હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુઓ મહત્વના સમાચાર

સાણંદ હવે બનશે સેમિકન્ડક્ટરનું ડબલ એન્જિન: ૩૩૦૦ કરોડના તોતિંગ રોકાણ સાથે કેઇન્સ સેમિકોનના પ્લાન્ટનું મંગળવારે પીએમ મોદીના હસ્તે શાનદાર લોકાર્પણ
માઇક્રોન બાદ વધુ એક મેગા પ્રોજેક્ટથી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને લાગશે પાંખો: ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનને મળશે બુસ્ટર ડોઝ
રાજકોટ: ઓટોમોબાઇલ હબ તરીકે વિખ્યાત સાણંદ હવે સેમિકન્ડક્ટર હબ તરીકે વૈશ્વિક ફલક પર છવાઈ જવા સજ્જ છે. આગામી ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેઇન્સ સેમિકોનના રૂ. ૩૩૦૦ કરોડના અત્યાધુનિક ઓસાટ (OSAT) યુનિટનું શાનદાર લોકાર્પણ કરવાના છે, જેના પગલે ગુજરાતની ચિપ ઇકોસિસ્ટમમાં મોટો ધમાકો થશે.
ગુજરાત માટે આ એક ઐતિહાસિક અને ગૌરવશાળી ક્ષણ છે. કેન્દ્ર સરકારના અત્યંત મહત્વકાંક્ષી 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' હેઠળ ગત સપ્ટેમ્બર ૨૦૨૪માં આ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી હતી અને ખૂબ ટૂંકાગાળામાં આ પ્લાન્ટ સાકાર થવા જઈ રહ્યો છે.
સાણંદમાં અગાઉ માઇક્રોન અને અન્ય દિગ્ગજ એકમોની હાજરીથી ઔદ્યોગિક માહોલ ગરમ છે, ત્યારે હવે કેઇન્સ સેમિકોનની એન્ટ્રીથી ભારતીય સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવો પ્રાણ ફૂંકાશે.
સત્તાવાર દસ્તાવેજો મુજબ, આ જંગી એકમ વાયર બોન્ડ ઇન્ટરકનેક્ટ અને સબસ્ટ્રેટ આધારિત અત્યાધુનિક પેકેજિંગ અને ટેસ્ટિંગ ક્ષેત્રે ધૂમ મચાવશે. ઓટોમોટિવ, ટેલિકોમ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર માટે આ મેગા સુવિધા ગેમ-ચેન્જર સાબિત થવાની પૂરી સંભાવના છે.*
-----
પશ્ચિમ એશિયામાં ભડકેલી આગ વચ્ચે પાકિસ્તાનનો વચેટિયા બનવાના હવાતિયા: ઇસ્લામાબાદમાં સાઉદી, તુર્કિયે અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓનો જમાવડો
અમેરિકા અને ઇરાન વચ્ચે વાટાઘાટોના તાર જોડવાનો પ્રયાસ: વૈશ્વિક ઊર્જા અને વેપાર સંકટ ટાળવા પાકિસ્તાને ગોઠવ્યો નવો કૂટનીતિક ખેલ
ઇસ્લામાબાદ: એક તરફ પશ્ચિમ એશિયામાં યુદ્ધના કાળા વાદળો ઘેરાયા છે, ત્યારે બીજી તરફ કંગાળ પાકિસ્તાને શાંતિદૂતનો ઝભ્ભો પહેરી લીધો છે! આજથી એટલે કે ૨૯થી ૩૦ માર્ચ દરમિયાન ઇસ્લામાબાદમાં સાઉદી અરેબિયા, તુર્કિયે અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓ સાથે પાકિસ્તાન હાઇ-પ્રોફાઇલ ગુપ્ત મંત્રણાઓ કરી રહ્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સત્તાવાર બ્યુગલ ફૂંકી દીધું છે કે તેઓ પ્રાદેશિક તણાવ ઘટાડવા અને યુદ્ધની વિકટતા ટાળવા મેદાને પડ્યા છે. પરંતુ, આંતરરાષ્ટ્રીય રાજકારણના પંડિતો આ કવાયતને માત્ર દેખાડો નહીં, પણ એક મોટા ષડયંત્ર અને ગેમપ્લાન તરીકે જોઈ રહ્યા છે. આ બેઠક પાછળનો મુખ્ય મકસદ અમેરિકા અને ઇરાન વચ્ચે કોઈ છૂપો રસ્તો કાઢવાનો હોવાનું મનાય છે.
