<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા: અમેરિકા ઈરાનની ધરતી પર 'ગ્રાઉન્ડ એટેક' માટે સજ્જ, પેન્ટાગોને તૈયાર કર્યો ખતરનાક એક્શન પ્લાન

વોશિંગ્ટન પોસ્ટના સનસનીખેજ રિપોર્ટમાં અમેરિકી સૈન્યની અઠવાડિયા સુધી ચાલનારી જમીની કાર્યવાહીનો ખુલાસો, સ્પેશિયલ ઓપરેશન ફોર્સ અને પાયદળ સૈનિકો દ્વારા ઈરાની ઠેકાણાઓ પર ગમે ત્યારે થઈ શકે છે ભીષણ દરોડા

વોશિંગ્ટન:  વૈશ્વિક રાજકારણમાં ભારે ખળભળાટ મચાવતા અહેવાલ મુજબ, અમેરિકા હવે ઈરાન વિરુદ્ધ માત્ર આકાશી હુમલાઓ સુધી સીમિત રહેવા માંગતું નથી, પરંતુ સીધી જમીની કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીઓને ટાંકીને પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર, અમેરિકી સંરક્ષણ મંત્રાલયે ઈરાનની સરહદની અંદર ઘૂસીને અઠવાડિયા સુધી ચાલી શકે તેવા સૈન્ય અભિયાનનો બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધો છે. આ યોજનામાં અમેરિકાના અત્યંત ઘાતક ગણાતા સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સ અને પરંપરાગત પાયદળ સૈનિકોનો ઉપયોગ કરવામાં આવશે, જેઓ ઈરાનના વ્યૂહાત્મક સ્થળો પર ત્રાટકીને મોટા પાયે દરોડા પાડવાની ક્ષમતા ધરાવે છે. આ હિલચાલને પગલે સમગ્ર વિશ્વમાં તણાવની સ્થિતિ પેદા થઈ છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ આક્રમક સૈન્ય યોજનાઓને અંતિમ મંજૂરી આપશે કે કેમ તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, પરંતુ સરહદ પરની હિલચાલ કંઈક અલગ જ ઈશારો કરી રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના પાંચમા અઠવાડિયામાં પ્રવેશતાની સાથે જ મોટા પાયે યુએસ મરીન સૈનિકોની તૈનાતી કરી દીધી છે. એટલું જ નહીં, અમેરિકી સેનાની શક્તિશાળી ગણાતી 82મી એરબોર્ન ડિવિઝનના હજારો સૈનિકોને પણ યુદ્ધના મેદાનમાં મોકલવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ સૈન્ય જમાવડો સૂચવે છે કે જો મુત્સદ્દીગીરી નિષ્ફળ જશે, તો અમેરિકા સીધા સૈન્ય સંઘર્ષ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

ઈરાન સાથેના આ સંભવિત જમીની યુદ્ધના પડઘા માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે, પરંતુ તેની અસર આંતરરાષ્ટ્રીય તેલના બજાર અને વૈશ્વિક સુરક્ષા પર પણ પડશે. સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે કે જો પેન્ટાગોનની આ યોજના અમલી બનશે, તો તે દાયકાઓનો સૌથી ભીષણ સૈન્ય સંઘર્ષ સાબિત થઈ શકે છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ બાદ વિશ્વના અન્ય શક્તિશાળી દેશો પણ સતર્ક બન્યા છે અને સંઘર્ષને રોકવા માટે પડદા પાછળ પ્રયાસો શરૂ કરી દીધા છે. હવે આખી દુનિયાની નજર વ્હાઇટ હાઉસના આગામી નિર્ણય પર ટકેલી છે કે શું ટ્રમ્પ ઈરાનની ધરતી પર સૈનિકો ઉતારવાનો ઐતિહાસિક અને જોખમી આદેશ આપશે કે કેમ.

(3:54 PM IST)