હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિમાચલ,જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે બરફવર્ષા: ઝોજી લા પાસ પર હિમપ્રપાતના કારણે એક બાળક સહિત 7 લોકોના મોત:હજારો ફસાયા
અટલ ટનલ પાસે અચાનક થયેલી બરફવર્ષાને કારણે અંદાજે 1,000 થી વધુ વાહનો ફસાઈ ગયા:સુરક્ષાના કારણોસર શ્રીનગર-લેહ નેશનલ હાઈવે હાલમાં બંધ

ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હાલ કુદરતની સફેદ આફતે કહેર વર્તાવ્યો છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે બરફવર્ષાને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સૌથી ભયાનક દ્રશ્યો ઝોજી લા પાસ પર જોવા મળ્યા છે, જ્યાં ભયાનક હિમપ્રપાતને કારણે એક માસૂમ બાળક સહિત કુલ 7 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
મનાલીની પ્રખ્યાત અટલ ટનલ પાસે અચાનક થયેલી બરફવર્ષાને કારણે અંદાજે 1,000 થી વધુ વાહનો ફસાઈ ગયા છે. માઈનસ ડિગ્રી તાપમાનમાં પ્રવાસીઓ રસ્તા પર અટવાયા છે. તેવી જ રીતે કુલ્લુના જાલોરી પાસ પર પણ 50 જેટલા પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર છે, જેમાંથી પોલીસે 24 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. સેના અને સ્થાનિક પોલીસ જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.
હિમપ્રપાતનો કહેર એટલો પ્રચંડ હતો કે બરફના તોતિંગ કાટમાળ નીચે અનેક વાહનો દબાઈ ગયા છે. સુરક્ષાના કારણોસર શ્રીનગર-લેહ નેશનલ હાઈવે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન) અને SDRF ની ટીમો ભારે મશીનરીની મદદથી રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી કરી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 31 માર્ચ સુધી ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. ખાસ કરીને 30 માર્ચના રોજ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તંત્ર દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિકોને પહાડી વિસ્તારોમાં મુસાફરી ટાળવા અને સાવચેત રહેવા સખત અપીલ કરવામાં આવી છે. ગુલમર્ગ અને પહેલગામમાં પણ તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
