WTOમાં ડ્રેગનની મેલી મુરાદ પર ભારતનું પાણી: ચીનના નેતૃત્વ હેઠળના વિવાદાસ્પદ રોકાણ કરારને પિયુષ ગોયલે ફગાવ્યો
મહાત્મા ગાંધીના સત્યના માર્ગે ચાલીને ભારતે વિશ્વ મંચ પર એકલા લડવાની હિંમત બતાવી, રોકાણ કરાર (IFD) ને મંજૂરી આપવાનો ઈનકાર કરીને ચીની રોકાણના જોખમી જાળમાંથી વૈશ્વિક વેપાર સંગઠનના પાયાના સિદ્ધાંતોનું કર્યું રક્ષણ

યાઉંડે: વિશ્વ વેપાર સંગઠન (WTO) ની ૧૪મી મંત્રી સ્તરની પરિષદમાં ભારતે ચીનના નેતૃત્વ હેઠળના વિવાદાસ્પદ 'ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન ફોર ડેવલપમેન્ટ' (IFD) કરારનો સખત વિરોધ કરીને ડ્રેગનની મેલી મુરાદ પર પાણી ફેરવી દીધું છે. કેમેરૂનના યાઉંડે ખાતે ચાલી રહેલી આ બેઠકમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત આ કરારને WTO માળખામાં સામેલ કરવાના પક્ષમાં નથી. તેમણે સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, જો આ કરારને મંજૂરી આપવામાં આવે તો WTO ના પાયાના સિદ્ધાંતો નબળા પડી શકે છે અને તેની કાર્ય કરવાની સ્વાયત્તતા ખતમ થવાનું જોખમ રહેલું છે. ભારતના આ મક્કમ વલણને કારણે ચીની રોકાણ પર નિર્ભર રહેતા દેશોના જૂથને મોટો ફટકો પડ્યો છે.
પિયુષ ગોયલે ભારતના આ પગલાને મહાત્મા ગાંધીના સત્યના દર્શનથી પ્રેરિત ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે વિશ્વના અનેક દેશો દબાણમાં હોય ત્યારે ભારતે એકલા રહેવાની હિંમત બતાવી છે. ચીને વર્ષ ૨૦૧૭માં રજૂ કરેલો આ IFD કરાર મુખ્યત્વે એવા દેશો પર કેન્દ્રિત છે જે ચીની રોકાણો પર ભારે આધાર રાખે છે. ભારતનું માનવું છે કે WTO ના પરિશિષ્ટ ૪ માં આવા બહુપક્ષીય કરારોનો સમાવેશ કરવાથી પ્રણાલીગત પ્રશ્નો ઉભા થશે. અગાઉ અબુ ધાબીમાં યોજાયેલી બેઠકમાં પણ ભારતે આ જ પ્રકારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે વેપાર સુધારા માટે સદ્ભાવના અને વ્યાપક ચર્ચાઓ માટે તૈયાર છે, પરંતુ કોઈપણ દેશના વ્યક્તિગત હિતોને પોષતા જોખમી કરારોને સ્વીકારશે નહીં.
ચીન અને તેના સાથી દેશો દ્વારા જે રોકાણ કરાર માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, તે ફક્ત સહી કરનારા સભ્યો માટે જ બંધનકર્તા રહેશે તેવી જોગવાઈ છે, પરંતુ ભારત આ પ્રકારની વિભાજનકારી નીતિનો વિરોધ કરી રહ્યું છે. સાર્વભૌમ સંપત્તિ ભંડોળ ધરાવતા દેશો આ કરારના પક્ષકાર છે, જેનો હેતુ ચીની મૂડીરોકાણને વૈશ્વિક સ્તરે કાયદેસરની છત્રછાયા પૂરી પાડવાનો છે. જોકે, ભારતે રજૂ કરેલી કાનૂની સલામતી અને ગાર્ડરેલ્સની દલીલોને કારણે અન્ય સભ્ય દેશોમાં પણ હવે આ મદ્દે ચર્ચા શરૂ થઈ છે. પિયુષ ગોયલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત હવે વૈશ્વિક વેપાર મંચ પર ચીનની વિસ્તારવાદી આર્થિક નીતિઓ સામે મજબૂત રક્ષક તરીકે ઉભરી આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
