હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગર એરપોર્ટ પરથી નવી મુંબઈની સીધી ફ્લાઈટ સેવાનો ઐતિહાસિક પ્રારંભ : કેન્દ્રીય મંત્રી કે. રામમોહન નાયડુએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
વોટર સેલ્યુટ સાથે વિમાનનું ભવ્ય અભિવાદન : કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ઇન્ડિગોની દૈનિક બે ફ્લાઈટ શરૂ થતા ભાવનગર હવે દેશ-દુનિયાના હવાઈ નકશા પર મજબૂત રીતે જોડાશે

ભાવનગર: ભાવનગરના આંગણે આજે ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ ઉડ્ડયન ક્ષેત્રે એક નવો અધ્યાય લખાયો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને ભાવનગર અને નવી મુંબઈ વચ્ચેની સીધી ફ્લાઈટ સેવાને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી હવાઈ કનેક્ટિવિટીના પ્રારંભ પ્રસંગે પ્રથમ ફ્લાઈટનું રન-વે પર 'વોટર સેલ્યુટ' આપીને પરંપરાગત રીતે ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
દેશ અને દુનિયા સાથે જોડાશે ભાવનગર:
લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા દ્વારા સતત કરવામાં આવેલી રજૂઆતો અને દરખાસ્તોને પરિણામે આજે આ સેવાનો શુભારંભ થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ માત્ર સ્થાનિક કનેક્ટિવિટી નથી, પરંતુ નવી મુંબઈ મારફતે ભાવનગર હવે વિશ્વના અન્ય મહાનગરો સાથે સરળતાથી જોડાઈ શકશે, જેનો સીધો લાભ સ્થાનિક ઉદ્યોગ અને વેપારને મળશે.
ઐતિહાસિક અને ગૌરવવંતી ક્ષણ:
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ આ દિવસને ભાવનગરની જનતા માટે ગૌરવવંતો ગણાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે પ્રથમ ફ્લાઈટમાં મુસાફરી કરનારા અન્ય મુસાફરોની સાથે ૩૦ જેટલા દિવ્યાંગ મુસાફરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને ગૌતમભાઈ ચૌહાણે પણ આ સુવિધાને ભાવનગરના વિકાસ માટે પાયાનો પથ્થર ગણાવ્યો હતો.
ઇન્ડિગોની દૈનિક બે ફ્લાઈટનું શિડ્યુલ:
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ બે ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે. મુસાફરો સવારે ૮:૩૫ કલાકે અને રાત્રે ૮:૫૦ કલાકે ભાવનગરથી નવી મુંબઈ માટે ઉડાન ભરી શકશે. આ સુવિધાથી ડાયમંડ સિટી તરીકે ઓળખાતા ભાવનગરના હીરા ઉદ્યોગ, વહાણવટા ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. નવી મુંબઈ એરપોર્ટથી મુસાફરોને કનેક્ટિંગ ફ્લાઈટ્સ મેળવવામાં પણ ઘણી સરળતા રહેશે.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ:
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, આઈજી રાજેન્દ્ર વી. અસારી અને પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા હાજર રહ્યા હતા. સંગઠના અગ્રણીઓ દિગ્વિજયસિંહ ગોહિલ અને કુમારભાઈ શાહ તેમજ સિવિલ એવિએશન સેક્રેટરી સમીર સિંહા, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન વિપીનકુમાર, ડાયરેક્ટર તપનકુમાર નાયક અને વરિષ્ઠ અધિકારીઓ મનિષકુમાર અગ્રવાલ અને પ્રશાંત નિખાર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને આ ઐતિહાસિક ક્ષણને વધાવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
