હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિટકોઈનથી દાન હવે 'બેન': બ્રિટન બાદ કેનેડાએ પણ ચૂંટણીમાં ક્રિપ્ટોકરન્સી પર માર્યો સપાટો!
ચૂંટણી ભંડોળમાં અનામી નાણાં અને વિદેશી શક્તિઓના હસ્તક્ષેપને રોકવા જસ્ટિન ટ્રુડો સરકારનો મોટો નિર્ણય : બિલ C-25 દ્વારા બિટકોઈન, મની ઓર્ડર અને પ્રીપેડ કાર્ડ્સ પર પ્રતિબંધ : લોકશાહીને 'ડિજિટલ જોખમો'થી બચાવવા માટેની મોટી કવાયત

ઓટાવા:વિશ્વભરમાં જ્યારે ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે કેનેડાએ પોતાની ચૂંટણી પ્રક્રિયાને શુદ્ધ કરવા માટે બિટકોઈન જેવી ડિજિટલ અસ્કયામતોને લાલ ઝંડી બતાવી દીધી છે. બ્રિટનના પગલે ચાલીને કેનેડાની સંસદમાં રજૂ કરાયેલું 'બિલ C-25' (સ્ટ્રોંગર એન્ડ ફ્રી ઈલેક્શન એક્ટ) રાજકીય પક્ષો માટે ક્રિપ્ટો દાન સ્વીકારવાના રસ્તા બંધ કરી દેશે. ક્રિપ્ટોકરન્સીની સૌથી મોટી ખામી તેના વ્યવહારોની ગોપનીયતા છે, જેનો ઉપયોગ વિદેશી એજન્સીઓ કે અજ્ઞાત સ્ત્રોતો ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કરી શકે છે. હવેથી કેનેડામાં કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર ડિજિટલ વોલેટ દ્વારા ફંડ ઉઘરાવી શકશે નહીં, જેનાથી ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના પ્રવેશ પર લગામ લાગશે.
રસપ્રદ વાત એ છે કે, કેનેડામાં 2019 થી ક્રિપ્ટો દાનને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવી હતી. તે સમયે નિયમ હતો કે $200 થી વધુનું દાન આપનારની ઓળખ જાહેર કરવી પડશે અને તેને કેનેડિયન ડોલરમાં રૂપાંતરિત કરવું પડશે. જોકે, ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે ચૂંટણી અધિકારીઓને સમજાયું કે બ્લોકચેન ટેકનોલોજીમાં દાતાના મૂળ સ્ત્રોતને ટ્રેસ કરવો સૈદ્ધાંતિક રીતે અત્યંત જટિલ છે. નવેમ્બર 2024 ના અહેવાલ મુજબ, આ વ્યવહારોમાં પારદર્શિતા લાવવી અશક્ય જણાતી હતી. આથી, અગાઉના નિયમોમાં સુધારો કરવાને બદલે સરકારે આખી સિસ્ટમ જ નાબૂદ કરવાનો અને ક્રિપ્ટોકરન્સીને ચૂંટણી પ્રચારથી સંપૂર્ણપણે દૂર રાખવાનો મક્કમ નિર્ણય લીધો છે.
કેનેડાના આ પગલાએ વૈશ્વિક સ્તરે એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. બ્રિટન અને કેનેડા માને છે કે જો ચૂંટણીમાં 'ડિજિટલ એસેટ્સ' ને છૂટ આપવામાં આવે, તો તે લોકશાહીના પાયાને નબળા પાડી શકે છે. મોનેરો જેવા ગુપ્ત સિક્કાઓ તો પહેલેથી જ પ્રતિબંધિત હતા, પરંતુ હવે બિટકોઈન જેવા જાહેર સિક્કાઓ પર પણ પ્રતિબંધ મુકાતા રાજકીય ભંડોળ સંપૂર્ણપણે બેંકિંગ ચેનલો અને ટ્રેસેબલ ફિયાટ કરન્સી પર નિર્ભર રહેશે. આ નિર્ણય માત્ર કેનેડા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વિશ્વના અન્ય લોકશાહી દેશો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે કે ટેકનોલોજી ગમે તેટલી આધુનિક હોય, ચૂંટણીની પવિત્રતા અને પારદર્શિતા જળવાવી સૌથી વધુ અનિવાર્ય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
