શું મનુષ્ય ક્યારેય અમર બની શકશે? જાણો શું છે 'નાઈટ્રોજન ટેન્ક'માં મૃતદેહોને સાચવીને ફરી જીવિત કરવાના દાવાનું સત્ય
વિજ્ઞાનની અજીબોગરીબ દુનિયા : ભવિષ્યમાં પુનર્જીવનની આશાએ વિશ્વમાં ૫૦૦થી વધુ લોકોએ પોતાના શરીર 'ક્રાયોનિક્સ' ટેકનોલોજી દ્વારા થીજવી દીધા : -૧૯૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી નાઈટ્રોજનમાં મગજ અને શરીર સુરક્ષિત રાખવા પાછળ કરોડોનો ખર્ચ

નવી દિલ્હી:શું મૃત્યુ પછી ફરીથી જીવિત થવું શક્ય છે? અત્યાર સુધી વિજ્ઞાન પાસે આ પ્રશ્નનો કોઈ સચોટ જવાબ નથી, પરંતુ દુનિયાના કેટલાક લોકો આ અશક્ય લાગતી આશા પર કરોડો રૂપિયાનો દાવ લગાવી રહ્યા છે. ભવિષ્યમાં તબીબી વિજ્ઞાન એટલી પ્રગતિ કરશે કે અત્યારે અસાધ્ય ગણાતી બીમારીઓ કે મૃત્યુનો ઈલાજ શોધી શકાશે, તેવા વિશ્વાસ સાથે લોકો પોતાના શરીર અથવા માત્ર મગજને અત્યંત ઠંડા તાપમાને સંરક્ષિત કરાવી રહ્યા છે. આ જટિલ પ્રક્રિયાને 'ક્રાયોનિક્સ' (Cryonics) તરીકે ઓળખવામાં આવે છે.
મૃત્યુને 'અંત' નહીં પણ 'પોઝ' ગણતા લોકો
ક્રાયોનિક્સ અપનાવનારા લોકો મૃત્યુને જીવનનો અંત નથી માનતા, પરંતુ તેને એક કામચલાઉ થોભો (Pause) ગણાવે છે. તેમનું માનવું છે કે આવનારા સમયમાં નેનો-ટેકનોલોજી અને એડવાન્સ મેડિકલ સાયન્સ એટલું આગળ વધશે કે થીજવી દીધેલા શરીરને ફરીથી સક્રિય કરી શકાશે. જોકે, અનેક વિવેચકો આ પ્રક્રિયાને માત્ર એક ખર્ચાળ અને અવ્યવહારુ સપનું ગણાવે છે. ૨૦૨૬ સુધીમાં વિશ્વભરમાં ૫૦૦થી વધુ લોકો આ પ્રક્રિયા હેઠળ પોતાના શરીર સુરક્ષિત કરી ચૂક્યા છે, જ્યારે હજારો લોકોએ નોંધણી કરાવી છે.
કેવી રીતે શરીરને સુરક્ષિત કરવામાં આવે છે?
આ પ્રક્રિયામાં મૃત્યુના તુરંત બાદ શરીરને -૧૯૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી નાઈટ્રોજનમાં રાખવામાં આવે છે. સૌથી પહેલા શરીરમાંથી લોહી કાઢીને તેની જગ્યાએ ખાસ પ્રકારના કેમિકલ્સ (ક્રાયો-પ્રોટેક્ટન્ટ) નાખવામાં આવે છે, જેથી કોષોમાં બરફ ન જામે અને શરીર 'વિટ્રિફિકેશન' એટલે કે કાચ જેવી અવસ્થામાં સચવાઈ રહે. અમેરિકાના એરિઝોનામાં આવેલી 'અલકોર લાઈફ એક્સટેન્શન ફાઉન્ડેશન' અને મિશિગનનું 'ક્રાયોનિક્સ ઇન્સ્ટિટ્યૂટ' આ ક્ષેત્રમાં મુખ્યત્વે કામ કરી રહ્યા છે.
માત્ર મગજ સાચવવાનો પણ વિકલ્પ અને ખર્ચ
ઘણા લોકો આખા શરીરને બદલે માત્ર મગજને સંરક્ષિત કરવાનું પસંદ કરે છે, જેને 'ન્યુરો-પ્રિઝર્વેશન' કહેવાય છે. એવું મનાય છે કે માણસની યાદો, વિચાર અને ઓળખ મગજમાં જ હોય છે. આ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ છે. આખા શરીરને સુરક્ષિત રાખવા માટે ૧.૫ થી ૨ કરોડ રૂપિયા અને માત્ર મગજ માટે ૬૦ થી ૭૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. લોકો આ માટે મોટેભાગે લાઈફ ઈન્સ્યોરન્સનો સહારો લે છે.
૧૯૬૭થી શરૂ થયેલી સફર અને પડકારો
ક્રાયોનિક્સ કોઈ નવી ટેકનોલોજી નથી. ૧૯૬૭માં જેમ્સ બેડફોર્ડ નામના વ્યક્તિ પ્રથમવાર આ રીતે સંરક્ષિત કરવામાં આવ્યા હતા, જેનો મૃતદેહ આજે પણ અમેરિકામાં સુરક્ષિત છે. વૈજ્ઞાનિકો સામે સૌથી મોટો પડકાર કોષો અને પેશીઓને નુકસાનથી બચાવવાનો છે. અત્યાર સુધી દુનિયામાં કોઈપણ સંરક્ષિત વ્યક્તિને ફરીથી જીવિત કરી શકાઈ નથી, છતાં સ્ટેમ સેલ અને નેનો-રોબોટ્સ જેવી આધુનિક ટેકનોલોજી ભવિષ્યમાં નવો માર્ગ ખોલશે તેવી આશા સેવવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
