News of Sunday, 29th March 2026
એફસીઆરએ બિલમાં વિદેશી ફંડ મેળવતા ધાર્મિક સ્થળોના ટેક-ઓવરની જોગવાઈ : લાયસન્સ રદ થતા મિલકત સરકાર હસ્તક જશે
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા સુધારા વિધેયકમાં ધાર્મિક સ્વરૂપ બદલ્યા વિના વહીવટ સોંપવાની દરખાસ્ત : વિપક્ષોએ બિલને 'ખતરનાક' ગણાવી એનજીઓ અને લઘુમતી સંસ્થાઓના અસ્તિત્વ સામે ખતરો હોવાનો આક્ષેપ કર્યો

નવી દિલ્હી:કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી ફંડ મેળવવા અંગેના કાયદા (FCRA) માં સુધારો કરવા માટે લોકસભામાં એક મહત્વનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલની જોગવાઈ મુજબ, જો વિદેશી ફંડ મેળવતી કોઈ સંસ્થા કે ધાર્મિક સ્થળનું લાયસન્સ રદ કરવામાં આવે, સ્થગિત કરવામાં આવે અથવા સંસ્થા લાયસન્સ રિન્યૂ કરવામાં નિષ્ફળ જાય, તો વિદેશી દાનમાંથી બનેલી કે રિનોવેટ થયેલી તમામ અસ્કયામતો સરકાર હસ્તક લઈ લેવામાં આવશે.
સરકાર નિયુક્ત સત્તાધારીને સોંપાશે વહીવટ:
બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે લાયસન્સ રદ થયા બાદ આવી મિલકતો કાયમી ધોરણે 'ડેઝિગ્નેટેડ ઓથોરિટી' (નિયુક્ત સત્તાધારી) ને સોંપવામાં આવશે. આ સંપત્તિ કોઈપણ મંત્રાલય, વિભાગ અથવા સ્થાનિક સત્તામંડળને ટ્રાન્સફર કરી શકાશે. જો ધાર્મિક સ્થળનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે, તો તે જે-તે ધાર્મિક સ્થળનું ધાર્મિક સ્વરૂપ જળવાઈ રહે તે રીતે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાને વહીવટ સોંપી શકશે. આ સંપત્તિ વેચી પણ શકાશે, પરંતુ જે સંસ્થા સામે કાર્યવાહી થઈ હોય તેના કોઈ પણ હોદ્દેદાર તે ખરીદી શકશે નહીં.
ગૃહ રાજ્યમંત્રી અને વિપક્ષ સામસામે:
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે આ બિલ એવા લોકો માટે ખતરનાક છે જેઓ વિદેશી ફંડનો ઉપયોગ બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવા અથવા વ્યક્તિગત લાભ માટે કરે છે. બીજી તરફ, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ જેવા વિપક્ષી દળોએ આ બિલને જોખમી ગણાવ્યું છે. કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) જેવી સંસ્થાઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે આનાથી લઘુમતીઓ અને સિવિલ સોસાયટીની સંસ્થાઓના અસ્તિત્વ સામે ખતરો ઊભો થશે.
નિષ્ણાતો અને નેતાઓના આક્ષેપો:
કોંગ્રેસ નેતા અને પૂર્વ આઈએએસ અધિકારી કન્નન ગોપીનાથને બિલની ટીકા કરતા જણાવ્યું હતું કે, 'જાહેર હિત' અને 'સંતોષકારક' જેવા શબ્દોની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા વિના સરકારને ગેરવાજબી સત્તા આપવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે કોઈ પણ પુરાવા વિના એનજીઓ પર નિયંત્રણ મેળવવાનો આ એક રસ્તો છે. વધુમાં તેમણે જણાવ્યું કે જો કોઈ સંપત્તિમાં થોડો પણ હિસ્સો વિદેશી ફંડનો હોય, તો સરકાર આખી મિલકત જપ્ત કરી શકે છે, જે સ્થાનિક ફંડથી બનેલી ઉચ્ચ મૂલ્યની માળખાગત સુવિધાઓ પર કબજો મેળવવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
