<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

૧ એપ્રિલથી નવા નાણાકીય વર્ષનો પ્રારંભ : એટીએમ મર્યાદા, રેલવે ટિકિટ રિફંડ અને ટેક્સના નિયમોમાં મોટા ફેરફારો લાગુ થશે

આવકવેરા કાયદો ૨૦૨૫ અમલી બનતા ફોર્મ-૧૬ ઇતિહાસ બનશે, નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી થશે : યુપીઆઈ દ્વારા એટીએમમાંથી કેશ ઉપાડવા પર ચાર્જ અને ટિકિટ કેન્સલેશનના કડક નિયમોથી સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ વધશે

નવી દિલ્હી:આજથી નવા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નો પ્રારંભ થઈ રહ્યો છે, જેની સાથે જ સામાન્ય જનતાના રોજિંદા જીવન અને ખિસ્સાને અસર કરતા અનેક મહત્વના નિયમો બદલાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે 'ઇનકમ ટેક્સ એક્ટ ૨૦૨૫' અમલી બનાવવામાં આવ્યો છે. આ ફેરફારોમાં બેન્કિંગ વ્યવહારો, હાઈવે ટોલ ટેક્સ, પાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા અને રેલવે ટિકિટ રિફંડના નિયમો મુખ્ય છે. કેટલાક ફેરફારો સુવિધાજનક છે, તો કેટલાક નાણાકીય બોજ વધારનારા સાબિત થશે.
ટેક્સના નિયમોમાં ક્રાંતિકારી ફેરફાર
નવા નાણાકીય વર્ષથી આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની જગ્યાએ આવકવેરા અધિનિયમ ૨૦૨૫ અમલમાં આવશે. હવે 'એસેસમેન્ટ યર' જેવા જટિલ શબ્દોને બદલે 'ટેક્સ યર' શબ્દનો પ્રયોગ થશે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ વાર્ષિક ૧૨ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા વ્યક્તિઓએ કલમ ૮૭એ હેઠળ મળતી વધારાની છૂટને કારણે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ ઉપરાંત, વર્ષોથી ચાલ્યા આવતા ફોર્મ ૧૬ અને ૧૬એ હવે બંધ થશે અને તેની જગ્યાએ ફોર્મ ૧૩૦ અને ૧૩૧ લેશે.
એટીએમ ટ્રાન્ઝેક્શન અને બેન્કિંગમાં કાપ
એચડીએફસી બેંક સહિતની મોટી બેંકોએ એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે એટીએમ પર ક્યુઆર કોડ સ્કેન કરીને કરવામાં આવતા યુપીઆઈ આધારિત રોકડ ઉપાડ પણ મફત ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદામાં ગણવામાં આવશે. મેટ્રો શહેરોમાં મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટાડીને ૩ કરી દેવામાં આવી છે. પંજાબ નેશનલ બેંકે ડેબિટ કાર્ડ પર દૈનિક રોકડ ઉપાડની મર્યાદા ૧ લાખથી ઘટાડીને ૫૦ હજાર કરી દીધી છે. મર્યાદા પૂરી થયા બાદ દરેક વ્યવહાર પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
રેલવે ટિકિટ રિફંડના નિયમો વધુ કડક
રેલવે મુસાફરો માટે ટિકિટ કેન્સલેશનના નિયમો આજથી બદલાયા છે. હવે જો મુસાફર ટ્રેન ઉપડવાના ૮ કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવશે તો જ તેને રિફંડ મળશે, અગાઉ આ મર્યાદા ૪ કલાકની હતી. જો ટ્રેન છૂટવાના ૮ કલાક પહેલા ટિકિટ રદ કરવામાં આવશે તો કોઈ રિફંડ મળશે નહીં. રેલવેએ રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો સમય પણ ૪ કલાકથી વધારીને ૮ કલાક કરી દીધો છે. જો ટ્રેન ઉપડવાના ૭૨ કલાક પહેલા ટિકિટ રદ કરાય તો જ મોટાભાગની રકમ પરત મળશે.
ફાસ્ટ ટેગ મોંઘો અને પાન કાર્ડ પ્રક્રિયા સરળ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ વાર્ષિક ફાસ્ટ ટેગની કિંમતમાં ૭૫ રૂપિયાનો વધારો કર્યો છે, જે હવે ૩,૦૭૫ રૂપિયામાં મળશે. બીજી તરફ, નવું પાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા સરળ બની છે. હવે માત્ર આધાર કાર્ડના વેરિફિકેશન દ્વારા જ નવું પાન કાર્ડ બની શકશે, જેનાથી અન્ય ઓળખપત્રોની જરૂરિયાત રહેશે નહીં. જોકે, જન્મતારીખની ખરાઈ માટે ધોરણ ૧૦નું પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ આપવો ફરજિયાત રહેશે.

(12:10 AM IST)