<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

બેંગલુરુ-વારાણસી ફ્લાઈટમાં હવામાં ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કરનાર શખ્સની ધરપકડ : ‘મારામાં ભૂત ભરાયું હતું’ કહીને આરોપીએ પોલીસને ચોંકાવ્યા

લેન્ડિંગના ગણતરીના સમય પહેલા જ મોહમ્મદ અદનાન નામના મુસાફરે બે વાર દરવાજો ખોલવા મથામણ કરતા વિમાનમાં ચીસાચીસ અને ગભરાટ : પાયલોટે સમયસૂચકતા વાપરી લેન્ડિંગ એબોર્ટ કરીને મુસાફરોને સુરક્ષિત બચાવ્યા

વારાણસી:બેંગલુરુથી વારાણસી જતી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-185 માં શનિવારે એક મુસાફરની વિચિત્ર અને જોખમી હરકતને કારણે હવામાં અફરાતફરી મચી ગઈ હતી. ઉત્તર પ્રદેશના મઉના રહેવાસી મોહમ્મદ અદનાન નામના મુસાફરે ઉડતા વિમાનમાં બે વાર ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે વિમાનમાં સવાર અન્ય મુસાફરોમાં જીવ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ પાયલોટ અને કેબિન ક્રૂની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી.

લેન્ડિંગના થોડી મિનિટો પહેલા જ આત્મઘાતી પ્રયાસ:
મોહમ્મદ અદનાને સૌપ્રથમ વિમાન ટેક-ઓફ થયાની થોડી જ વારમાં દરવાજો ખોલવાની ચેષ્ટા કરી હતી. તે સમયે કેબિન ક્રૂએ તેને અટકાવ્યો હતો અને તેણે ભૂલથી આવું થયું હોવાનું કહી માફી માંગી હતી. જોકે, જ્યારે વિમાન વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણની તૈયારીમાં હતું અને જમીનથી માત્ર ૫૦૦ ફૂટની ઊંચાઈ પર હતું, ત્યારે અદનાને ફરીથી ઈમરજન્સી ગેટ તરફ દોડી જઈ તેને ખોલવા માટે મથામણ કરી હતી. ક્રૂ મેમ્બર્સે તાત્કાલિક પાયલોટને જાણ કરતા પાયલોટે લેન્ડિંગ કેન્સલ કરી 'ગો-એરાઉન્ડ' (ફરી હવામાં ઉડાવવું) કર્યું હતું અને થોડી મિનિટો બાદ વિમાનને સુરક્ષિત નીચે ઉતાર્યું હતું.

‘મારામાં ભૂત હતું’ એવું કહીને બચાવ કર્યો:
વિમાનના લેન્ડિંગ બાદ એરલાઇન સિક્યોરિટી અને સીઆઈએસએફ (CISF) દ્વારા મુસાફરને અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને બાદમાં પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતે શું કર્યું તેની જાણ ન હોવાનું રટણ કર્યું હતું. ત્યારબાદ તેણે પોલીસ સમક્ષ એવો અજીબોગરીબ દાવો કર્યો હતો કે તેનામાં ‘ભૂત’ ભરાયું હતું અને તેને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું.

પોલીસ તપાસ અને પરિવારને જાણ:
વારાણસી પોલીસે આ ગંભીર બેદરકારી બદલ મોહમ્મદ અદનાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના પરિવારને પણ જાણ કરવામાં આવી છે અને તેઓ વારાણસી આવવા રવાના થયા છે. મુસાફરોએ આ ભયાનક અનુભવ બાદ ક્રૂ મેમ્બર્સની પ્રશંસા કરી હતી જેમણે સમયસર દરમિયાનગીરી કરીને સેંકડો લોકોના જીવ બચાવ્યા હતા. હાલ પોલીસ આ શખ્સની માનસિક સ્થિતિની પણ તપાસ કરી રહી છે.

(6:27 PM IST)