હાલમાં આ ભીષણ યુદ્ધની સીધી અસર વૈશ્વિક સમુદ્રી વેપાર, ક્રૂડ ઓઇલના સપ્લાય અને ખાતરની અછત પર પડી રહી છે. પાકિસ્તાન આ ખળભળાટનો ફાયદો ઉઠાવીને માત્ર યજમાન નહીં, પણ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી તરીકે પોતાની ખરડાયેલી ઇમેજ સુધારવા હવાતિયાં મારી રહ્યું હોવાની રાજદ્વારી વર્તુળોમાં ભારે ચર્ચા છે.*
___
જો એથેનોલ બ્લેન્ડિંગ ન હોત તો ભારતનું તેલ નીકળી જાત!: પીએમ મોદીનો દાવો- ૭૦૦ કરોડ લિટર કાચા તેલની આયાત બચાવીને દેશે જબરદસ્ત કમાલ કરી: દર વર્ષે સાડા ચાર કરોડ બેરલ વિદેશી તેલની બચત કરી હોવાનો ધમાકો
પશ્ચિમ એશિયાની અસ્થિરતા વચ્ચે ઊર્જા સુરક્ષા એ જ સાચું હથિયાર: ઉત્તરપ્રદેશના જવેરમાંથી વડાપ્રધાનનો દેશને સ્પષ્ટ અને સણસણતો સંદેશ
લખનઉ: પશ્ચિમ એશિયામાં ભડકેલા યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવો આસમાને પહોંચવાની દહેશત છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એથેનોલ બ્લેન્ડિંગને ભારત માટે 'સંજીવની બુટ્ટી' ગણાવી છે. સરકારે પેટ્રોલમાં એથેનોલ મિશ્રણ થકી દર વર્ષે સાડા ચાર કરોડ બેરલ વિદેશી તેલની બચત કરી હોવાનો આંકડાકીય ધમાકો કર્યો છે.
ઉત્તરપ્રદેશના જવેરમાં એક કાર્યક્રમને ગજવતા પીએમ મોદીએ આંકડાઓ સાથે સ્પષ્ટ વાત કરી હતી કે, જો દેશમાં એથેનોલ મિશ્રણનો ક્રાંતિકારી કાર્યક્રમ અમલમાં ન હોત તો ભારત પર આશરે ૭૦૦ કરોડ લિટર કાચા તેલની આયાતનો તોતિંગ આર્થિક બોજ પડત.
આજે જ્યારે વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાઈ છે અને વિદેશી તેલ પર નિર્ભરતા જોખમી સાબિત થઈ રહી છે, ત્યારે બાયો-ઇંધણ અને ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતો ભારતનું સૌથી મોટું હથિયાર બની ગયા છે. સરકારની આ વ્યૂહાત્મક ચાલથી માત્ર વિદેશી હૂંડિયામણ જ નથી બચ્યું, પરંતુ દેશ ઊર્જા સ્વાવલંબન તરફ મજબૂતાઈથી આગળ વધ્યો છે.
___
* ભારતના દરિયાકાંઠે જર્મન જાયન્ટનો રૂ. ૨૦,૦૦૦ કરોડનો જંગી દાવ: શિપિંગ દિગ્ગજ હાપાગ-લોયડ મહારાષ્ટ્રના વધવાન બંદરમાં કરશે મેગા રોકાણ
ભારતીય ધ્વજ હેઠળ જહાજોની નોંધણી અને શિપ રિસાયક્લિંગ ઇકોસિસ્ટમને મળશે જબરજસ્ત વેગ: ભારતના મેરિટાઇમ વિઝન માટે માસ્ટરસ્ટ્રોક
બર્લિન: જર્મનીની જાયન્ટ શિપિંગ કંપની હાપાગ-લોયડે ભારતના મેરિટાઇમ સેક્ટરમાં ભૂકંપ સર્જતી જાહેરાત કરી છે. કંપનીએ ભારત સરકાર સાથે હાથ મિલાવીને માળખાકીય સુવિધાઓ અને શિપિંગ વ્યવસાયમાં રૂ. ૨૦૦ અબજ (લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા) ઠાલવવાનો ઐતિહાસિક લેટર ઑફ ઇન્ટેન્ટ સાઇન કરી દીધો છે.
