<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

આર્થિક ભીંસમાં ફસાયેલા પરિવારે અંતિમ સફરની તૈયારી કરી: રુંવાડા ઉભા કરી દેતા કરુણ હત્યાકાંડ બાદ યુવકે ગળે ટૂંપો દઈ જીવન ટૂંકાવવા કર્યો ખતરનાક પ્રયાસ

ચિટફંડના કરોડોના વ્યવહાર અને દેવાના ડુંગર નીચે દબાયેલા પુત્રએ માતા, બહેન અને માસૂમ ભત્રીજાનું ગળું કાપી મોતને ઘાટ ઉતાર્યા, હૃદયદ્રાવક વીડિયો સંદેશ સંબંધીઓને મોકલી આખા પરિવારે સામુહિક આત્મહત્યાનું ઘડ્યું લોહિયાળ કાવતરું

બેંગલુરુ:  બેંગલુરુ ગ્રામીણ વિસ્તારમાં એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં આર્થિક સંકટમાં ફસાયેલા એક પરિવારે સામુહિક આત્મહત્યાનો માર્ગ અપનાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દેવાના ડુંગર નીચે દબાયેલા ૩૨ વર્ષીય મોહન ગૌડાએ અંધાધૂંધ હિંસા આચરી પોતાની સગી માતા આશા અને બહેન વર્ષિતાનું ગળું કાપી નિર્મમ હત્યા કરી નાખી હતી. આ લોહિયાળ ખેલ ખેલ્યા બાદ તેણે પોતાના ૧૧ વર્ષના ભત્રીજા મયંક પર પણ જીવલેણ હુમલો કર્યો અને અંતે પોતે પણ તે જ રીતે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ભયાનક ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પરિવાર દ્વારા રેકોર્ડ કરવામાં આવેલો છેલ્લો વીડિયો સંદેશ સંબંધીઓ સુધી પહોંચ્યો, જેમાં તેમણે પોતાની લાચારી અને આર્થિક પાયમાલીનો ઉલ્લેખ કર્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મુખ્ય આરોપી મોહન ગૌડા ચિટફંડના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને તેના પર લાખો નહીં પણ કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું હોવાનું અનુમાન છે. તે તહેવારો દરમિયાન માંસ અને ફટાકડાની ખાસ ચિટ સ્કીમો ચલાવીને લોકો પાસેથી નાણાં ઉઘરાવતો હતો, પરંતુ તેની વૈભવી જીવનશૈલી અને ખોટા નાણાકીય આયોજનને કારણે તે ૫ લાખથી લઈને ૧ કરોડ સુધીના દેવા જાળમાં ફસાઈ ગયો હતો. લેણદારોના ત્રાસ અને લોનના હપ્તા ચૂકવવામાં અસમર્થ રહેલા આ પરિવારે આખરે કાયમી શાંતિ મેળવવા માટે આ હિંસક માર્ગ પસંદ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલી રહ્યું છે.

ઘટનાની જાણ થતા જ સંબંધીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જ્યાં ઘરના દરવાજા અંદરથી બંધ હાલતમાં મળી આવ્યા હતા. પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશતા જ લોહીલુહાણ હાલતમાં ચાર સભ્યો મળી આવ્યા હતા, જેમાંથી બેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. ગંભીર રીતે ઘાયલ મોહન અને માસૂમ બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. બેંગલુરુ ગ્રામીણ એસપીએ જણાવ્યું હતું કે આ મામલે હત્યા અને આત્મહત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી આ ભયાનક સામુહિક આત્મહત્યાના પ્રયાસ પાછળના ચોક્કસ તથ્યો બહાર આવી શકે.

 

(3:56 PM IST)