<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ઇંધણ કટોકટીમાં ભારતનો 'માસ્ટરસ્ટ્રોક': 6,000 જાગૃત નાગરિકોએ સ્વેચ્છાએ છોડ્યા ગેસ સિલિન્ડર!

પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય : માર્ચ મહિનામાં જ 2.9 લાખ નવા PNG કનેક્શન આપીને રચ્યો રેકોર્ડ : પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ₹10નો જંગી ઘટાડો અને કાળાબજારિયાઓ પર સરકારની લાલ આંખ

નવી દિલ્હી:  પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારત સરકારે દેશની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આક્રમક અભિગમ અપનાવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ નીરજ મિત્તલે ખુલાસો કર્યો છે કે માત્ર માર્ચ મહિનામાં જ 2.9 લાખથી વધુ નવા PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) કનેક્શન જારી કરવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી અને પ્રશંસનીય બાબત એ છે કે, 6,000 થી વધુ જાગૃત નાગરિકોએ 'DoGood' અભિયાન હેઠળ સ્વેચ્છાએ તેમના LPG કનેક્શન સરેન્ડર કર્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે જે વિસ્તારોમાં હજુ પાઇપલાઇન પહોંચી નથી, ત્યાં જરૂરિયાતમંદ પરિવારોને સરળતાથી રાંધણ ગેસના સિલિન્ડર મળી રહે.

કાળાબજાર પર સર્જિકલ સ્ટ્રાઈક અને ભાવમાં રાહત: દેશમાં ઇંધણની અછતની અફવાઓને ડામવા માટે સરકારે કડક પગલાં લીધાં છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹10 નો મોટો ઘટાડો કરીને જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત આપી છે. તે જ સમયે, ગેસ સિલિન્ડરની કાળાબજાર રોકવા માટે દેશભરમાં 2,900 થી વધુ સ્થળોએ ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 1,000 થી વધુ ગેરકાયદેસર સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશની તમામ રિફાઇનરીઓ અત્યારે 100% ક્ષમતા સાથે કામ કરી રહી છે અને દરરોજ 55 લાખથી વધુ સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી રહી છે, તેથી નાગરિકોએ ગભરાઈને સંગ્રહખોરી કરવાની જરૂર નથી.

 પશ્ચિમ એશિયાના અશાંત વાતાવરણમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે ભારત સરકાર 24/7 કાર્યરત છે. અત્યાર સુધીમાં આશરે 5.24 લાખ ભારતીયો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે. વિદેશમાં આવેલા ભારતીય દૂતાવાસો પ્રત્યેક નાગરિકને વિઝા, મુસાફરી અને રહેવા-જમવાની પૂરતી સહાય પૂરી પાડી રહ્યા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર માત્ર ઊર્જા ક્ષેત્રે જ નહીં, પણ માનવીય સુરક્ષાના મોરચે પણ મજબૂતીથી લડી રહી છે. રિફાઇનરીઓ અને પેટ્રોલ પંપો પર પૂરતો સ્ટોક હોવાથી જનતાને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા અને સરકારની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

(7:01 PM IST)