<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

અમરોહામાં લગ્ન પ્રસંગ રણમેદાનમાં ફેરવાયો : બિરયાનીમાં 'લેગ પીસ' ન મળતા જાનૈયાઓ અને સ્થાનિકો વચ્ચે જામી મોટી ગેંગવોર : જૂઓ વિડીયો

ઉત્તર પ્રદેશના હસનપુર વિસ્તારમાં ભોજન સમારંભ વખતે શરૂ થયેલી સામાન્ય બોલાચાલીમાં ખુરશીઓ અને પાણીની બોટલો ઉડી : લગ્ન મંડપમાં અફરાતફરી મચી જતાં પોલીસ બોલાવવી પડી : સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

અમરોહા:ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં એક લગ્ન સમારોહમાં ભોજનના મુદ્દે થયેલો વિવાદ એટલી હદે વકર્યો કે ખુશીનો માહોલ ગણતરીની મિનિટોમાં જ ડર અને ચીખ-પુકારમાં ફેરવાઈ ગયો હતો. હસનપુર વિસ્તારના એક બેન્ક્વેટ હોલમાં આયોજિત લગ્ન પ્રસંગમાં બિરયાનીમાં 'લેગ પીસ' ન મળવા જેવી સામાન્ય બાબતે જાનૈયાઓ અને સ્થાનિક લોકો સામસામે આવી ગયા હતા. આ મામૂલી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લગ્ન સ્થળ જંગના મેદાનમાં ફેરવાઈ ગયું હતું.
ભોજનની પ્લેટમાંથી શરૂ થયો હોબાળો
મળતી માહિતી મુજબ, હૈબતપુર બંજારેથી આવેલી જાન હસનપુરના એક હોલમાં રોકાઈ હતી. શરૂઆતમાં બધું જ સામાન્ય હતું, મહેમાનો નાચ-ગાન બાદ ભોજનનો આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન એક જાનૈયાની પ્લેટમાં પીરસવામાં આવેલી બિરયાનીમાં લેગ પીસ ન હોવા બાબતે પીરસનાર સાથે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં આ દલીલે ઉગ્ર રૂપ ધારણ કર્યું અને જાનૈયાઓ તેમજ સ્થાનિક લોકો વચ્ચે તીખી નોકઝોક શરૂ થઈ ગઈ, જે અંતે સામસામી મારામારીમાં પરિણમી હતી.
ખુરશીઓ અને બોટલો ઉડી, મંડપમાં અફરાતફરી
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે વિવાદ એટલો વધી ગયો હતો કે લોકોએ એકબીજા પર ખુરશીઓ ઉપાડીને ફેંકવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકોએ પાણીની બોટલોનો પણ હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. સમગ્ર હોલમાં ભાગદોડ મચી ગઈ હતી અને લગ્નનો આનંદ લૂંટવા આવેલા મહેમાનો જીવ બચાવવા આમ-તેમ દોડવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ગુસ્સે ભરાયેલા લોકો એકબીજા પર હુમલો કરી રહ્યા છે.
પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો
હંગામો લાંબો સમય ચાલતા અને સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાયરલ વિડીયોના આધારે તોફાન કરનારા આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને લગ્ન પ્રસંગમાં અડચણ ઉભી કરનારા દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ વિસ્તારમાં આ અજીબોગરીબ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે.

(11:57 PM IST)