વિશ્વની ટોચની શિપિંગ કંપનીઓ હવે ભારત ભણી મીટ માંડી રહી છે. હાપાગ-લોયડનું આ અત્યંત મહત્વાકાંક્ષી રોકાણ દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક લોજિસ્ટિક્સનું નવું એપીસેન્ટર બની રહ્યું છે.
ઉદ્યોગ જગતના અહેવાલો મુજબ, આ જંગી રોકાણનો સિંહભાગ મહારાષ્ટ્રના ડ્રીમ પ્રોજેક્ટ એવા 'વધવાન બંદર' ના વિકાસમાં અને માળખાકીય સુવિધાઓમાં વપરાશે. આ ઉપરાંત, કંપની ભારતીય ધ્વજ હેઠળ પોતાના જહાજોની નોંધણી કરાવશે, જે એક બહુ મોટી ઉપલબ્ધિ છે. પર્યાવરણને અનુકૂળ શિપ રિસાયક્લિંગ માળખાને પણ આ રોકાણથી જબરદસ્ત બુસ્ટ મળશે. લોજિસ્ટિક્સ ક્ષેત્રે લાંબા ગાળાના આયોજન સાથે ભારત વિદેશી રોકાણકારો માટે હોટ-ફેવરિટ બની ચૂક્યું છે.*
____
* ભરૂચમાં નર્મદાના રૌદ્ર સ્વરૂપને નાથવા ૬૯૮ કરોડનો મેગા પ્રોજેક્ટ: પૂરરક્ષણ માટે દિલીપ બિલ્ડકૉનને સોંપાયું એમ્બેન્કમેન્ટ બાંધકામનું તોતિંગ ટેન્ડર
ચોમાસામાં નદીકાંઠાના વિસ્તારોને ડૂબતા બચાવવા રાજ્ય સરકાર એક્શન મોડમાં: ૨૪ મહિનામાં યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવાનો કડક ટાર્ગેટ
ભરૂચ: ચોમાસામાં ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં નર્મદા નદીના પાણી જે તારાજી સર્જે છે, તેને કાયમી ધોરણે નાથવા ગુજરાત સરકારે કમર કસી લીધી છે. ભરૂચ જિલ્લામાં પૂરરક્ષણની મજબૂત દીવાલ ઊભી કરવા માટે અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દિલીપ બિલ્ડકૉન લિમિટેડને ૬૯૮.૪૯ કરોડ રૂપિયાનો જંગી કોન્ટ્રાક્ટ પકડાવી દેવાયો છે.
નર્મદાના નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારો માટે આ પ્રોજેક્ટ એક આશીર્વાદ સમાન સાબિત થશે. નર્મદા વોટર રિસોર્સીસ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર વિભાગ દ્વારા ઇપીસી (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન) ધોરણે આ કામનો 'લેટર ઑફ એક્સેપ્ટન્સ' સત્તાવાર રીતે ઇશ્યૂ કરી દેવાયો છે.
