<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

અફઘાનિસ્તાનમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ: આભ ફાટતા ચારેકોર તબાહી : પૂરમાં 17 જિંદગીઓ હોમાઈ!

ભારે વરસાદ, ભૂસ્ખલન અને વિનાશક વાવાઝોડાએ 13 પ્રાંતોમાં મચાવ્યો હાહાકાર : સેંકડો મકાનો જમીનદોસ્ત, ખેતીલાયક જમીન અને રસ્તાઓ ધોવાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત : મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ.

કાબુલ:  અફઘાનિસ્તાન અત્યારે કુદરતના બેવડા પ્રહારનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ફાટી નીકળેલા મુશળધાર વરસાદ અને અચાનક આવેલા પૂરે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ પ્રાંતોમાં સ્મશાન જેવી શાંતિ પ્રસરાવી દીધી છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર, આ હોનારતમાં અત્યાર સુધીમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 26થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માટીના બનેલા કાચા મકાનો પૂરના પ્રચંડ પ્રવાહ સામે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા છે, જેમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો અને આશરો બંને ગુમાવ્યા છે.

માત્ર માનવ જિંદગી જ નહીં, પણ દેશના અર્થતંત્રની કમર સમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ આ પૂર ગળી ગયું છે. અહેવાલો મુજબ, આશરે 80 કિલોમીટર જેટલા લાંબા રસ્તાઓ પૂરમાં ધોવાઈ ગયા છે, જેના કારણે દૂરના વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે અને રાહત કામગીરીમાં અવરોધ ઊભો થયો છે. 147થી વધુ ઘરો સંપૂર્ણ કે આંશિક રીતે નાશ પામ્યા છે, જ્યારે હજારો એકર ખેતીલાયક જમીન અને સિંચાઈની નહેરોમાં કાંપ ભરાઈ જતાં ખેડૂતો પાયમાલ થયા છે. દાયકાઓના સંઘર્ષ અને નબળી આર્થિક સ્થિતિ વચ્ચે આ કુદરતી આફતે અફઘાનિસ્તાનની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો કરી દીધો છે.

નિષ્ણાતો આ વિનાશને ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન  સાથે જોડી રહ્યા છે. અફઘાનિસ્તાન ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ હોવાથી અહીં હિમવર્ષા બાદ તરત જ આવતો વરસાદ અચાનક પૂરની સ્થિતિ સર્જે છે. વનનાબૂદી અને નબળા બાંધકામોને કારણે સામાન્ય વરસાદ પણ અહીં મોટી જાનહાનિનું કારણ બને છે. 2024માં જ વસંતઋતુના પૂરે 300થી વધુ લોકોનો ભોગ લીધો હતો, અને અત્યારની સ્થિતિ જોતા ભવિષ્યમાં પણ આવી આફતો સામે લડવા માટે અફઘાનિસ્તાન પાસે પૂરતા સંસાધનોનો અભાવ વર્તાઈ રહ્યો છે.

(6:43 PM IST)