હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માતા-પિતાનું છત્ર ગુમાવ્યા બાદ ભાંગી પડેલા મિઝોરમના વેઈટલિફ્ટરની અદભૂત વાપસી : ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સમાં ગોલ્ડ જીતી ઈતિહાસ રચ્યો
૨૦૧૮માં પિતાનું અકસ્માતમાં અને ૨૦૨૪માં માતાનું કેન્સરથી અવસાન થતા ૧૮ વર્ષીય ઇસાક માલસાવમટલુઆંગા રમત છોડવા માંગતો હતો : કાકા અને કોચના પ્રોત્સાહનથી પીઠની ગંભીર ઈજા છતાં ૨૩૫ કિલો વજન ઊંચકી સુવર્ણ પદક હાંસલ કર્યો

આઈઝોલ:મિઝોરમના યુવા વેઈટલિફ્ટર ઇસાક માલસાવમટલુઆંગાએ અત્યંત નાની ઉંમરે માતા-પિતાને ગુમાવ્યા હોવા છતાં અનેક અવરોધો પાર કરીને 'ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સ ૨૦૨૬'માં ગોલ્ડ મેડલ જીતીને સંઘર્ષ અને મક્કમ મનોબળનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાયપુરમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં ઇસાકે પીઠની ઈજાના અસહ્ય દુખાવો હોવા છતાં સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક મળીને કુલ ૨૩૫ કિલોગ્રામ વજન ઊંચકીને સુવર્ણ સફળતા મેળવી હતી. આ જીત માત્ર એક મેડલ નથી, પરંતુ એક ખેલાડીના જીવનની કરુણતા સામે મેળવેલો વિજય છે.
દુઃખના પહાડ જેવી શરૂઆત
ઇસાકની જિંદગીમાં મુશ્કેલીઓનો દોર વર્ષ ૨૦૧૮માં શરૂ થયો હતો જ્યારે એક માર્ગ અકસ્માતમાં તેના પિતાનું અવસાન થયું. આ એ જ વર્ષ હતું જ્યારે તેણે વેઈટલિફ્ટિંગની શરૂઆત કરી હતી. પિતાના વિરહમાંથી તે માંડ બહાર આવ્યો હતો ત્યાં જ ૨૦૨૪માં તેની માતાનું કેન્સરને કારણે અવસાન થયું. એક પછી એક બે મોટા આઘાતોને કારણે ૧૮ વર્ષીય ઇસાક અંદરથી તૂટી ગયો હતો અને તેણે રમત છોડી દેવાનો પણ નિર્ણય કરી લીધો હતો. જોકે, તેના કાકા અને બાળપણના કોચે તેને સાચવી લીધો અને રમત જ તેનું ભવિષ્ય બદલી શકે છે તેવું સમજાવ્યું હતું.
પીઠની ઈજા અને અદભૂત પ્રદર્શન
ટૂર્નામેન્ટ શરૂ થવાના થોડા દિવસો પહેલા જ ઇસાકને પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. કોચે તેને આરામ કરવાની સલાહ આપી હતી, પરંતુ ઇસાકે મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું. સ્પર્ધા દરમિયાન તેણે પીડાને નજરઅંદાજ કરી અને સ્નેચમાં બીજા ક્રમે રહ્યા બાદ ક્લીન એન્ડ જર્કમાં જોરદાર પુનરાગમન કર્યું હતું. જેવો તેણે ગોલ્ડ મેડલ જીત્યો કે તેના કાકા દોડીને સ્ટેજ પર આવ્યા અને ભત્રીજાને ભેટી પડ્યા હતા. ઇસાકના જણાવ્યા મુજબ, તેના પિતાના અવસાન બાદ તેના કાકા જ દરેક સ્પર્ધામાં તેની સાથે જાય છે અને તેનો સૌથી મોટો ટેકો છે.
સતત પ્રગતિશીલ સફર
ઇસાકનો આ વિજય અકસ્માતે નથી મળ્યો, તેની પાછળ વર્ષોની મહેનત છુપાયેલી છે. ૨૦૨૪માં તેણે યુથ નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ ૨૦૨૫માં જુનિયર સ્પર્ધામાં સિલ્વર અને નેશનલ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો હતો. હાલમાં તે ઇમ્ફાલ સ્થિત ભારતીય રમત પ્રધિકરણ (SAI) ના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે અને સાથે જ પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો છે. ઇસાકની વાર્તા આજે મિઝોરમ જ નહીં પરંતુ દેશના હજારો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
