News of Sunday, 29th March 2026
સિંહસ્થ કુંભ 2028 માટે ઉજ્જૈન સજ્જ: શિપ્રાના ઘાટ પર 800 'આપત્તિ મિત્રો' તૈનાત, પૂર અને આગ જેવી કટોકટી સામે લડવા અપાઈ રહી છે કમાન્ડો ટ્રેનિંગ
ભારત સરકારના ગૃહ મંત્રાલય અને NDRF ના માર્ગદર્શન હેઠળ શિપ્રા નદીના રામઘાટ પર યુવાનોને બોટ હેન્ડલિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવ્યા: મહાકાલની નગરીમાં કરોડો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અત્યારથી જ લોખંડી આયોજન

ઉજ્જૈન:બાબા મહાકાલની પવિત્ર નગરી ઉજ્જૈનમાં આગામી સિંહસ્થ કુંભ મેળા 2028 ને નિર્વિઘ્ન અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે અત્યારથી જ યુદ્ધના ધોરણે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. શિપ્રા નદીના તટ પર લાખોની સંખ્યામાં ઉમટનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'આપત્તિ મિત્ર' યોજના હેઠળ 800 જેટલા સ્થાનિક યુવાનોની ફોજ તૈયાર કરવામાં આવી રહી છે. હોમગાર્ડ લાઇન ખાતે આયોજિત વિશેષ તાલીમ શિબિરમાં આ યુવાનોને માત્ર ભીડ નિયંત્રણ જ નહીં, પરંતુ પૂર જેવી કુદરતી આપત્તિઓ અને અચાનક લાગતી આગ જેવી દુર્ઘટનાઓ સામે લડવા માટે સજ્જ કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ના સીધા દેખરેખ હેઠળ આ તાલીમ સત્ર ચાલી રહ્યું છે.
શિપ્રા નદીના પ્રખ્યાત રામઘાટ પર તાજેતરમાં SDRF ની ટીમ અને પ્લાટૂન કમાન્ડરો દ્વારા એક વ્યાપક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપત્તિ મિત્રોને પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં બોટ કઈ રીતે ઓપરેટ કરવી અને ડૂબતા લોકોને બચાવવા માટેની ટેકનિકલ કુશળતા શીખવવામાં આવી હતી. જિલ્લા કમાન્ડર સંતોષ કુમાર જાટના જણાવ્યા અનુસાર, આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ કટોકટીના સમયે તાત્કાલિક પ્રતિસાદ (First Response) આપવાનો છે. આ યુવાનોને અગ્નિશામક સાધનોના ઉપયોગથી લઈને આગ પર કાબૂ મેળવવા સુધીની તમામ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેથી મેળા દરમિયાન જાન-માલનું નુકસાન અટકાવી શકાય.
સિંહસ્થ 2028 દરમિયાન ઘાટ સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન સૌથી મોટો પડકાર હોય છે, જેને પહોંચી વળવા માટે આ 800 તાલીમબદ્ધ યુવાનો મુખ્ય સુરક્ષા દળોની સાથે ખભેખભા મિલાવીને કામ કરશે. ઉજ્જૈન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ આધુનિક તૈયારીઓ દર્શાવે છે કે આ વખતે સિંહસ્થ કુંભમાં સુરક્ષાના માપદંડો વૈશ્વિક કક્ષાના રાખવામાં આવશે. અત્યાર સુધીમાં 165 થી વધુ યુવાનોએ તેમનું પ્રથમ તબક્કાનું તાલીમ સત્ર પૂર્ણ કર્યું છે અને આગામી સમયમાં બાકીના સ્વયંસેવકોને પણ આ કઠિન તાલીમમાંથી પસાર કરવામાં આવશે. આ લોખંડી આયોજનનો હેતુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્નાન અને સુવ્યવસ્થિત દર્શનનો અનુભવ કરાવવાનો છે.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
