હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચીને ઈરાન સાથે કરેલો ૪૦૦ અબજ ડોલરનો મહાકાય સોદો જોખમમાં : અમેરિકા અને ઈઝરાયેલના હુમલાએ શી જિનપિંગના સપનાઓ રોળી નાખ્યા
બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) હેઠળ ઈરાનમાં રેલવે, બંદરો અને ઊર્જા ક્ષેત્રે કરેલું અબજોનું રોકાણ યુદ્ધની આગમાં હોમાયું : મધ્ય-પૂર્વમાં અમેરિકાને ઘેરવાની ચીની વ્યુહરચનાના ચીરેચીરા ઉડ્યા

બીજિંગ:ચીન દ્વારા ઈરાન સાથે કરવામાં આવેલો વર્ષો જૂનો વ્યૂહાત્મક કરાર વર્તમાન યુદ્ધની સ્થિતિમાં સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયો છે. વર્ષ ૨૦૨૧માં ચીને ઈરાન સાથે ૪૦૦ અબજ ડોલરનો જે ઐતિહાસિક સોદો કર્યો હતો, તે હવે ધૂળમાં મળી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલાઓએ ચીનની વર્ષોની મહેનત અને ખરબો રૂપિયાની યોજનાઓને એક ઝટકામાં તહસ-નહસ કરી દીધી છે. શી જિનપિંગની આ મહત્વાકાંક્ષી યોજના પાછળનો હેતુ મધ્ય-પૂર્વમાં પોતાની પકડ મજબૂત કરી અમેરિકાને પડકારવાનો હતો, પરંતુ હવે પાસું ઉલટું પડ્યું છે.
૪૦૦ અબજ ડોલરનો સોદો હવે જોખમમાં
વર્ષ ૨૦૨૧ના કરાર મુજબ, ચીન ઈરાનમાં બંદરો, રેલવે લાઈનો, હોસ્પિટલો અને સ્માર્ટ સિટી બનાવવાનું હતું, જેના બદલામાં તેને સસ્તા દરે ઈરાની તેલ મળવાનું હતું. ૨૦૧૬માં રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતે તેહરાનની મુલાકાત લઈને ઈરાનને 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ' (BRI) નું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું. ચીન ઈરાનને એક એવા પાડોશી તરીકે વિકસાવવા માંગતું હતું જે આફ્રિકા અને યુરોપ સુધીના વ્યાપારિક માર્ગો પર ચીનનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે. જોકે, તાજેતરના હુમલાઓએ ઈરાનના પરમાણુ મથકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેનાથી ચીનનું રોકાણ ડૂબવાની અણી પર છે.
એક રાતમાં બદલાઈ ગઈ બાજી
ગયા વર્ષે જૂનમાં થયેલા 'મિડનાઈટ હેમર' અને ત્યારબાદના સતત હુમલાઓએ ઈરાનની લશ્કરી અને પરમાણુ ક્ષમતાને નબળી પાડી દીધી છે. યુરેનિયમ સંવર્ધન સુવિધાઓ, લાંબા અંતરની મિસાઈલો અને ડ્રોન શક્તિને થયેલા નુકસાનથી ચીનની ગ્રાન્ડ સ્ટ્રેટેજી વિખરાઈ ગઈ છે. શ્રીલંકાના અખબાર 'ડેલી મિરર' ના અહેવાલ મુજબ, બંદરો અને રેલ કોરિડોર સાથે જોડાયેલા BRI પ્રોજેક્ટ્સ હવે અનિશ્ચિતતાના વાદળોમાં ઘેરાયેલા છે. ચીન જે ઈરાનને અમેરિકા સામે હથિયાર તરીકે વાપરવા માંગતું હતું, તે જ દેશ હવે પોતાની રક્ષા કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
ચીન પોતે જ પોતાની ચાલમાં ફસાયું
વર્તમાન પરિસ્થિતિમાં ચીન માટે 'સાપ ગળ્યા જેવી' સ્થિતિ સર્જાઈ છે. ઈરાન ખાડીના એવા દેશો પર હુમલા કરી રહ્યું છે જ્યાં ચીને પણ મોટું રોકાણ કર્યું છે. જો ચીન ઈરાનને રોકવા જાય તો તેનો જૂનો મિત્ર છૂટી જાય અને જો ન રોકે તો અન્ય દેશોમાં રહેલું તેનું રોકાણ જોખમમાં મુકાય તેમ છે. આમ, શતરંજની ભાષામાં કહીએ તો, જે ચીને અમેરિકાને ઘેરવા માટે ચાલ ચાલી હતી, તે આજે ખુદ 'શહ અને માત' ની સ્થિતિમાં આવી ગયું છે. મધ્ય-પૂર્વમાં ચીનનો પ્રભાવ વધારવાની આખી ગણતરી યુદ્ધના કારણે સંપૂર્ણપણે ગરબડાઈ ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