આગામી ૨૪ મહિના એટલે કે બે વર્ષમાં આ એમ્બેન્કમેન્ટ (પૂરરક્ષક દીવાલ) નું બાંધકામ યુદ્ધના ધોરણે પૂરું કરવાનું રહેશે. ૬૯૮.૪૯ કરોડ રૂપિયાના આ ખર્ચમાં જીએસટીનો સમાવેશ થતો નથી. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ ભરૂચ જિલ્લાના હજારો નાગરિકોને પૂરની દહેશતમાંથી કાયમી મુક્તિ મળશે અને સ્થાનિક સુરક્ષા અભેદ્ય બનશે.*
___
* સૌર ઊર્જા ક્ષેત્રે વારી એનર્જીઝનો ઐતિહાસિક ફટકો: સોલાર ગ્લાસના ઉત્પાદન માટે અધધ ૩૯૦૦ કરોડના મેગા પ્લાન્ટને આપી દીધી લીલી ઝંડી
ચીનની આયાત પરની નિર્ભરતા તોડવા માસ્ટર પ્લાન: રોજનું ૨૫૦૦ મેટ્રિક ટન સોલાર ગ્લાસનું થશે જંગી ઉત્પાદન, જૂન ૨૦૨૬ સુધીમાં હિસ્સેદારી વધારશે
નવી દિલ્હી: સોલાર સેક્ટરમાં ધાક જમાવનાર 'વારી એનર્જીઝ' હવે સપ્લાય ચેનમાં પણ પોતાનો સિક્કો જમાવવા મેદાને પડી છે. સોલાર પેનલ માટે અત્યંત જરૂરી એવા સોલાર ગ્લાસના ભારતમાં જ ઉત્પાદન માટે કંપનીએ રૂ. ૩૯૦૦ કરોડના જંગી મૂડીરોકાણના પ્રસ્તાવને ફાઇનલ મંજૂરીની મહોર મારી દીધી છે.
અત્યાર સુધી ભારતીય કંપનીઓ સોલાર ગ્લાસ માટે મોટેભાગે વિદેશી આયાત પર નિર્ભર રહેતી હતી, પરંતુ વારી એનર્જીઝની સહાયક કંપની 'વારી ગ્રીન ગ્લાસ' મારફતે હવે આ ચિત્ર બદલાઈ જશે.
દરરોજ ૨૫૦૦ મેટ્રિક ટનની જબ્બર ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ ઊભો થતાં જ દેશની સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાને નવી પાંખો મળશે. માર્કેટના અપડેટ્સ મુજબ, કંપની દેવું અને પોતાના ફંડના મિશ્રણથી આ જંગી નાણાં ઊભા કરશે.
સાથોસાથ, જૂન ૨૦૨૬ સુધીમાં પોતાની અન્ય એક પેટાકંપનીમાં પણ હિસ્સેદારી વધારવાનો મોટો નિર્ણય લેવાયો છે. સ્થાનિક સપ્લાય મજબૂત કરવાનું આ અપસ્ટ્રીમ ઇન્ટિગ્રેશન પગલું આયાત પરનો આધાર ઘટાડી ભારતીય સોલાર ઉદ્યોગ માટે ક્રાંતિકારી સાબિત થશે.*
____
* નેપાળમાં સત્તાપલટા બાદ એજ્યુકેશન સિસ્ટમમાં સર્જિકલ સ્ટ્રાઈક: નવી બેલેન શાહ સરકાર શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિદ્યાર્થી રાજકારણના મૂળિયાં ઉખેડી નાખશે
ધોરણ-૫ સુધી પરીક્ષામાંથી મુક્તિ અને શાળાઓના વિદેશી નામો પર વાગશે ચોકડી: ૧૦૦ મુદ્દાના કડક ગવર્નન્સ એજન્ડાએ મચાવી ભારે ચકચાર
ખટમંડુ: નેપાળમાં બેલેન શાહની નવી સરકારે સત્તા સંભાળતાની સાથે જ સિસ્ટમ્સમાં સાફસૂફીનું અભિયાન આદરી દીધું છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને રાજકારણનો સફાયો કરવા માટે ૧૦૦ મુદ્દાનો એક કડક અને વિવાદાસ્પદ એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે, જેણે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર નવી સરકાર યુવાઓ અને પારદર્શિતાના નામે કડક નિર્ણયો લઈ રહી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેલા વિદ્યાર્થી સંગઠનો અને રાજકારણને સદંતર જાકારો આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં, નાના ભૂલકાંઓને ભણતરના ભારમાંથી મુક્તિ આપવા ધોરણ પાંચ સુધીની તમામ આંતરિક પરીક્ષાઓ રદ્દ કરવાની દિશામાં પણ ગંભીર કવાયત ચાલી રહી છે.
