હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

પર્થ: કુદરતી આફતોના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવી એક અજીબોગરીબ અને ડરામણી ઘટના ઓસ્ટ્રેલિયામાં સામે આવી છે. વિનાશક ઉષ્ણકટિબંધીય ચક્રવાત 'નરેલ' પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તેની અસર હેઠળ આખું આકાશ લોહી જેવું લાલચોળ બની ગયું છે. ડેનહામ અને પિલબારા જેવા વિસ્તારોમાં રહેતા લોકો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે તેમને આકાશમાં વાદળી કે સફેદ રંગને બદલે ઘેરો લાલ રંગ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો વાયરલ થતા જ લોકોએ તેને 'યુગાંત' અથવા 'આખરી ચેતવણી' ગણાવીને ભય વ્યક્ત કર્યો હતો. વિજ્ઞાનના મતે, આ કોઈ ચમત્કાર નહીં પણ વાવાઝોડાના પ્રચંડ પવનોને કારણે ઉડેલી લોખંડયુક્ત લાલ માટી અને સૂર્યપ્રકાશના પરાવર્તનને લીધે સર્જાયેલી સ્થિતિ છે.
આ ભયાનક કુદરતી નજારા પાછળ ચક્રવાત નરેલની તીવ્રતા જવાબદાર માનવામાં આવે છે. 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોએ જમીન પરથી સૂકી લાલ ધૂળને વાતાવરણમાં એટલી ઊંચાઈએ પહોંચાડી દીધી કે સૂર્યના કિરણો જ્યારે તેમાંથી પસાર થયા ત્યારે આખું વાતાવરણ નારંગી અને કિરમજી રંગમાં ફેરવાઈ ગયું હતું. ફિલ્ટર વગરના આ વીડિયોએ ઓનલાઈન પ્લેટફોર્મ પર હલચલ મચાવી દીધી છે. જોકે, આ સુંદર દેખાતો નજારો વાસ્તવમાં આવનારા મોટા સંકટનો સંકેત હતો. આ ચક્રવાતે એક્સમાઉથમાં લેન્ડફોલ કર્યા બાદ અનેક મકાનોની છત ફાડી નાખી છે અને વીજ પુરવઠો ખોરવી નાખ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ચક્રવાત નરેલની અસર માત્ર પર્યાવરણ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેણે વૈશ્વિક ઊર્જા બજાર પર પણ મોટો ફટકો માર્યો છે. વર્ષ 2026ની આ 'ટ્રિપલ-સ્ટ્રાઈક' સિસ્ટમે ઓસ્ટ્રેલિયાના ગેસ ઉત્પાદનને ગંભીર અસર પહોંચાડી છે. શેવરોન અને વુડસાઇડ જેવી દિગ્ગજ કંપનીઓના લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પ્લાન્ટ્સમાં કામગીરી ઠપ થઈ ગઈ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસની તંગી સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. હાલમાં આ વાવાઝોડું નબળું પડીને દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તેના કારણે સર્જાયેલા આ 'એપોકેલિપ્ટિક' આકાશે વિજ્ઞાનીઓ અને સામાન્ય જનતા બંનેને સ્તબ્ધ કરી દીધા છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM