હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અખિલેશ યાદવના ભાજપ સરકાર પર આકરા પ્રહાર : 'સાત એરપોર્ટ ખોલ્યા ને છ બંધ થઈ ગયા, શું ઉદ્ઘાટન માત્ર વેચવા માટે જ કરાયા હતા?'
દાદરીની સમાનતા ભાઈચારો રેલીમાં સપા પ્રમુખે ૨૦૨૭ના જંગ માટે ફૂંક્યું રણશિંગું : પીડીએના નામે સામાજિક આંદોલનની હાકલ કરી ખેડૂતોના વળતર, રોજગાર અને બંધારણના મુદ્દે મોદી-યોગી સરકારને આડે હાથ લીધી

દાદરી:ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના ભણકારા અત્યારથી જ વાગવા માંડ્યા છે. ગૌતમબુદ્ધ નગરના દાદરી ખાતે આયોજિત 'સમાજવાદી સમાનતા ભાઈચારો રેલી'માં જનમેદનીને સંબોધતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ૨૦૨૭માં જનતા પરિવર્તન ઈચ્છે છે અને સપા તે માટે સંપૂર્ણ સજ્જ છે. મંચ પરથી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નીતિઓની આકરી ટીકા કરી કાર્યકરોમાં નવો જોમ ભર્યો હતો.
એરપોર્ટ અને રોકાણના દાવાઓ પર કટાક્ષ
રેલી દરમિયાન અખિલેશ યાદવે એરપોર્ટના મુદ્દે સરકારને ઘેરતા જણાવ્યું હતું કે, સાત એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ તેમાંથી છ બંધ થઈ ગયા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે સરકારે એવું વચન આપવું જોઈએ કે આ સંપત્તિઓ વેચવામાં આવશે નહીં, પરંતુ લાગે છે કે ઉદ્ઘાટન જ વેચવા માટે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૫૦ લાખ કરોડના એમઓયુના દાવાઓ સામે સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે આટલા રોકાણ બાદ પણ યુવાનોને રોજગાર મળ્યો નથી. સપાની સરકાર બનશે તો યુવાનોને નવી ટેકનોલોજી મુજબ ટ્રેનિંગ આપી રોજગારીની તકો ઉભી કરવામાં આવશે.
પીડીએ (PDA) અને સામાજિક આંદોલન
અખિલેશ યાદવે પછાત, દલિત અને અલ્પસંખ્યક (PDA) ના સમીકરણ પર ભાર મૂકતા કહ્યું કે આ માત્ર કોઈ ચૂંટણી વ્યૂહરચના નથી પરંતુ એક મોટું સામાજિક આંદોલન છે. જે વર્ગોને અત્યાર સુધી સન્માન અને અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે, તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સપા સંઘર્ષ કરી રહી છે. તેમણે બંધારણની રક્ષા માટે કાર્યકરોને સતર્ક રહેવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જે લોકો ૪૦૦ બેઠકો જીતીને બંધારણ બદલવાની વાત કરતા હતા, તેમને ૨૦૨૪ની ચૂંટણીમાં જનતાએ પાઠ ભણાવ્યો છે.
નોઈડા અને ખેડૂતોના પ્રશ્નો
નોઈડા આવવા અંગેના અંધવિશ્વાસ પર તંજ કસતા તેમણે કહ્યું કે સપાના નેતાઓ સતત જનતાની વચ્ચે રહે છે. દિલ્હી-નોઈડાને જોડતી મેટ્રોનું નિર્માણ પણ સપા સરકારના સમયમાં જ થયું હતું. ખેડૂતોના મુદ્દે તેમણે આરોપ લગાવ્યો હતો કે વિકાસના નામે ખેડૂતોની જમીન લેવામાં આવી પરંતુ તેમને બજાર ભાવ મુજબ વળતર આપવામાં આવ્યું નથી. તેમણે વચન આપ્યું હતું કે જો ૨૦૨૭માં સપાની સરકાર બનશે તો ખેડૂતોને બજારના ભાવે વળતર અપાશે અને લખનઉમાં ગોમતી રિવર ફ્રન્ટ પર ગુર્જર મહાપુરુષની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
