પોન્સર કરી શકતા ન હતા, તેઓ હવે વડીલોની પોતાની આવકને સ્પોન્સરની આવકમાં ઉમેરીને ફાઇલ મજબૂત બનાવી શકશે. ૩૧ માર્ચ, ૨૦૨૬થી અમલમાં આવનારા આ સુધારાને કારણે હજારો પરિવારોનું પુનઃમિલન શક્ય બનશે.

સરકારે આવકના પુરાવા રજૂ કરવાની સમયમર્યાદામાં પણ મોટી રાહત આપી છે. અગાઉ માત્ર એક વર્ષના આવકના પુરાવા રજૂ કરવા પડતા હતા, જેમાં લઘુત્તમ આવક (LICO) સુધી ન પહોંચનારાઓની અરજીઓ રદ થતી હતી. હવે આ સમયગાળો વધારીને બે વર્ષ કરી દેવામાં આવ્યો છે. એટલે કે, જો અરજદાર આ બે વર્ષના ગાળામાં કોઈપણ સમયે નિર્ધારિત આવક મર્યાદા સુધી પહોંચી જાય, તો તેઓ વિઝા માટે પાત્ર ઠરશે. આ ફેરફારથી એવા યુવાનોને મોટો ફાયદો થશે જેઓ કરિયરની શરૂઆતમાં છે અને જેમનો પગાર હાલ ઓછો છે, કારણ કે તેઓ હવે તેમના માતા-પિતાની આર્થિક સદ્ધરતાનો ટેકો લઈ શકશે.

નોંધનીય છે કે આ સુપર વિઝા ૧૦ વર્ષ માટે માન્ય રહેશે અને તેના આધારે વડીલો એકસાથે સતત પાંચ વર્ષ સુધી કેનેડામાં રહી શકશે. ૩૧ માર્ચ કે ત્યારબાદ થનારી અરજીઓ માટે કંપનીનો લેટર, ટેક્સ એસેસમેન્ટ અને સેલેરી સ્લિપ જેવા દસ્તાવેજો અનિવાર્ય રહેશે. કેનેડા સરકારના આ માનવીય અભિગમથી ભારતીય સમુદાયમાં હરખની હેલી જોવા મળી છે, કારણ કે આનાથી સામાજિક અને પારિવારિક સુરક્ષામાં વધારો થશે. નિષ્ણાતોના મતે, આ ફેરફાર કેનેડાના અર્થતંત્રમાં પણ પ્રોત્સાહન પૂરું પાડશે કારણ કે વડીલોની હાજરીથી કામકાજ કરતા યુવા દંપતીઓને ઘરેલું સ્તરે મોટી મદદ મળી રહેશે.

(1:40 PM IST)