સ્થાનિક ઓળખ મજબૂત કરવા માટે, વિદેશી નામો ધરાવતી શાળાઓના પાટિયા ઉતારીને તેમને સાંસ્કૃતિક ઓળખ આપવાની ઝુંબેશ પણ એજન્ડામાં છે. જોકે આ સુધારાઓને કાયદાકીય સ્વરૂપ આપવાનું હજુ બાકી છે, પરંતુ આ નવા ફરમાનોએ નેપાળની રાજકીય અને શૈક્ષણિક દિશામાં જબરદસ્ત વળાંક લાવી દીધો છે.*
-----
*ઈરાન સાથેના ભયાનક યુદ્ધના વિરોધમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે અમેરિકા અને યુરોપમાં ફાટી નીકળ્યો જનઆક્રોશ: લાખો લોકો 'નો કિંગ્સ' રેલીમાં જોડાયા: ટ્રમ્પની ખુરશી જોખમમાં*
*અમેરિકાના ૫૦ રાજ્યોમાં ૩૧૦૦થી વધુ સ્થળોએ દેખાવો: ૯૦ લાખથી વધુ લોકો ઉમટી પડવાની ધારણા, વ્હાઇટ હાઉસે ડાબેરી સંગઠનો પર ફોડ્યું ઠીકરું*
વોશિંગ્ટન/ન્યુયોર્ક: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધને પગલે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ભારે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પના યુદ્ધના નિર્ણયને વખોડી કાઢવા માટે શનિવારે અમેરિકા અને યુરોપના રસ્તાઓ પર લાખો લોકો 'નો કિંગ્સ' રેલીમાં ઉમટી પડ્યા હતા. મિનેસોટા રાજ્યના સેન્ટ પોલ ખાતે આવેલી કેપિટોલ બિલ્ડિંગની આસપાસ હજારો લોકોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ઘણા લોકોએ ઐતિહાસિક રીતે રાષ્ટ્રીય સંકટના પ્રતીક સમાન 'ઊંધો અમેરિકન ધ્વજ' લહેરાવ્યો હતો.
આયોજકોના જણાવ્યા અનુસાર, અગાઉના વિરોધ પ્રદર્શનોમાં લાખો લોકો જોડાયા હતા અને આ વખતે ૫૦ રાજ્યોમાં ૩૧૦૦થી વધુ કાર્યક્રમો થકી ૯૦ લાખ (૯ મિલિયન) લોકો રસ્તા પર ઉતરે તેવી ધારણા છે.
બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને અને નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીએ આ દેખાવોને અમેરિકન વિરોધી ગણાવીને ડાબેરી સંગઠનોના ભંડોળને જવાબદાર ઠેરવ્યા છે.
યુરોપના રોમ અને લંડનથી લઈને ઓસ્ટ્રેલિયા સુધીના દેશોમાં પણ 'નો ટાયરન્ટ્સ' અને 'યુદ્ધ રોકો' ના બેનરો સાથે વિશાળ રેલીઓ યોજાઈ રહી છે.
__
પંજાબના લુધિયાણા સહિત ચાર જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહી સાથે હાઈ એલર્ટ: ચંદીગઢમાં હળવા છાંટા પડ્યા
ખરાબ હવામાનને કારણે પંજાબના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત: જલંધરમાં વીજ પુરવઠો ખોરવાતા કલાકો સુધીનો લાંબો પાવર કાપ ઝીંકાયો
ચંદીગઢ: પંજાબ રાજ્યમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો અને સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા પંજાબના લુધિયાણા સહિત ચાર જેટલા જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તેમજ કરા પડવાની ચેતવણી (એલર્ટ) જારી કરવામાં આવી છે. દિવસભર આકાશમાં વાદળો ઘેરાયેલા રહેવાને કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. પાટનગર ચંદીગઢમાં પણ સવારથી જ હળવી બુંદાબાંદી જોવા મળી હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ખરાબ હવામાન અને ભારે આંધીને પગલે પંજાબના અનેક વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને અસર પહોંચી છે. ખાસ કરીને જલંધર શહેરમાં વીજળીના થાંભલાઓ અને વાયરોને નુકસાન થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના પરિણામે જલંધરના સ્થાનિક રહીશોએ સતત ૭ કલાક સુધી લાંબા પાવર કાપનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો વીજળી ગુલ થવાથી પડી રહેલી હાલાકી અંગે પ્રશાસન સમક્ષ રોષ ઠાલવી રહ્યા છે.
