હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માત્ર ૫ પૈસા માટે દિલ્હીના બસ કંડક્ટરે ૪૦ વર્ષ સુધી કાનૂની જંગ લડ્યો : સત્ય સાબિત કરવા જીવનના કિંમતી વર્ષો કોર્ટના ચક્કરમાં હોમાયા
૧૯૭૩માં ૧૦ પૈસાની ટિકિટના ૧૫ પૈસા લેવાના આરોપમાં ડીટીસીએ નોકરીમાંથી કાઢી મુકતા રણવીર સિંઘે આબરૂ બચાવવા લડત આપી: પક્ષકારોએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો અને અંતે દાયકાઓ બાદ ૩૦,૦૦૦ના વળતર સાથે ન્યાય મળ્યો

નવી દિલ્હી:દિલ્હી પરિવહન નિગમ (DTC) ના એક પૂર્વ બસ કંડક્ટરની સંઘર્ષગાથા અત્યારે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે, જે ન્યાય વ્યવસ્થાની ધીમી ગતિ અને વહીવટી જડતા સામે અનેક સવાલો ઉભા કરે છે. રણવીર સિંઘ યાદવ નામના કંડક્ટર પર માત્ર ૫ પૈસાની હેરાફેરીનો આરોપ લગાવીને તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ ૫ પૈસા પાછળ પોતાની પ્રમાણિકતા સાબિત કરવા માટે રણવીરે પૂરા ૪૦ વર્ષ સુધી કાનૂની લડાઈ લડી હતી, જેમાં તેમણે પોતાના જીવનની મોટી મૂડી અને સમય ખર્ચી નાખ્યો હતો.
૫ પૈસાનો વિવાદ અને નોકરીની બરતરફી
આ સમગ્ર મામલો વર્ષ ૧૯૭૩નો છે. રણવીર સિંઘ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમની પર આરોપ હતો કે તેમણે એક મહિલા મુસાફર પાસેથી ૧૦ પૈસાની ટિકિટના બદલે ૧૫ પૈસા લીધા હતા અને ઉપરના ૫ પૈસા પોતાની પાસે રાખી લીધા હતા. આ મામૂલી રકમના આરોપસર વિભાગીય તપાસ બેસાડવામાં આવી અને થોડા વર્ષો બાદ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. પોતાની ઇજ્જત પર લાગેલા આ ડાઘને ભૂંસવા માટે રણવીરે લેબર કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
ન્યાય માટે લાખોનો ખર્ચ અને માનસિક યાતના
આ કાનૂની લડાઈ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી હતી કે માત્ર ૫ પૈસાની વસૂલાત માટે ડીટીસીએ અંદાજે ૪૭,૦૦૦ રૂપિયાનો કાનૂની ખર્ચ કર્યો હતો. બીજી તરફ, રણવીર સિંઘે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે અંદાજે ૪ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. રણવીરે અનેકવાર મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આ લડાઈ માત્ર પૈસાની નહીં પણ આબરૂની હતી. તેમના પોતાના બાળકો પણ તેમને પૂછતા હતા કે શું તેમણે ખરેખર કોઈના પૈસા લીધા હતા? આ સવાલ તેમના માટે અત્યંત પીડાજનક હતો.
૪૦ વર્ષ બાદ મળ્યો ન્યાય
૧૯૯૦માં લેબર કોર્ટે તેમની બરતરફીને ખોટી ઠેરવી હતી, પરંતુ ડીટીસીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો, જેના કારણે કેસ વધુ લંબાયો હતો. અંતે દાયકાઓ બાદ કોર્ટે રણવીર સિંઘની તરફેણમાં ચુકાદો આપતા ડીટીસીને આદેશ આપ્યો કે તેમને ૩૦,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. આ સાથે જ ગ્રેચ્યુટી અને બાકીની લેણી રકમ પણ આપવાનો આદેશ થયો છે. અત્યારે સોશિયલ મીડિયા પર લોકો આ કિસ્સાને ન્યાયતંત્રની ખામી અને સંસાધનોના બગાડના ઉદાહરણ તરીકે જોઈ રહ્યા છે. એક નાનકડા વિવાદને ઉકેલવામાં આખી જિંદગી નીકળી ગઈ તે બાબતે લોકોમાં ભારે સહાનુભૂતિ જોવા મળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
