<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

તમિલનાડુના રણમેદાનમાં સુપરસ્ટાર વિજયની એન્ટ્રી: પેરામ્બુર અને ત્રિચી પૂર્વથી લડશે ચૂંટણી, DMK સામે સીધો જંગ

તમિલગા વેત્રી કઝગમ (TVK) એ ૨૩ એપ્રિલની મહાપરીક્ષા માટે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, યુવાનો માટે રૂ.૨૦ લાખ સુધીની વગર ગેરંટીની લોન અને ડ્રગ્સ મુક્ત રાજ્યના વચનો સાથે વિજયે એમ.કે. સ્ટાલિનના 'ગઠબંધન' ને પડકાર્યું

ચેન્નાઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦ arrow ૨૬ ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અને TVK વડા વિજયે રાજકારણના મેદાનમાં ધમાકેદાર એન્ટ્રી કરીને સૌને ચોંકાવી દીધા છે. રવિવારે પક્ષના કાર્યકરોની મહત્વની બેઠકમાં વિજયે જાહેરાત કરી હતી કે તેઓ આગામી ૨૩ એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં ચેન્નાઈની પેરામ્બુર અને ત્રિચી પૂર્વ (તિરુચિરાપલ્લી પૂર્વ) એમ બે બેઠકો પરથી નસીબ અજમાવશે. વિજયે પોતાની ટીમના મજબૂત ઉમેદવારોની યાદી જાહેર કરતા સ્પષ્ટ કર્યું હતું કે આ લડાઈ માત્ર સત્તા માટે નથી, પરંતુ DMK ની કથિત આપખુદશાહી અને ભ્રષ્ટાચારના અંત માટે છે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધનને 'પેચ-અપ જોડાણ' ગણાવીને વિજયે આ ચૂંટણીને 'લોકોની ટીમ' વિરુદ્ધ 'સ્ટાલિનની ટીમ' વચ્ચેનો સીધો મુકાબલો ગણાવ્યો છે.

રાજ્યના યુવા મતદારોને રીઝવવા માટે વિજયે આકર્ષક વચનોની લ્હાણી કરતા તેને પોતાની 'ગેરંટી' તરીકે ઓળખાવી છે. તેમણે વચન આપ્યું છે કે જો તેમની સત્તા આવશે તો ધોરણ ૧૨ થી લઈને પીએચડી સુધીના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને રૂ.૨૦ લાખ સુધીની કોલેટરલ-મુક્ત (કોઈપણ જામીન વગરની) લોન આપવામાં આવશે. આ ઉપરાંત, તમિલનાડુને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત બનાવવાની નેમ સાથે સરકારી ભરતીમાં પારદર્શિતા, બેરોજગારી ભથ્થું અને નવા સાહસિકો માટે વિશેષ સહાયની યોજનાઓ પણ રજૂ કરી છે. વિજયે ઉમેર્યું હતું કે તેમણે એવા જ ઉમેદવારોની પસંદગી કરી છે જે જનતાની પડખે ઊભા રહેવાની ક્ષમતા ધરાવે છે અને ભ્રષ્ટાચાર સામે લડવાની શપથ લીધી છે.

તમિલનાડુની ૨૩૪ બેઠકો પર ૨૩ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને ૪ મેના રોજ પરિણામો જાહેર થશે. આ વખતે રાજ્યમાં ત્રિપાંખિયો જંગ ખેલાવાની પૂરેપૂરી શક્યતા છે, જેમાં એક તરફ DMK ની આગેવાની હેઠળનું સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ છે, તો બીજી તરફ AIADMK અને ભાજપના નેતૃત્વ હેઠળનું એનડીએ ગઠબંધન મેદાનમાં છે. હવે વિજયની એન્ટ્રીથી રાજ્યના પરંપરાગત દ્રવિડિયન રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. ખાસ કરીને યુવા વર્ગમાં વિજયની લોકપ્રિયતા પ્રસ્થાપિત પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે. ૧૦ મેના રોજ વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે જોવાનું એ રહેશે કે શું 'થલપતિ' વિજય ફિલ્મી પડદાની જેમ રાજનીતિના પડદા પર પણ સફળતાના શિખરો સર કરી શકશે કે કેમ?રૂ.

(2:15 PM IST)