____
*પંજાબના બરનાલામાં જેકની મદદથી ઊંચુ કરવામાં આવી રહેલું મકાન અચાનક ધરાશાયી થતા મોટી દુર્ઘટના: કાટમાળ નીચે ૪ લોકો દટાયા: ગાઢ નિંદ્રામાં સૂતેલા ૩ લોકોના કમકમાટીભર્યા મોત, એક વ્યક્તિનો કોઈ પત્તો નથી: યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
પંજાબના બરનાલા જિલ્લામાં એક અત્યંત હ્રદયદ્રાવક અને ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં એક આખું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બરનાલામાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાથી બચવા માટે એક જૂના મકાનને હાઈડ્રોલિક જેકની મદદથી જમીન સ્તરથી ઊંચુ લેવાનું કામ ચાલી રહ્યું હતું. રાત્રિના સમયે જ્યારે પરિવારના સભ્યો મકાનના નીચેના ભાગમાં ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા, ત્યારે અચાનક સંતુલન બગડતા આખું મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું.
આ ભયાનક દુર્ઘટનામાં મકાનના ભારે કાટમાળ નીચે કુલ ૪ લોકો દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જેસીબી મશીનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી ૩ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ ૧ વ્યક્તિ લાપતા હોવાથી તેની સઘન શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
____
* આઈપીએલ સિઝનના રોમાંચક જંગમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો: બંને ટીમો જીત માટે સજ્જ *
* ક્રિકેટ રસિકો માટે આજનો રવિવાર બનશે સુપર સન્ડે: એમઆઈ અને કેકેઆરની સ્ટાર-સ્ટડેડ ટીમો વચ્ચે રમાશે આઈપીએલનો બીજો હાઈ-વોલ્ટેજ મેચ: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થવાની પૂરી સંભાવના*
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની નવી સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ક્રિકેટ ચાહકો પર આઈપીએલનો ફિવર છવાઈ ગયો છે. આજે રવિવારના સુપર સન્ડેમાં આઈપીએલનો બીજો અત્યંત રોમાંચક અને હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાવા જઈ રહ્યો છે.
આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની સિઝનની બીજી મેચ સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે. આ મુકાબલો વાંખેડે સ્ટેડિયમ, મુંબઈ ખાતે રમાશે. ટોસ અડધો કલાક વહેલો એટલે કે સાત વાગ્યા આસપાસ બહાર આવશે.
આ મેચમાં લીગની સૌથી સફળ અને લોકપ્રિય ટીમો પૈકીની એક એવી મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) અને શાહરૂખ ખાનની માલિકીની કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) એકબીજા સામે મેદાનમાં ઉતરશે.
ડિજિટલ પ્લેટફોર્મ એક્સ અને અન્ય સ્પોર્ટ્સ વેબસાઈટ્સ પર ક્રિકેટ પંડિતો અને ચાહકો આ મેચને લઈને ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
બંને ટીમોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ધુરંધર બેટ્સમેનો અને ઘાતક બોલરોનો સમાવેશ થતો હોવાથી, આજની મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થવાની પૂરી સંભાવના છે. મુંબઈ અને કોલકાતા બંને ટીમો પોતાની પ્રથમ જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવવા માટે એડીચોટીનું જોર લગાવશે. ચાહકો હવે આતુરતાપૂર્વક ટોસ ઉછળવાની રાહ જોઈ રહ્યા છે.
