ઈરાન યુદ્ધનો 'આર્થિક એટમ બોમ્બ': ભારતને ₹21 લાખ કરોડનો ફટકો : પ્રખ્યાત અર્થશાસ્ત્રી વિજય સરદાનાનો સનસનીખેજ દાવો;
મોંઘા ક્રૂડ અને નબળા રૂપિયાએ દેશની કમર તોડી નાખી: હોર્મુઝમાં સર્જાયેલી અસ્થિરતાથી સામાન્ય માણસના ખિસ્સા પર ઝીંકાયો મોંઘવારીનો ડામ

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ હવે માત્ર સરહદી સંઘર્ષ નથી રહ્યું, પણ તે ભારતના નાણાકીય પાયાને હચમચાવી રહ્યું છે. જાણીતા અર્થશાસ્ત્રી વિજય સરદાનાએ ચેતવણી આપી છે કે આ વૈશ્વિક કટોકટી ભારતને વાર્ષિક અંદાજે ₹21 લાખ કરોડનું અધધ નુકસાન કરાવી શકે છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરે છે, અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધતા દેશ પર અંદાજે ₹2 લાખ કરોડનો વધારાનો બોજ પહેલેથી જ આવી ગયો છે. આ આર્થિક સુનામીની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ અને ત્યારબાદ જીવનજરૂરી ચીજવસ્તુઓના ફુગાવા પર જોવા મળી રહી છે.
વિજય સરદાનાના મતે, માત્ર તેલ જ નહીં પણ ડોલર સામે રૂપિયાનું નબળું પડવું એ ભારત માટે 'કોઢમાં ખાજ' સમાન સાબિત થયું છે. નબળા રૂપિયાને કારણે આયાત મોંઘી થઈ છે, જેનાથી દેશને વધુ ₹1 લાખ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. સૌથી ચોંકાવનારો દાવો એ છે કે આ સમગ્ર કટોકટી પાછળ અમેરિકાની નીતિઓ જવાબદાર હોઈ શકે છે. તેમણે દલીલ કરી હતી કે જ્યારે શક્તિશાળી દેશો પોતાના હિત માટે યુદ્ધ રચે છે, ત્યારે તેનો આર્થિક બોજ ભારત જેવા વિકાસશીલ દેશો પર પડે છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ન્યાયની અપેક્ષા રાખવી અશક્ય છે, કારણ કે જેની પાસે શક્તિ છે તે જ પોતાની શરતો લાદે છે.
હોર્મુઝની ખાડી, જ્યાંથી વિશ્વનો મોટો તેલ પુરવઠો પસાર થાય છે, ત્યાં જરા પણ અસ્થિરતા ભારત માટે જોખમની ઘંટડી સમાન છે. આ કટોકટીએ ભારતને એક કડવો પાઠ ભણાવ્યો છે કે હવે ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા એ વિકલ્પ નહીં પણ અનિવાર્યતા છે. ઇથેનોલ મિશ્રણ, સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવા વૈકલ્પિક સ્ત્રોતો પર ઝડપથી કામ કરવું પડશે જેથી ભવિષ્યમાં પશ્ચિમી દેશોના યુદ્ધોની અસર ભારતના સામાન્ય માણસના ખિસ્સા પર ન પડે. જો અત્યારે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો વધતો જતો ઔદ્યોગિક ખર્ચ અને મોંઘવારી દેશના વિકાસ દરને ધીમો પાડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
