<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

હવે સીધા જ UPI અને ATMના માધ્યમથી PF પૈસા ઉપાડી શકાશે : પહેલી એપ્રિલથી બદલાશે નિયમો

નવી 'EPFO 3.0 વર્ઝન લોંચ કરવા સાથે જ હવે PF ઉપાડવાની પ્રક્રિયા કોઈ સામાન્ય બેન્ક ખાતાની માફક સરળ થઈ જશે

નવી દિલ્હી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO) તેના કરોડો સભ્યોને માટે એક ક્રાંતિકારી ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. નવી 'EPFO 3.0 વર્ઝન લોંચ કરવા સાથે જ હવે PF ઉપાડવાની પ્રક્રિયા કોઈ સામાન્ય બેન્ક ખાતાની માફક સરળ થઈ જશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની માહિતી પ્રમાણે નવી વ્યવસ્થા અંતર્ગત સભ્યો સીધા જ UPI અને ATMના માધ્યમથી તેમના PF પૈસા ઉપાડી શકે છે.

આ નવી વ્યવસ્થા 1લી એપ્રિલ 2026થી સંપૂર્ણપણે લાગુ થઈ જવાની શક્યતા છે. આ ટેકનિક આધારિક સુધારાનો મુખ્ય ઉદ્દેશ દસ્તાવેજી કાર્યવાહીને ખતમ કરવા અને આપદા કે મુશ્કેલીની સ્થિતિમાં કર્મચારીઓને તાત્કાલિક જમા પૈસા પહોંચાડવાનો છે.

EPFO 3.0એ 'કોર બેંકિંગ સોલ્યુશન' તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એકવાર અમલમાં આવ્યા પછી સભ્યોએ તેમના PF Fund ઉપાડવા માટે અઠવાડિયા રાહ જોવી પડશે નહીં.

UPI સુવિધા: સભ્યો તેમની યોગ્યતાના આધારે BHIM અથવા અન્ય UPI એપ્સનો ઉપયોગ કરીને સીધા તેમના બેંક ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરી શકશે. પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા 25,000 ની પ્રારંભિક મર્યાદા નક્કી કરી શકાય છે.
ATM ઍક્સેસ: EPFO તેના સભ્યોને ATM જેવું 'વિથડ્રોઅલ કાર્ડ' આપવાનું વિચારી રહ્યું છે, જેનાથી તેઓ જરૂર પડ્યે રોકડ ઉપાડી શકશે.

નવી સિસ્ટમ કેટલાક ઉપાડના નિયમોને પણ સરળ બનાવે છે. પીએફ ઉપાડની 13 શ્રેણીઓ હવે ફક્ત ત્રણ સુધી ઘટાડી દેવામાં આવી છે: આવશ્યક જરૂરિયાતો (જેમ કે માંદગી), રહેઠાણ અને ખાસ પરિસ્થિતિ. 

 

ન્યૂનતમ બેલેન્સ: નિવૃત્તિ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાતામાં કુલ બેલેન્સના 25% જેટલું ન્યૂનતમ બેલેન્સ રાખવું જરૂરી છે. સભ્યો 75% સુધી ઉપાડી શકે છે.
લગ્ન અને શિક્ષણ: લગ્ન માટે આંશિક ઉપાડ હવે 5 વખત અને બાળકોના શિક્ષણ માટે 10 વખત સુધી માન્ય રહેશે, જે પહેલા કરતા નોંધપાત્ર રીતે વધારે છે.

ઓટો-સેટલમેન્ટ - ડિજિટલ સુધારા
EPFO 2.0 થી 3.0 માં સંક્રમણનો હેતુ ટેકનોલોજીને વધુ મજબૂત બનાવવાનો છે. હાલમાં લગભગ 95% દાવાઓ ઓટોમેટેડ પ્રોસેસિંગ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. નવી સિસ્ટમ આધાર-લિંક્ડ વેરિફિકેશન અને e-KYC દ્વારા દાવાના સમાધાનનો સમય ઘટાડીને ફક્ત થોડા કલાકો કે મિનિટો કરશે. વધુમાં સભ્યોને હવે પ્રોફાઇલ સુધારાઓ (જેમ કે નામ અથવા જન્મ તારીખ અપડેટ કરવા) માટે નોકરીદાતાની મંજૂરીની જરૂર રહેશે નહીં.

(9:24 PM IST)