___
*પંજાબના બહુચર્ચિત ભેણી સાહિબ ગાદી વિવાદમાં સીબીઆઈ કોર્ટની લાલ આંખ: માતા ચંદ કૌર હત્યા કેસમાં આરોપી ઠાકુર દિલીપ સિંહને ભગોડો જાહેર કરવાની નોટિસ *
* સીબીઆઈ કોર્ટે ઠાકુર દિલીપને ૮ એપ્રિલ સુધીનો આખરી સમય આપ્યો: જાણો શું છે વર્ષો જૂનો નામધારી શીખ સંપ્રદાયનો ભેણી સાહિબ ગાદી વિવાદ *
ચંદીગઢ: પંજાબના બહુચર્ચિત માતા ચંદ કૌર હત્યા કેસ અને ભેણી સાહિબ ગાદી વિવાદ મામલે સીબીઆઈ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. કોર્ટે આ સનસનીખેજ મર્ડર કેસના મુખ્ય આરોપી ઠાકુર દિલીપ સિંહને ભગોડો જાહેર કરવાની ઔપચારિક નોટિસ ફટકારી છે. સીબીઆઈ અદાલતે સ્પષ્ટ ચેતવણી આપતા ઠાકુર દિલીપને ૮ એપ્રિલ સુધીમાં કોર્ટ સમક્ષ હાજર થવાનો આખરી સમય આપ્યો છે, નહીંતર તેમની સંપત્તિ જપ્ત કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
શું છે ભેણી સાહિબ ગાદી વિવાદ ?: પંજાબમાં આવેલા નામધારી શીખ સંપ્રદાયના મુખ્ય મથક 'ભેણી સાહિબ' ની ગાદીના ઉત્તરાધિકારને લઈને વર્ષોથી કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો છે. પૂર્વ વડા સતગુરુ જગજીત સિંહના નિધન બાદ, સંપ્રદાયની કમાન કોણ સંભાળશે તે મુદ્દે બે જૂથો પડી ગયા હતા. એક જૂથ ઠાકુર ઉદય સિંહને સમર્થન આપતું હતું, જ્યારે બીજા જૂથે તેમના ભત્રીજા ઠાકુર દિલીપ સિંહને ગાદીના સાચા વારસદાર માન્યા હતા. આ સત્તા સંઘર્ષ એટલો વણસ્યો કે વર્ષ ૨૦૧૬માં સતગુરુ જગજીત સિંહના પત્ની માતા ચંદ કૌરની ધોળા દિવસે ગોળી મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં ઠાકુર દિલીપ સિંહની સંડોવણી હોવાના આક્ષેપો થયા છે.
___
* પાકિસ્તાનના એક સમયના અત્યંત શક્તિશાળી મનાતા, લાંબો સમય સુધી પાકિસ્તાની લશ્કરનું સુકાન સંભાળનાર પૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ ઇસ્લામા બાદની હોસ્પિટલમાં એક મહિનાની લાંબી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા: બાથરૂમમાં લપસી પડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી *
કરાચી: પાકિસ્તાનના શક્તિશાળી સૈન્ય માળખાના પૂર્વ વડા અને રાજકીય સમીકરણો પર ઊંડી પકડ ધરાવતા જનરલ કમર જાવેદ બાજવાનું દુઃખદ નિધન થયું છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલો અને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રસિદ્ધ થયેલા સત્તાવાર અહેવાલો અનુસાર, જનરલ બાજવા એક મહિના અગાઉ તેમના નિવાસસ્થાને બાથરૂમમાં અચાનક લપસી પડ્યા હતા. આ દુર્ઘટનામાં તેમના માથાના ભાગે ખૂબ જ ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી.
ઈજાઓને પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં છેલ્લા એક મહિનાથી નિષ્ણાત તબીબોની ટીમ તેમની સઘન સારવાર કરી રહી હતી. જોકે, સારવાર કારગત ન નીવડતા આખરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
જનરલ બાજવાએ પાકિસ્તાન આર્મી ચીફ તરીકે લાંબો સમય સેવા આપી હતી અને તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનના આંતરિક રાજકારણ તેમજ ભારત-પાકિસ્તાન સંબંધોમાં અનેક ચઢાવ-ઉતાર જોવા મળ્યા હતા. તેમના નિધનના સમાચાર વહેતા થતા જ પાકિસ્તાનની સેના, રાજકીય પક્ષો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
