<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

તુર્કીના તોતિંગ સોનાના વેચાણથી વૈશ્વિક બજારમાં ભૂકંપ : આર્થિક સંકટ સામે ટકી રહેવા માત્ર ૧૪ દિવસમાં ૫૮ ટન સોનું વેચી માર્યું

૮ અબજ ડોલરની જંગી વેચવાલીને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ૩.૧ ટકા તૂટ્યા : ચલણ 'લીરા'ને બચાવવા અને ડોલરની ચૂકવણી કરવા તુર્કીએ સાત વર્ષમાં પ્રથમવાર અનામત ભંડારમાં મોટું ગાબડું પાડ્યું

ઈસ્તંબુલ:વૈશ્વિક સોનાના બજારમાં અત્યારે તુર્કી દ્વારા લેવામાં આવેલા એક આઘાતજનક નિર્ણયને કારણે ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ગંભીર આર્થિક પડકારો અને ફુગાવા સામે ઝઝૂમી રહેલા તુર્કીએ અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે વિશ્વના સૌથી મોટા સોનાના વિક્રેતા તરીકે ઉભરીને રોકાણકારોને ચોંકાવી દીધા છે. તુર્કીની સેન્ટ્રલ બેંકે છેલ્લા માત્ર બે સપ્તાહમાં આશરે ૫૮ ટન સોનાનું તાબડતોબ વેચાણ કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે ૮ અબજ ડોલર (૬૭ હજાર કરોડ રૂપિયાથી વધુ) આંકવામાં આવી રહી છે. આટલી મોટી માત્રામાં સોનું બજારમાં આવતા વૈશ્વિક બુલિયન માર્કેટમાં કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે.
૧૪ દિવસમાં ૫૮ ટન સોનું વેચી દેતા ભંડારમાં મોટો ઘટાડો
મળતી વિગતો અનુસાર, તુર્કીએ ૧૩ માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ૬ ટન અને ૨૦ માર્ચના સપ્તાહમાં ૫૨.૪ ટન સોનાનું વેચાણ કર્યું છે. આ આક્રમક વેચાણને કારણે તુર્કીનો સોનાનો અનામત ભંડાર ઘટીને ૫૧૩ ટન થઈ ગયો છે, જે છેલ્લા સાત વર્ષમાં સૌથી મોટો ઘટાડો દર્શાવે છે. અગાઉ રશિયાએ પણ ૨૫ વર્ષમાં પ્રથમવાર ૧૪ ટન સોનું વેચ્યું હતું, પરંતુ તુર્કીનું આ પગલું તેનાથી ક્યાંય વધુ વિશાળ છે. જાણકારોના મતે આ વેચાણ ગોલ્ડ સમર્થિત ETF માંથી થયેલા ૪૩ ટનના આઉટફ્લો કરતા પણ ઘણું વધારે છે.
કેમ લેવો પડ્યો આ આકરો નિર્ણય?
તુર્કીનું રાષ્ટ્રીય ચલણ 'લીરા' અત્યારે ભારે દબાણ હેઠળ છે અને ડોલર સામે તેની કિંમત સતત ઘટી રહી છે. આ ઉપરાંત, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઉર્જાની આયાત મોંઘી થઈ છે અને દેશમાં ડોલરની માંગમાં અચાનક તીવ્ર વધારો થયો છે. વિદેશી હૂંડિયામણ ભંડાર ઘટીને ૧૭૫ અબજ ડોલરના સ્તરે પહોંચતા, બજારમાં તરલતા જાળવવા અને વિદેશી દેવાની ચૂકવણી કરવા માટે મધ્યસ્થ બેંકને પોતાના સોનાના ભંડારનો આશરો લેવો પડ્યો છે. વેચવામાં આવેલા સોનાનો મોટો હિસ્સો 'ફોરેન સ્વેપ ડીલ' મારફતે અમેરિકી ડોલરની ચુકવણીમાં વપરાયો હોવાનું જાણવા મળ્યું છે.
બજારમાં કડાકો અને ભાવિ વલણો
તુર્કીના આ પગલાની સીધી અસર લંડન સ્પોટ માર્કેટ પર જોવા મળી હતી, જ્યાં સોનાના ભાવ એક સમયે ૩.૧ ટકા સુધી ગગડી ગયા હતા અને અંતે ૨.૪ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો ઉર્જા કટોકટી અને આર્થિક દબાણ યથાવત રહેશે, તો તુર્કી હજુ પણ સોનાનું વેચાણ ચાલુ રાખી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલા આ ફેરફારોની અસર આગામી દિવસોમાં ભારતીય બજાર પર પણ પડી શકે છે, જેને પગલે સ્થાનિક રોકાણકારોએ હવે વૈશ્વિક આર્થિક ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખવી અનિવાર્ય બની છે.

(12:22 AM IST)